Vadodara

ઉતરાયણમાં પતંગની દોરી બની ઘાતક

બે દિવસમાં 20થી વધુ લોકોને દોરી વાગી, ગોત્રી હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોની કતાર

વડોદરા શહેરમાં મકર સંક્રાંતિના પર્વની ઉત્સાહભરી ઉજવણી વચ્ચે પતંગની કાતિલ દોરી અનેક લોકો માટે ગંભીર અકસ્માતનું કારણ બની. 14 અને 15 જાન્યુઆરી દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં દોરી વાગવાના અનેક બનાવો સામે આવ્યા, જેમાં 20થી વધુ ઇજાગ્રસ્તોને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઉતરાયણના પર્વને ધ્યાનમાં રાખીને ગોત્રી હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં તબીબો તથા પેરામેડિકલ સ્ટાફની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. હોસ્પિટલના આર.એમ.ઓ. દ્વારા મળતી માહિતી મુજબ, માત્ર બે દિવસમાં 18 થી 20 જેટલા કેસ પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થયેલા લોકોના નોંધાયા હતા. તમામ દર્દીઓને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી હતી.
ઇજાગ્રસ્તોમાં મોટાભાગના લોકો ટુ-વ્હીલર પર મુસાફરી કરતી વખતે ચાઈનીઝ અથવા કાચ પાયેલી દોરીનો ભોગ બન્યા હતા. કેટલાકને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, તો કેટલાકને નાક, હાથ અને પગની આંગળીઓમાં ઊંડા ઘા પડ્યા હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, 4 થી 5 દર્દીઓને ગંભીર ઈજાના કારણે ટાંકા લેવા પડ્યા હતા.
સદનસીબે, આ સમયગાળા દરમિયાન કોઈ જાનહાનિનો બનાવ નોંધાયો નથી. તમામ ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી. ગોત્રી હોસ્પિટલના સત્તાધીશોએ જણાવ્યું હતું કે પર્વ દરમિયાન ઇમરજન્સી સેવાઓ સતત કાર્યરત રાખવામાં આવી હતી જેથી કોઈ પણ અકસ્માતના કિસ્સામાં ત્વરિત સારવાર મળી શકે.
તબીબોએ વાહનચાલકોને સલાહ આપી હતી કે ઉતરાયણ દરમિયાન ગળામાં સુરક્ષાત્મક પટ્ટી બાંધે અથવા વાહનમાં સેફ્ટી ગાર્ડ લગાવે, જેથી પતંગની દોરીથી થતી જીવલેણ દુર્ઘટનાઓથી બચી શકાય.

Most Popular

To Top