ડભોઈ તાલુકાની માંડવા ગ્રામ પંચાયતનું જન્મ–મરણ દાખલા માટે તધલખી ફરમાન!!
“વેરો ભરો તો જ કામ થશે” એવા આદેશથી ગ્રામજનોમાં રોષ
ડભોઇ: ડભોઈ તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં અવારનવાર નવા મુદ્દાઓને લઈને વાતાવરણ ગરમાતું રહે છે. ત્યારે આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ડભોઈ તાલુકાની માંડવા ગ્રામ પંચાયતમાં જન્મ–મરણના દાખલા માટે તધલખી ફરમાન બહાર પડ્યું હોવાની ચર્ચાએ ભારે વિવાદ જગાવ્યો છે.
ગ્રામજનોનું કહેવું છે કે માંડવા ગ્રામ પંચાયતમાં જો જન્મ કે મરણનો દાખલો જોઈએ તો પહેલા વેરો ભરો, ત્યારબાદ જ પ્રમાણપત્ર આપવામાં આવશે. આ પ્રકારના ફરમાનને લઈને ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આવા આદેશ પાછળ ઉપરની કચેરીનો કોઈ સત્તાવાર હુકમ છે કે પછી મનસ્વી રીતે નિયમો ઘડવામાં આવી રહ્યા છે? નાનકડા માંડવા ગામમાં આ મુદ્દે અનેક ચર્ચાઓ ઉઠી રહી છે. જાણકારી મુજબ જાગૃત ગ્રામજનો દ્વારા આ મામલે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરવાની તૈયારી પણ ચાલી રહી છે.
ડભોઈ તાલુકાની માંડવા ગ્રામ પંચાયતના ડાહ્યાભાઈ સુખાભાઈ વસાવા (રહે. જારા ફળીયા)એ પોતાના ભાઈ નટુભાઈ સુખાભાઈ વસાવાના મરણ દાખલા માટે ગ્રામ પંચાયત ખાતે અરજી કરી હતી. ત્યારે તલાટી કમ મંત્રીએ તેમને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “પહેલા બાકી વેરો ભરો, ત્યારબાદ જ મરણ દાખલાનું પ્રમાણપત્ર મળશે.”
આ ઘટનાને લઈને ગ્રામજનોમાં અસંતોષ ફેલાયો છે. વેરા વસુલાત જરૂરી છે તે વાત સ્વીકાર્ય છે, પરંતુ મરણ દાખલા જેવી તાત્કાલિક અને આવશ્યક પ્રક્રિયામાં વેરા સાથે શરત જોડવી કેટલાં અંશે વ્યાજબી છે તે મોટો પ્રશ્ન બની રહ્યો છે. મરણ દાખલાની તાત્કાલિક જરૂરિયાત હોવા છતાં આવી અડચણ ઉભી કરાતી હોવાનો આરોપ ગ્રામજનો લગાવી રહ્યા છે.
હવે જોવું રહ્યું કે ઉપરની કચેરી આ મામલે કોઈ સ્પષ્ટ આદેશ આપે છે કે પછી વેરો ભર્યા બાદ જ જન્મ–મરણના દાખલા આપવામાં આવશે – આ મુદ્દે આવનારા દિવસોમાં શું વળાંક આવે છે તે તરફ સૌની નજર મંડાઈ છે.
રિપોર્ટર: દીપક જોશી, ડભોઇ