Business

આવું ન કરતા…

આવું તો બધા જ કરે છે એવું વિચારીને ખોટું કરતા નહીં, વિઝાના ઈન્ટરવ્યૂમાં જુઠ્ઠું બોલતા નહીં, ગભરાટ મુખ ઉપર લાવતા નહીં, વિઝા મળશે કે નહીં ચિંતા એવી કરતા નહીં. આવ્યા છે તેઓ વિઝા આપવા વાત એ ભૂલતા નહીં,
કોન્સ્યુલર ઓફિસર ભલે લેડી છે, સ્ત્રી છે એટલે આંખો એમનાથી ચોરતા નહીં.
આઈ કોન્ટેક્ટ કરતા ખચકાતા નહીં,
જાણી લેજો બધી લાયકાતો, વિઝા મેળવવાની,
સવાલો અઘરા પૂછશે ચિંતા કરતા નહીં,
જાણકારી સઘળી આપવા ‘મૈ હું ના’ ભૂલતા નહીં.’
અમેરિકાના વિઝા માટે આટલું યાદ રાખજો ‘ગુજરાતમિત્ર’ના વાચકો. જો વિઝા કન્સલ્ટન્ટ્સો પાસે તમારા ‘B-1/B-2’ યા ‘F-1’ કે અન્ય કોઈ પ્રકારના નોન ઈમિગ્રન્ટ યા ઈમિગ્રન્ટ વિઝાનું અરજીપત્રક ભરાવ્યું હોય તો એ અરજીપત્રક ઉપર, એ વિઝા કન્સલ્ટન્ટ્સે એની સહી કરવાની રહે છે અને એને પોતાને લગતી માહિતી પણ આપવાની રહે છે. લગભગ બધા જ વિઝા કન્સલ્ટન્ટ્સો વિઝાના અરજીપત્રક ઉપર સહી કરવાનું અને એમનું નામ-ઠામ, સરનામું લખવાનું ટાળે છે કારણ કે જો અરજીપત્રકમાં કંઈ ખોટું લખ્યું હોય તો એની જવાબદારી એમના શિરે આવી શકે છે એટલે વિઝા કન્સલ્ટન્ટ્સોને તેઓ જો તમારું અરજીપત્રક ભરતા હોય તો એમનું નામ અને સહી કરવાનું અવશ્યથી જણાવજો.
વિઝા કન્સલ્ટન્ટ્સો પાસે તમારા કોઈ પણ પ્રકારના વિઝાનું અરજીપત્રક ભરાવ્યું હોય તો એ સબમિટ કરતા પહેલાં પૂરેપૂરું વાંચી લેજો. અંગ્રેજી આવડતું ન હોય તો એ કન્સલ્ટન્ટને કે અન્ય કોઈને એમાં જણાવવામાં આવેલી વિગતો તમને ગુજરાતી ભાષામાં જણાવવાનું કહેજો. અનેક વાર વિઝા કન્સલ્ટન્ટ્સો તમારી જાણ બહાર અથવા તો તમે કહ્યું હોય એ છતાં અમુક વિગતો અરજીપત્રકમાં લખતા નથી અને ખોટી વિગતો આપે છે કારણ કે તમે એમને એમ કહ્યું હોય છે કે તમને વિઝા મળશે તો જ તમે એમની ફી આપશો. આથી તમને વિઝા મળે એ માટે તેઓ અરજીપત્રકમાં ખોટી બાતમી આપતા પણ ખચકાતા નથી.
વિઝાનું જે અરજીપત્રક કોન્સ્યુલેટને સુપ્રત કરવામાં આવ્યું હોય તેની એક નકલ તમારે તમારી પાસે સાચવીને રાખી મૂકવી જોઈએ. ભવિષ્યમાં તમને એની જરૂર પડશે. અરજીપત્રકમાં તમે જણાવ્યું છે એનાથી વિરુદ્ધ હવે જે અરજીપત્રક ભરો એમાં જણાવવામાં આવે તો તમે ખોટા ઠરશો એટલે તમારે આ તકેદારી રાખવી જોઈએ અને તમે જો એ અરજીપત્રક સાચવી રાખ્યું હશે તો તમને મદદકર્તા થઈ પડશે.
અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટને એમની સેક્રેટરી મોનિકા લેવિસ્કી જોડે અનૈતિક સંબંધો બાંધ્યા હતા. આ બાબતમાં એમને જ્યારે પ્રશ્નો કરવામાં આવ્યા ત્યારે એમણે આવા સંબંધોની સાફ ના પાડી પણ જ્યારે સોગંદ ઉપર જણાવવાનું કહેવામાં આવ્યું ત્યારે એમણે એ સંબંધો કબૂલ્યા અને સત્યના પ્રેમી અમેરિકનોએ એમના પ્રેસિડેન્ટને માફ કરી દીધા. અમેરિકનો સત્યના આગ્રહી છે એટલે વિઝાની બાબતમાં, અમેરિકાના ઈમિગ્રેશનની બાબતમાં ભારતનો જે મુદ્રાલેખ છે ‘સત્યમેવ જયતે’ એ હંમેશાં યાદ રાખજો. વિઝાનો ઈન્ટરવ્યૂ બની શકે તો અંગ્રેજી ભાષામાં જ આપજો. અમેરિકન ઓફિસરના અંગ્રેજી ઉચ્ચારો સમજ નહીં પડે એવું ધારીને ઈન્ટરવ્યૂ ગુજરાતીમાં આપવાનું બની શકે તો ટાળજો. તમે જ્યારે ઈન્ટરવ્યૂ ગુજરાતીમાં આપો છો ત્યારે ઈન્ટરપ્રિટર કોન્સ્યુલર ઓફિસરના સવાલો અને તમારા જવાબોનું સંપૂર્ણપણે ભાષાંતર નથી કરતા. એને ટૂંકાવી નાખે છે જેથી ઘણી વાર જવાબોની અસર જુદી જ પડે છે.
અમેરિકાના વિઝા માટે એ પણ યાદ રાખજો કે જો તમારાં સંતાનો અમેરિકામાં ભણતાં હોય એમની ટ્યુશન ફી, એમને ખર્ચાની રકમ હવાલા મારફતે એટલે કે મની લોન્ડરિંગનો ગુનો કરીને પૂરી નહીં પાડતા. તમારાં સંતાનોને એમનો અમેરિકાનો ખર્ચો મહેરબાની કરીને હવાલા મારફતે પહોંચાડતા નહીં. આમ કરવાથી તમારા સંતાનને તમે મુશ્કેલીમાં મૂકી દો છો. જો એમને હવાલા મારફતે પૈસા મેળવ્યા હશે એવી જાણ સત્તાવાળાઓને થશે તો એમના વિઝા રદ કરવામાં આવશે.
બીજી વાર અમેરિકાનું પ્રમુખપદ ધારણ કરનાર ડોનાલ્ડ ટ્રમ્પ ઈમિગ્રન્ટોના વિરોધી છે. અમેરિકાના બધા જ પ્રેસિડેન્ટો થોડે ઘણે અંશે તો ઈમિગ્રન્ટોના અને ખાસ કરીને ઈ લીગલ ઈમિગ્રન્ટોના વિરોધી હતા. ડોનાલ્ડ ટ્રમ્પને તો ઈ લીગલ ઈમિગ્રન્ટો પ્રત્યે પુષ્કળ ઘૃણા છે.
એમના વકતવ્યમાં એમણે જણાવ્યું છે કે ઈમિગ્રન્ટોએ અમેરિકાને કચરાનો ડબ્બો એટલે કે ‘ગાર્બેજ કેન’ બનાવી નાખ્યો છે. તેઓ ઈ લીગલ ઈમિગ્રન્ટોને અમેરિકા બહાર કાઢી મૂકવા ખૂબ જ ઉત્સુક છે. આથી જો તમે અમેરિકામાં ઈ લીગલી પ્રવેશવા કે લીગલી પ્રવેશીને પછી ઈ લીગલી રહેવાની ઈચ્છા ધરાવતા હશો તો તમારી એ ઈચ્છા, તમારું એ અમેરિકન સપનું, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પૂરું થવા નહીં દે.આપણા દેશનો મુદ્રાલેખ ‘સત્યમેવ જયતે’ હંમેશાં તમારી નજર સમક્ષ રાખજો. અમેરિકાના વિઝા મેળવતા, અમેરિકામાં પ્રવેશતા, અમેરિકામાં રહેતા, જુઠ્ઠાણાનો આશરો બિલકુલ લેતા નહીં.
જો આ બાબતો મુજબ અનુસરશો તો તમને વિઝા મેળવવામાં, વિઝા મેળવ્યા બાદ અમેરિકામાં પ્રવેશવામાં અને અમેરિકામાં પ્રવેશ્યા પછી અમેરિકામાં રહેવામાં બાધ નહીં નડે. એ ‘તક’ અને ‘છત’નો જે દેશ છે એનો પૂરેપૂરો લાભ લઈ શકશો પણ જો તમે ખોટું આચર્યું હશે, વિઝા મેળવવા માટે બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા હશે, સાચી હકીકતો છુપાવી હશે, ખોટી બાતમી આપી હશે, અમેરિકામાં પ્રવેશતાં જુઠ્ઠું બોલ્યા હશો, અમેરિકામાં પ્રવેશ્યા પછી અમેરિકાને નુકસાન પહોંચાડે એવું કંઈ ખોટું કામ કર્યું હશે તો તમે તમારી જાતને મુશ્કેલીમાં મૂકી દેશો.

.

Most Popular

To Top