મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વડોદરા જિલ્લાને મળશે રૂ. ૯૨ કરોડથી વધારેના વિકાસકાર્યોની ભેટ
મુખ્યમંત્રીના હસ્તે ૫૨૫ જુનિયર કલાર્કના નિમણૂક પત્રો એનાયત કરાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૦૩ માર્ચના રોજ વડોદરાના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડોદરા પ્રવાસ દરમિયાન જિલ્લો, મહાનગરપાલિકા અને વુડાના અંદાજીત રૂ. ૮૬૫ કરોડના અનેક વિકાસકાર્યોની ભેટ મળશે. મુખ્યમંત્રીશ્રી શહેરના ઓ. પી. રોડ ખાતે રૂ. ૨૨.૦૫ કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન નવી કલેક્ટર કચેરીને જનસમર્પિત કરશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વડોદરા જિલ્લાને રૂ. ૯૨ કરોડથી વધારેના વિકાસકાર્યોની ભેટ મળશે. જેમાં રૂ. ૨૨ કરોડના ખર્ચે નવનિર્મિત નવી કલેક્ટર કચેરીના લોકાર્પણ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીના હસ્તે અંદાજિત રૂ. ૩૭ કરોડના ખર્ચે બે પ્રકલ્પોના લોકાર્પણ અને રૂ. ૩૩.૪૦ કરોડના ખર્ચે બે પ્રકલ્પોના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. જે અંતર્ગત રૂ. ૩૩.૭૫ કરોડના ખર્ચે વડોદરા જિલ્લા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના કરજણ તાલુકાના પાલેજ-નારેશ્વર રસ્તાની મજબૂતાઈ વધારવાનું અને પહોળાઈ ૭ મીટરથી વધારીને ૧૦ મીટર કરવાના કામનું લોકાર્પણ થશે. તદુપરાંત મુખ્યમંત્રી રૂ. ૩.૧૫ કરોડના ખર્ચે નિર્મિત નવીન ડભોઈ તાલુકા પંચાયત ભવનનું પણ લોકાર્પણ કરશે. વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓ ખાતે રૂ. ૯૮ લાખના ખર્ચે નવીન તૈયાર થનાર કુલ ૧૧ આંગણવાડી ઈમારતોનું ખાતમુહૂર્ત તેમજ રૂ. ૩૨.૪૧ કરોડના ખર્ચે પંચાયત માર્ગ અને મકાન પ્રભાગ હેઠળના ૫૧ કિ.મી ના કુલ ૧૯ નવીન રસ્તાઓના કામનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.
આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા મહાનગરપાલિકા દ્વારા લોક સુવિધા માટે રૂ. ૧૫૬ કરોડ અને વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (વુડા) દ્વારા રૂ. ૬૧૭ કરોડના એમ કુલ મળી રૂ. ૭૭૩ કરોડના વિકાસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. સાથે જ મુખ્યમંત્રીના હસ્તે ૫૨૫ જુનિયર કલાર્કના નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે.
મુખ્યમંત્રી શ્રીનાથ ધામ હવેલી અને નરહરિ હોસ્પિટલના નવા મકાનનું ભૂમિપૂજન કરશે
સાંજે પાંચ કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રેવા પાર્ક ગરબા ગ્રાઉન્ડ ખાતે શ્રીનાથધામ હવેલી મંગલ ભૂમિપૂજન કરશે અને હોળી રસિયા સંગ ફૂલ ફાગ કાર્યક્રમમાં સહભાગી થશે. ત્યારબાદ તેઓ અહીંથી જ નરહરિ હોસ્પિટલના નવા બિલ્ડીંગ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે.
મુખ્યમંત્રીના વડોદરા પ્રવાસ દરમિયાન ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ અને મેયર પિન્કીબેન સોની ઉપરાંત સાંસદ રંજનબેન ભટ્ટ, જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબેન મહિડા, વડોદરાના સર્વે ધારાસભ્યો, વી. એમ. સી. કમિશનર દિલીપ રાણા, કલેક્ટર બી. એ. શાહ, ડી. ડી. ઓ. મમતા હિરપરા સહિતના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.