યશરાજ ફિલ્મને અત્યારે આદિત્ય ચોપરા સંભાળે છે. યશ ચોપરા યશરાજ ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક હતા જયારે આદિત્ય ચોપરા તેના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર છે. યશજીએ મોટાભાઇ બી.આર. ચોપરાથી અલગ થઇ 1970માં યશરાજ ફિલ્મ્સની સ્થાપના કરેલી ત્યારે જે હેતુ હતો તે આદિત્યએ બદલી કાઢયો છે. આદિત્યના ચેરમેનપદ હેઠળ આ કંપની ફિલ્મો બનાવવા ઉપરાંત વિતરણનું કામ કરે છે. સંગીત વેચે છે, સ્ટૂડિયો સંભાળે છે ઉપરાંત વિઝયુઅલ ઇફેકટસ, ડિજીટલ, ટેકનિકલ, માર્કેટિંગ જેવી વ્યવસાયિક સેવા આપે છે.’ બ્રાન્ડ પાર્ટનરશીપ કરે છે.
યશરાજ ફિલ્મ્સ પાસે વાયઆરએફ સ્ટૂડિયો, વાય ફિલ્મ્સ, વાયઆરઅફ ટેલિવિઝન, વાયઆરએફ મ્યુઝિક, વાયએફએકસ, વાયઆરએફ એન્ટરટેનમેન્ટ જેવી કંપનીઓ ચલાવે છે. આ બધું યશ ચોપરા નહોતા કરતા. તેમણે ‘દાગ’, ‘કભી કભી’, ‘કાલા પથ્થર’, ‘ચાંદની’થી માંડી ‘ડર’, ‘દિલવાલે દુલ્હનીયાં લે જાયેંગે’, સજબ તક હે જાં’ સહિતની ફિલ્મો બનાવી. યશજીનો મુખ્ય રસ ફિલ્મ નિર્માણ અને દિગ્દર્શન જહતો. તેમણે બીજાના દિગ્દર્શનમાં ફિલ્મો બનાવી છે પણ તેની સંખ્યા ઓછી છે. યશજી તો બીજાની ફિલ્મોનું દિગ્દર્શન પણ કરતા. ‘દિવાર’, ‘જોશીલા’ના તેઓ માત્ર દિગ્દર્શક જ હતા જયારે આદિત્ય ચોપરાને દિગ્દર્શનમાં ઓછો રસ છે અને તે કારણે હમણાં મોટી ગરબડ થઇ છે.
તેમની છેલ્લી દશ ફિલ્મોમાંથી ‘ટાઇગર ઝિંદા હે’ અને ‘વોર’ને સફળ ગણો તો તે સિવાયની ‘સુઇ ધાગા’, ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’, ‘હિચકી’, ‘મર્દાની-2’, ‘બંટી ઔર બબલી-2’, ‘જયેશભાઇ જોરદાર’, ‘સમ્રાટ પૃથ્વીરાજ’, ‘શમશેરા’ નિષ્ફળ ગઇ છે. યશજી તો અત્યારે નથી પણ હોય તો આદિત્યને કહ્યું હોત કે આટલી બધી ફિલ્મો બનાવવાનું છોડી જાતે 2-3 વર્ષે એક ફિલ્મ બનાવ. આદિત્યએ છેલ્લે ‘બેફિકે’નું દિગ્દર્શન કરેલું અને તેપહેલાં ‘જબ તક હે જાન’, ‘મહોબ્બતે’ અને ‘દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે’. બસ, કુલ ચાર જ ફિલ્મો. યશરાજ ફિલ્મ્સની ‘ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલી’, ‘મહારાજ’, ‘પઠાણ’ ને ‘ટાઇગર-3’ ફિલ્મો આવી રહી છે. આમાંની કઇ ફિલ્મ ચાલશે એ કહેવું મુશ્કેલ છે પણ આદિત્યએ હવે તેની કંપની ચાલુ રાખવી હોય તો સ્ટ્રેટેજી બદલવી પડશે.
યશજી સામાન્ય પ્રમાણે મેચ્યોર લવસ્ટોરી ફિલ્મો બનાવતા અને એજ યશરાજ ફિલ્મ્સની ઓળખ હતી. આદિત્ય અનેક વિષયો પર ફિલ્મો બનાવે છે અને તેમાં વિષય પર, પટકથા પર, સંગીત પર ધ્યાન આપી શકાતું નથી. યશજીની ફિલ્મોની પટકથા ચુસ્ત રહેતી અને સંગીત યાદગાર રહેતું. તેઓ બહુ બધા સ્ટાર પર ભરોસો પણ નહીં કરતા. રાજેશ ખન્ના પછી અમિતાભ, શશી કપૂર, શાહરૂખ ખાન તેમના મુખ્ય સ્ટાર રહ્યા. મુખ્ય અભિનેત્રી બ્યુટીફૂલ જ હોય તેની કાળજી રાખતા. તેમણે જે અભિનેતા-અભિનેત્રીને તક આપી તે સ્ટાર બની ગયા.
તેમણે ગીતકાર તરીકે સાહિર લુધ્યાનવી પર જ સૌથી વધુ ભરોસો કર્યો. સંગીતકાર તેમણે બદલ્યા પણ ઘણી ચકાસણી પછી જ તેના ગીતો લેતા. લતાજી વિના તેઓ ફિલ્મ નહોતા બનાવતા. આદિત્ય ચોપરાએ આવા કોઇ નિયમ પાળ્યા નથી અને હવે નિયમમાં આવવું જરૂરી લાગે છે. એવું નથી કે આદિત્ય નિષ્ફળ જ ગયો છે. તેણે કુણાલ કોહલી, કબીર ખાન, સંજય ગઢવી, જયદીપ સાહની, સિધ્ધાર્થ આનંદ, શિમીત અમીન, હબીબ ફૈઝલ, શાહ અલી, મનીષ શર્મા, વિજય આચાર્ય, પ્રદીપ સરકાર, અનિલ મહેતા સહિતના દિગ્દર્શકોનેતક આપી અને ‘હમતુમ’, ‘ફના’, ‘બંટી ઔર બબલી’, ‘ધૂમ’, ‘રબને બના દી જોડી’, ‘બેન્ડ બાજા બારાત’, ‘સાથિયા’, ‘કાબૂલ’ એકસપ્રેસ’, ‘ચક દે ઇન્ડિયા’, ‘એકથા ટાઇગર’, ‘સુલતાન’, ‘ટાઇગર ઝિંદા હૈ’ જેવી સફળ ફિલ્મો આપી છે પણ તેની સામે યશરાજ નિર્મિત નિષ્ફળ ફિલ્મોની સંખ્યા પણ બહુ મોટી છે.
યશ ચોપરાના નામે નિષ્ફળ ફિલ્મોની સંખ્યા બહુ ઓછી છે. તેમણે બીજા દિગ્દર્શકો પાસે ફિલ્મો બનાવેલી તે પણ સામાન્યપણે સફળ રહી છે ચાહે ‘દૂસરા આદમી’ હોય ‘નૂરી’ હોય ‘સવાલ’ હોય. હા, ‘નાખુદા’, ‘ફાસલે’, ‘વિજય’, ‘આઇના’ તેમની નિષ્ફળ ફિલ્મો હતી પણ સામે સફળ ગણાવવી હોય તો ‘દાગ’, ‘કભી કભી’, ‘કાલા પથ્થર’, ‘સિલસિલા’, ‘સવાલ’, ‘મશાલ’, ‘ચાંદની’, ‘લમ્હે’, ‘ડર’, ‘દિલ તો પાગલ હે’ છે જેનું દિગ્દર્શન પણ તેમનું જ હતું.
આદિત્ય ચોપરાએ કંપની બહુ મોટી કરી નાંખી છે અને ફિલ્મ નિર્માણની લગભગ બધી બાબતોમાં આત્મનિર્ભર છે, પરંતુ જો વારંવાર ફિલ્મ નિષ્ફળ જાય તો ચિંતા કરવી પડે. તેણે ફરી પિતા યશ ચોપરા જે કરતા હતા તે કરવું જરૂરી બનશે. યશરાજ ફિલ્મની પ્રતિષ્ઠા જાળવવા આદિત્ય ચોપરાએ થોડા પુર્નવિચારની જરૂર છે. તેનો ભાઇ ઉદય ચોપરા તેને મદદ કરી શકે એમ નથી અને પત્ની રાની મુખરજીને તો તેના માટે યશરાજ ફિલ્મો બનાવે એટલો જ રસ લાગે છે. આદિત્ય યશસ્વી યશવજીનો દિકરો છે તે યશ જાળવે. બ.