Charotar

આણંદ અમૂલ ડેરીએ દૂધની ખીરીદમાં રૂ.10નો વધારો કર્યો

આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના ખેડૂતોને બેવડો લાભ: દૂધના ભાવ વધ્યા – દાણમાં ઘટ્યાં

દૂધના ભાવ વધારા સાથે પ્રથમ વખત દાણમાં પણ ઘટાડો કર્યો

(પ્રતિનિધિ) આણંદ તા.26

આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના પશુપાલકો માટે અમૂલ ડેરી દ્વારા બેવડો લાભ જાહેર કરવામાં આવ્યો છે. અમૂલ ડેરી 1લી જૂનથી દૂધની ખરીદીના ભાવમાં પ્રતિ કિલો રૂ.10નો વધારો કર્યો છે. જ્યારે દાણના ભાવમાં પણ રૂ.25 અને 35નો ઘટાડો કરવામાં આવ્યો છે.

આણંદ અમૂલ ડેરીના ઇતિહાસમાં પ્રથમ વખત દૂધના ભાવમાં વધારો અને દાણના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ અંગે ચેરમેન વિપુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમૂલ ડેરી દ્વારા 1લી જૂન,2025થી દૂધ ઉત્પાદકોને ચુકવવામાં આવતા દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂ.10નો વધારો કરવામાં આવશે. આમ, દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે રૂ.855થી વધારી 865 આપવામાં આવશે. આ નિર્ણયને લીધે અમૂલ ડેરી સાથે સંકળાયેલા આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના 7 લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે. આ સાથે અમૂલ ડેરી ગુજરાતની તમામ ડેરીમાં સર્વોચ્ચ દૂધના ભાવ આપતી સંસ્થા બની છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, ભેંસના દૂધનો ભાવ હવે રૂ.53.44 પ્રતિ લીટર (છ ટકા ફેટ) જે પહેલા રૂ.52.82 હતો. જ્યારે ગાયના દૂધનો ભાવ રૂ.36.25 પ્રતિ લીટર રહેશે (3.5 ટકા ફેટ) જે પહેલા રૂ.35.83 હતો.

આ ઉપરાંત દૂધ ઉત્પાદકોને સહારો આપવા અમૂલ સંઘ દ્વારા દાણના ભાવમાં 50 પૈસા પ્રતિ કિલોનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેનાથી પશુપાલકોને સીધો આર્થિક લાભ મળશે. અમૂલ દાણની 70 કિલોની બેગ દીઠ રૂ.35 અને 50 કિલોની બેગ દીઠ રૂ.25નો ઘટાડો કર્યો છે. આ ઉપરાંત એપ્રિલ મહિનામાં પણ વરદાન દાણમાં બેગ દીઠ રૂ.50, ન્યુટ્રી ગાર્ડ દાણમાં રૂ.60, બફેલો દાણમાં બેગ દીઠ રૂ.100, ન્યુટ્રી પાવર દાણમાં બેગ દીઠ રૂ.200નો પહેલાથી ઘટાડો કરવામાં આવ્યો છે.

વધુમાં ચેરમેન વીપુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, દૂધના ઉત્પાદકોને વર્ષ 2024-25 માટે રૂ.1028 પ્રતિ કિલો ફેટ અંતિમ ભાવ ચૂકવવામાં આવ્યાં છે, જે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી ઊંચો અંતિમ ભાવ છે. આમ પ્રથમ વખત દૂધના ભાવમાં વધારો અને દાણના ભાવમાં ઘટાડો કરીને પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળી રહે તેવું સુમેળભર્યું આયોજન કરવામાં આવ્યું છે.

દૂધ મંડળીમાં સોલાર સિસ્ટમ લગાવવામાં આવી

અમૂલ ડેરી દ્વારા દૂધ મંડળીઓમાં સોલર સિસ્ટમ લગાવવાની પહેલ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 994 સોલર સિસ્ટમ લગાડવામાં આવી છે. આવનારા સમયમા બધી જ દૂધ મંડળીઓ ઉપર સોલર સિસ્ટમ કાર્યરત થઇ જશે. જેથી વીજ બીલ પર ભારણ ઘટશે.

પશુપાલકો પાસેથી મૂત્ર અને છાણ ખરીદાશે

એનડીડીબી અને સુઝુકી સાથે મળીને અમૂલ ડેરી ટૂંક સમયમાં બે બાયો – સીએનજી પ્લાન્ટ શરૂ કરવાનું આયોજન કરી રહી છે. આ પ્લાન્ટ ગાયના મૂત્ર અને ગોબરનો ઉપયોગ કરીને બાયોગેસ ઉત્પન્ન કરશે અને બાદમાં મળતી સ્લરીને ખાતર તરીકે ઉપયોગમાં લેવામાં આવશે. પશુપાલકો પાસેથી મૂત્ર અને છાણની ખરીદી પણ અમૂલ દ્વારા શરૂ કરવાની યોજના છે, જેથી તેમને આવકનો એક નવો સ્ત્રોત મળી રહેશે.

આસામમાં નવી ડેરી સ્થાપવામાં આવશે

અમૂલ ડેરીએ આસામ સરકાર પાસેથી જમીન લીઝ પર લીધી છે અને ત્યાં રૂ.75થી રૂ.100 કરોડથી વધુના મૂડી રોકાણ સાથે નવો ડેરી પ્લાન્ટ ટુંક જ સમયમાં સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત અમેરિકા પછી 4થી જૂનના રોજ અમૂલ સ્પેનમાં જીસીએમએમએફ અને સ્થાનિક ડેરીના સહયોગથી અમૂલ દૂધ લોન્ચ કરવામાં આવશે. આમ, અમૂલ વિદેશમાં પણ પોતાની હાજરી નોંધાવી રહ્યું છે. આ ઉપરાંત અમૂલ ચિત્તૂર ડેરી (આંધ્રપ્રદેશ) અને અમૂલ પૂણે આઈસ્ક્રીમ પ્લાન્ટ હવે સંપૂર્ણ રીતે કાર્યરત છે. પૂણે પ્લાન્ટમાં હવે પનીર અને મીઠાઈઓનું ઉત્પાદન પણ શરૂ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top