કરમસદ – આણંદ મહાનગરપાલિકા દ્વારા આશિષ ચાઇનીઝ કિંગ અને અલ – હબીબી ફાસ્ટ ફૂડ હબ સામે કાર્યવાહી

આણંદ.
કરમસદ – આણંદ મહાનગરપાલિકાના કમિશનરની સુચના મુજબ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અને એસ્ટેટ વિભાગ દ્વારા મહેન્દ્ર શાહ હોસ્પિટલથી ગુજરાતી ચોક તરફ જતા રસ્તા ઉપર આવેલ હોટલો ખાતે જાહેર આરોગ્ય સંબંધે આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી.
કરમસદ – આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસણીમાં આશિષ ચાઇનીઝ કિંગ અને અલ – હબીબી ફાસ્ટ ફૂડ હબની 2 દુકાન દ્વારા લોકોને અડચણરૂપ થાય તે રીતે રસ્તો રોકીને ખાદ્ય પદાર્થો બનાવતા હતા અને વેચાણ કરતા હોવાનું માલુમ પડ્યું હતું. આ ઉપરાંત આ એકમો ખાતે સ્વચ્છતાના અભાવ જોવા મળ્યો હતો અને આ બે એકમો ગંદકી કરતા હોવાનું માલુમ પડયું હતું જે લોકોના જાહેર આરોગ્યને નુકસાન થતું હોય તાત્કાલિક અસરથી આ બે દુકાનો સીલ કરી જાહેર રસ્તા ઉપર મૂકવામાં આવેલ સામાન કબજે લેવામાં આવ્યો છે અને મનપાની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગે મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ અને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે મનપા વિસ્તારમાં આવેલ હોટલ અને દુકાન માલિકો ખાદ્ય એકમો લોકોને અડચણરૂપ થાય તે રીતે પોતાનો સામાન ના મૂકે અને સ્વચ્છતા રાખે અન્યથા મહાનગરપાલિકાની ટીમ દ્વારા નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.