મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર રસ્તા પરના ટ્રાફિકને અડચણરૂપ અનધિકૃત દબાણો દૂર કરાશે
રાજેશ્રી ટોકીઝ પાસે આવેલા રસ્તાનું મ્યુનિસિપલ કમિશનરએ કર્યું નિરીક્ષણ
(પ્રતિનિધિ) આણંદ તા.27
આણંદ શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન ટ્રાફિકને અડચણરૂપ દબાણ તોડવા ઝુંબેશ ચાલી રહી છે. જે અંતર્ગત ટીપી ૧૦નાં બંધ રસ્તા પણ ખોલવા તજવીજ હાથ ધરવામાં આવી છે. જેમાં સોમવારના રોજ મ્યુનિસિપલ કમિશનર મિલિન્દ બાપનાએ રાજેશ્રી સિનેમા પાછળ ટીપી -10નો રસ્તો ખોલવા સ્થળ તપાસ કરી હતી અને દબાણગ્રસ્ત પરિવારને નોટીસ આપવા સુચના આપી હતી.
આણંદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોના મુખ્ય માર્ગો પરના ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સોમવારે આણંદ શહેરમાં રાજેશ્રી ટોકીઝ પાસે ટીપી-10માં આવેલા રસ્તાનું મ્યુનિસિપલ કમિશનર મિલિન્દ બાપનાએ દબાણ ટીમને સાથે રાખી નિરીક્ષણ કર્યું હતું. આ રસ્તા પરના ટ્રાફિકને અડચણરૂપ અનધિકૃત દબાણો શોધી આગામી સમયમાં દૂર કરવા સુચના આપી હતી. જોકે, તે પહેલા તમામને નોટીસ આપવા અને જરૂરી કાયદેસર કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર મિલિન્દ બાપના અને નાયબ મ્યુનિસિપલ કમિશનર અને દબાણ ટીમ સાથે રાખી મનપાના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ જાહેર માર્ગનું નિરીક્ષણ પણ કર્યું હતું. આણંદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરી અને બંધ સ્ટ્રીટ લાઈટ સંબંધી મળેલી ફરિયાદો અંગે સ્ટ્રીટ લાઈટ મરામત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
આણંદમાં ગેરકાયદે હોર્ડીંગ્સ બદલ વેપારીને દસ હજારનો દંડ
આણંદ મહાનગરપાલિકા તંત્ર દ્વારા આણંદ-વિદ્યાનગર રોડ, ફેશન મંત્રના ગેરકાયદેસર હોડીંગ્સ અને બોર્ડ રોડ સાઈડ તથા રોડ ડિવાઈડર વચ્ચે દૂર કરવાની કામગીરી કરી હતી. આ ઉપરાંત રૂ.દસ હજારનો દંડ ફટકારી વસુલાત કરવામાં આવી હતી.
