સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે દરોડો પાડ્યો, બે સામે ગુનો નોંધ્યો
(પ્રતિનિધિ) આણંદ તા.4
આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે શહેરના ગુજરાતી ચોક ખાતે આવેલા અમુલ ગેસ્ટ હાઉસ પર દરોડો પાડી તેમાં ચાલતા અનૈતિક દેહવ્યાપારને પકડી પાડ્યો હતો. આ અંગે પોલીસે માલિક સહિત બે શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.
આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે, ગુજરાતી ચોક ખાતે આવેલા અમુલ ગેસ્ટ હાઉસના માલીક રજ્જાક વ્હોરા (રહે. નડિયાદ) તથા મેનેજર નિકુલ (રહે. ડાકોર) બહારથી છોકરીઓ લાવીને ગેસ્ટ હાઉસની આડમાં દેહવ્યાપારનો ધંધો કરે છે. આ બાતમી આધારે એસઓજીએ ટીમ બનાવી અમુલ ગેસ્ટ હાઉસમાં 3જી જુલાઇના રોજ દરોડો પાડ્યો હતો. આ દરોડામાં કાઉન્ટર પર મળી આવેલા શખ્સની અટક કરી પુછપરછ કરતાં વિષ્ણુકુમાર ઉર્ફે નિકુલ જશવંત ઉર્ફે મુકેશ (રહે. ડાકોર) હોવાનું અને ગેસ્ટ હાઉસનો મેનેજર હોવાનું કબુલ્યું હતું. જ્યારે ગેસ્ટ હાઉસના માલીક રજ્જાક મોહંમદ વ્હોરા (રહે. નડિયાદ) હોવાનું જણાવ્યું હતું. આ ગેસ્ટ હાઉસના રૂમમાં તલાસી લેતાં બે રૂમમાં બે ગ્રાહકો મહિલા સાથે કઢંગી હાલતમાં મળી આવ્યાં હતાં. આ બન્ને મહિલા પરપ્રાંતની હતી. જેમની જરૂરી પુછપરછ કરતાં અમુલ ગેસ્ટ હાઉસના માલીક રજ્જાક વ્હોરા તથા મેનેજર નિકુલ ગ્રાહકો સાથે ગેસ્ટ હાઉસની આડમાં દેહ વ્યાપાર કરાવતા હતાં અને ગ્રાહક દીઠ રૂ.200 કમીશન મેળવતાં હતાં.
આથી, પોલીસે વિષ્ણુ ઉર્ફે નિકુલ પાસેથી મોબાઇલ, રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે રજીસ્ટર તપાસતાં 25મી જૂન,24 બાદ કોઇ પણ નિયત પ્રમાણેની નોંધો કરી નહતી. આ ઉપરાંત પથી સોફ્ટવેરમાં કોઇ નોંધ કરી નહતી. જ્યારે સીસીટીવી કેમેરા પણ નહતાં. આષી જાહેરનામા ભંગનો મુદ્દો પણ બહાર આવ્યો હતો. આ અંગે પોલીસે રજ્જાક મોહંમદ વ્હોરા અને વિષ્ણુકુમાર ઉર્ફે નિકુલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.