Vadodara

આજવા સરોવરના 62 દરવાજા ખોલાયા, વિશ્વામિત્રીની સપાટી વધશે

વડોદરા: ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે આજવા સરોવરમાં વધી રહેલી આવકને નિયંત્રિત કરવા સલામતીના ભાગરૂપે શુક્રવારે સવારે 9 વાગ્યાથી આજવા ડેમના 62 દરવાજા ખોલી વિશ્વામિત્રીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આના કારણે વડોદરા શહેરમાંથી વહેતી વિશ્વામિત્રી નદીનું જળ સ્તર વધશે. હાલમાં આજવા સરોવરનું જળસ્તર 213.46 ફૂટ છે. બપોરે 1 વાગ્યા સુધી પાણી છોડવામાં આવશે એમ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું.

સતત વરસાદને પગલે દરેક નદી જળાશયોમાં પાણીની આવકમાં વધારો થયો છે. વડોદરામાં પણ ધીમી ધારે છેલ્લા 24 કલાક ઉપરાંતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વડોદરા શહેરને પાણી પૂરું પાડતા શહેરના જીવાદોરી સમા આજવા સરોવરમાં પાણીની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે તા.05-09-2025 ના રોજ આજવા સરોવરની જળસપાટી 213.46 ફૂટે પહોંચી હતી. જ્યારે આજવા સરોવરની જળસપાટી 212 ફૂટે લેવલ જાળવવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સવારે 9 કલાકથી તમામ 62 દરવાજા ખોલી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેના પગલે આજવા સરોવરના 62 દરવાજા સવારે 9 કલાકે ખોલવામાં આવતા વિશ્વામિત્રી નદીમાં પાણીનું લેવલ વધશે. પાણીના જળસ્તરનુ પ્રમાણ જળવાય તથા યોગ્ય સંચાલન અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વડોદરામાં સતત વરસાદ રહેશે તો વિશ્વામિત્રી નદીના જળસપાટીમાં વધારો થવાની શક્યતાને પગલે વિશ્વામિત્રી નદી કાંઠાના વિસ્તારોમાં લોકોને સાવચેતી રાખવા સૂચના અપાઇ છે.

Most Popular

To Top