Charotar

આંકલાવના અંબાવમાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનારને જીવતો સળગાવવાનો પ્રયાસ

સરપંચ, તેના પતિ સહિત પરિવારના પાંચ સામે ગુનો નોંધાયો

(પ્રતિનિધિ) આંકલાવ, તા. 5

અંબાવ ગામમાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર એક ખેડૂત પર જીવલેણ હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. ગામના સરપંચ, તેના પતિ તથા પરિવારજનો દ્વારા પેટ્રોલ છાંટી જીવતો સળગાવવાનો પ્રયાસ કરાતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. આ મામલે આંકલાવ પોલીસએ સરપંચ સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અંબાવ ગામના રહેવાસી ભરતભાઈ ફુલસિંહ પઢિયાર ખેતી કામ સાથે જોડાયેલા છે. તેમણે એક મહિના અગાઉ ગામના સરપંચ કોકિલાબહેન દિનેશભાઈ પઢિયાર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી. આ કારણે તેમને ધમકીઓ મળતી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ભજન કાર્યક્રમ દરમિયાન હુમલો

4 જાન્યુઆરીના રોજ ભજન કાર્યક્રમ માટે આમંત્રણ આપવા ભરતભાઈ ગામમાં નીકળ્યા હતા, ત્યારે એક કાર આવી અટકી હતી. કારમાંથી સરપંચ કોકિલાબહેન, તેનો પતિ દિનેશ, પુત્ર રાજેશ ઉર્ફે પોપટ, નિલેશ અને ભત્રીજો ઉતરી અપશબ્દો બોલી હુમલો કર્યો હતો. નિલેશે ગેલનમાંથી પેટ્રોલ છાંટ્યું અને રાજેશે માચીસ ચાંપી દેતાં ભરતભાઈ ગંભીર રીતે દાઝી ગયા. બુમાબુમ થતાં તેમના પુત્રોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો, જેમાં નાનો દીકરો કરુણેશ પણ દાઝી ગયો.

ઘટનાપછી બંનેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. ભરતભાઈની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા છે.

ધમકીઓના આક્ષેપ, રાજકીય નામ ઉછળ્યું

ફરિયાદ મુજબ 2 જાન્યુઆરીએ ચંદ્રકાંત અમરસિંહ મારફતે ધમકીભર્યો સંદેશો મોકલાયો હતો કે ભ્રષ્ટાચાર બાબતે અરજી ન કરે તો ગંભીર પરિણામ ભોગવવા પડશે. આ ઉપરાંત ધમકી આપનારામાં કોંગ્રેસના આગેવાન મનુભાઈ મેલાભાઈનું નામ પણ ફરિયાદમાં ઉલ્લેખાયું છે.

આ સમગ્ર ઘટનાએ ગામમાં ભયનો માહોલ સર્જ્યો છે અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનારા નાગરિકોની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. પોલીસ દ્વારા તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top