પ્રતિનિધિ) આંકલાવ, તા. 5
આંકલાવ તાલુકાના અંબાવ ગામમાં ભ્રષ્ટાચાર સામે ફરિયાદ કરનાર એક આધેડને સરપંચ, તેના પતિ સહિત પરિવારજનોએ પેટ્રોલ છાંટી જીવતો સળગાવ્યો હોવાના આક્ષેપથી ભારે હલચલ મચી ગઈ હતી. આ મામલે આંકલાવ પોલીસે સરપંચ સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જોકે પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે, જેમાં અરજદારે જાતે જ પોતાના ઉપર જ્વલનશીલ પદાર્થ છાંટી સળગવાનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું છે.
અંબાવ ગામના રહેવાસી ભરતભાઈ ફુલસિંહ પઢિયાર ખેતી કામ કરે છે. તેમણે એક મહિના અગાઉ ગામના સરપંચ કોકિલાબહેન દિનેશભાઈ પઢિયાર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી તથા મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી. 4 જાન્યુઆરીના રોજ ભજન કાર્યક્રમ માટે આમંત્રણ આપવા તેઓ ગામમાં નીકળ્યા હતા, ત્યારે કારમાં આવેલા સરપંચ પરિવાર દ્વારા હુમલો કરી સળગાવવાનો પ્રયાસ થયો હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
ફરિયાદ અનુસાર, હુમલા દરમિયાન પેટ્રોલ છાંટી માચીસ ચાંપવામાં આવી હતી, જેમાં ભરતભાઈ અને તેમના નાનાં પુત્ર કરુણેશ દાઝી ગયા હતા. બાદમાં ભરતભાઈની હાલત ગંભીર થતાં તેમને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પરંતુ આંકલાવ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ, વીડિયો પુરાવા તથા અન્ય સંયોગિક સાક્ષ્યોની તપાસમાં સ્પષ્ટ થયું છે કે ફરિયાદી ભરતભાઈ પઢિયારે જાતે જ પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટી સળગવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાના સમયે હાજર રહેલા તટસ્થ સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા છે.
પોલીસે જણાવ્યું છે કે ઉપલબ્ધ તમામ પુરાવાઓના આધારે કોઈએ ફરિયાદીને સળગાવવાનો પ્રયાસ કર્યો નથી, પરંતુ તેમણે જાતે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક રીતે સ્પષ્ટ થાય છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે, જ્યારે ભરતભાઈ પઢિયારની સારવાર હાલ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ચાલી રહી છે.