ભારતના ચીફ જસ્ટીસ તરીકે હમણાં જ વરાયેલા જસ્ટીસ ડી.વાય. ચન્દ્રચૂડ માને છે કે, ‘અસંમતિ એ લોકશાહીનો સેફટીવાલ્વ છે.’ જસ્ટીસ ચન્દ્રચૂડની આ માન્યતા ઉપર વિચારીએ તો લાગશે કે કોઇની સાથે અસંમત થવું કે કાંઇ કોઇ દુર્ગુણ તો નથી જ. આપણે કોઇની વાત, વિચાર કે સિધ્ધાંત સાથે સહમત ના પણ હોઇએ. આપણું અસંમતિપણું, એ આપણો એક અધિકાર પણ હોઇ શકે છે. આપણી લોકશાહી રાજવ્યવસ્થામા, વિરોધ પક્ષો, શાસકપક્ષનાં પગલાથી મોટે ભાગે અસંમત હોય છે. સત્તાપક્ષ, બધી જ બાબતો વિશે કાંઇ સારા અને પ્રજાલક્ષી નિર્ણયો લે, એવું આપણે ત્યાં કાયમ બનતું નથી. એટલે એમના એ નિર્ણયોના વિરોધનું એટલે કે અસંમતિનું વાતાવરણ, વિરોધપક્ષોમાંથી સર્જાતું હોય છે. આવી અસંમતિ લોકશાહી રાજ વ્યવસ્થામાં ખૂબ જ જરૂરી લેખાઇ છે.
આપણે ત્યાં મોટાભાગની મશીનરીમાં સેફટીવાલ્વ ફીટ કરવામાં આવે છે. આપણા રસોઇના કૂકરમાં પણ સેફટીવાલ્વ હોય છે એ વાલ્વ ઘેરાયેલી વરાળને સરળતાપૂર્વક બહાર કાઢી નાંખે છે. અને રસોઇ તથા કૂકરને બચાવી લે છે. આ જ રીતે વિરોધોપક્ષો પણ સરકારના કેટલાક નિર્ણયોની સામે, અસંમતિ દર્શાવીને, લોકશાહીના સિધ્ધાંતોનો બચાવ કરતા રહેતા હોય છે. લોકશાહીમાં આંગળી ઊંચી કરનારને અને ‘હા – જી – હા’ કરનારને ઝાઝુ સ્થાન ના હોઇ શકે. આઝાદી કાળમાં ઘણી વખત, સરદાર પટેલ, ગાંધીજીની કેટલીયે બાબતો સાથે સંમત નહોતા થઇ શકતા.
સરદાર પટેલની તે વખતની એ અસંમતિ, લોકશાહી વ્યવસ્થામાં જરૂરી પણ હતી. કાશ્મીરના પ્રશ્નને ઉકેલવાની, વડાપ્રધાન જવાહરલાલ નહેરુની પધ્ધતિનો, સરદાર પટેલે વિરોધ કરેલો. અર્થાત નહેરુ સાથે સરદાર, સંમત નહોતા. આમ અસંમતિપણું એ આપણી લોકશાહીનો એક પ્રબળ અને અસરકારક આયામ લેખાયો છે. સાથે સાથે એવું પણ ના જ બનવું જોઇએ કે, વિરોધ કરનારાઓએ આંખો મીંચીને દરેક બાબતે અસંમતિ દર્શાવતા રહેવું જોઇએ. આપણી વચ્ચે કેટલીયે એવી વ્યકિતઓ હોય છે જે ઘણી બાબતો વિશે પોતાની અસંમતિ પ્રગટ કરતી રહેતી હોય છે. એમની એ અસંમતિમાં વાજબીપણું પણ સમાયેલું હોય છે. તો કેટલીક નકારાત્મક માનસ ધરાવનાર અને સદાય વાંક શોધનારી વ્યકિતઓ હંમેશાં દરેક બાબતે અસંમતિ અને વિરોધ જ દર્શાવતી હોય છે. આવી વ્યકિતઓની વાતો પણ કાને ધરાવ ધરવી જોઇએ નહિ. આપણી અસંમતિ એવી હોવી જોઇએ કે, એમાં સાર્વજનિક ધોરણે સૈાનું ભલુ સમાયેલું હોવું જોઇએ.
સુરત – બાબુભાઇ નાઇ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.