ગુરુજીએ આજે પોતાના શિષ્યોની કસોટી લેવાનું નક્કી કર્યું.તેમણે પોતાના શિષ્યોને કહ્યું, ‘આજે તમારે હું કહું તે અઘરું કામ કરવાનું છે. હું તમને બધાને એક વાંસની ટોપલી આપીશ અને તમારે નદીમાંથી તે ટોપલીમાં પાણી ભરીને અહીં લાવવાનું છે.’ બધા શિષ્યો ગુરુજીની આવી વાત સાંભળી આશ્ચર્યમાં પડી ગયા. તરત ગણગણાટ થવા લાગ્યો કે આ તો શક્ય જ નથી. ગુરુજીએ આ કેવું કામ સોંપ્યું છે, જે થઈ શકે તેમ જ નથી.અમુક શિષ્યો તો કોશિશ કરવા પણ ગયા નહિ અને વાંસની ટોપલીને હાથ પણ ન લગાડ્યો.અમુક શિષ્યો ટોપલી લઈને નદી સુધી ગયા, પણ વાંસની ટોપલીમાં પાણી ભરીશું તો જોનારાં લોકો મૂર્ખામાં ગણશે એટલે ટોપલીમાં પાણી ન ભર્યું. અમુક શિષ્યોએ ગુરુજીએ કહ્યું છે એટલે ખબર હતી, છતાં એક વાર ટોપલીમાં પાણી ભર્યું અને ઘણું હસ્યા અને ટોપલીમાં પાણી રહ્યું જ નહિ અને ઘડીભરમાં બહાર નીકળી ગયું.તેઓ ખાલી ટોપલી લઇ આશ્રમ ગયા અને ગુરુજી આ ટોપલીમાં પાણી ભરવું અશક્ય છે એમ કહી માફી માંગી લીધી.
એક શિષ્યે હાર ન માની. તેણે વિચાર્યું કે ગુરુજીએ આ કામ એમ જ તો નહિ સોંપ્યું હોય અને તેણે ટોપલી નદીના પાણીમાં નાખી પાણી ભર્યું અને પાણી બધું બહાર નીકળી ગયું.તેણે ફરી પ્રયત્ન કર્યો;ફરી પાણી નીકળી ગયું.તે સતત પ્રયત્ન કરતો જ રહ્યો અને કરતો જ રહ્યો.બીજા શિષ્યોએ તેને કહ્યું, ‘ગાંડપણ છોડ. આ વાંસની ટોપલીમાં પાણી ન જ ભરાય.’પણ તેણે પ્રયત્નો ન છોડ્યા તે ન જ છોડ્યા.સતત ટોપલીમાં પાણી ભરતો રહ્યો અને વાંસની ટોપલીના વાંસ ફૂલી ગયા અને તેમના વચ્ચેની જગ્યા સાવ ઓછી થઇ ગઈ અને સાંજે તેની ટોપલીમાં પાણી ભરીને તે આશ્રમમાં લઇ ગયો અને ગુરુજીને આપ્યું. ગુરુજીએ શાબાશી આપતાં કહ્યું, ‘સતત પ્રયત્નથી બધું શક્ય બને છે.આ અશક્ય લગતા કામને તેં મારા શબ્દો પર વિશ્વાસ રાખી હાર્યા વિના સતત પ્રયત્નો કર્યા ત્યારે તને સફળતા મળી.સાચી લગન અને ધીરજ કોઇ પણ અઘરા કામને પણ સાકાર કરી શકે છે તે હંમેશા યાદ રાખજો.’ ગુરુજીએ શિષ્યોને હાર માન્ય વિના દરેક અઘરા કાર્યને સતત પરિશ્રમ અને લગનથી કરવાની શીખ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.