ભાદરવા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.24
વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે ઉપર અકસ્માતની ઘટના બની હતી. ઉભી રહેલી ટ્રેલર પાછળ અન્ય ટ્રેલરના ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેલર ચાલકનું મોત થયું હતું જ્યારે બીજી તરફ અકસ્માતને પગલે 15 થી 20 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. જેના કારણે અનેક વાહન ચાલકો ટ્રાફિકજામમાં અટવાયા હતા.

વડોદરા શહેર જિલ્લા અને હાઇવે પર અકસ્માતના બનાવવામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, તેવામાં વધુ એક અકસ્માતની ઘટના બની હતી. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે ઉપર બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું મોત થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર નજીક આવેલા એક્સપ્રેસ વે ઉપર એક ટ્રેલરમાં ખામી હોવાથી સાઇટ પર ઉભું રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન અમદાવાદથી વડોદરા તરફ આવી રહેલા અન્ય એક ટ્રેલરના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ધડાકાભેર હાઇવે પર ઉભી રહેલી અન્ય ટ્રેલરના પાછળના ભાગે અથડાયુ હતું. જેમાં તે ટ્રેલરના કેબિનમાં ચાલક ફસાઈ ગયો હતો. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. જ્યારે ભાદરવા પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી. જોકે સર્જાયેલા અકસ્માતમાં કેબિનનું કચ્ચરઘાણ વળી ગયું હતું અને સ્થળ પર જ ટેલરના ચાલકનું મોત થયું હતું.

ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમતે કેબિનમાં ફસાઈ ગયેલા ચાલકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે ભાદરવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બીજી તરફ સર્જાયેલા અકસ્માતને લઈને હાઇવે ઉપર લાંબો ટ્રાફિક જામ થયો હતો. જેને પગલે વાહન ચાલકો અટવાયા હતા.