Charotar

અડાસમાં પત્નીની જાણ બહાર પતિએ લોકરમાંથી દાગીના ઉઠાવી લીધા

દંપતી વચ્ચે ઝઘડામાં પત્ની નવ મહિનાથી રિસામણે હતી

પતિએ બેન્ક કર્મચારીને ફોડી રૂ.5.50 લાખના દાગીના લઇ લીધા

(પ્રતિનિધિ) આણંદ તા.4

આણંદના અડાસ ગામમાં રહેતી પરિણીતાની જાણ બહાર તેના બેંક લોકરમાંથી રૂ.5.50 લાખના દાગીના પતિએ લઇ લીધાં હતાં. આ અંગે પરિણીતાએ તેના પતિ તથા બેન્ક કર્મચારી સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આંકલાવના ભેટાસી વાંટામાં રહેતા નીમીષાબહેનના લગ્ન 9મી ડિસેમ્બર,2021ના રોજ કુલદીપસિંહ ભીમસિંહ મહિડા (રહે. વાસદ) ખાતે થયાં હતાં. આ લગ્ન બાદ નીમીષબહેન સાસરીમાં રહેતા હતાં. આ ગાળામાં તેઓએ અડાસ બેંક ઓફ બરોડા શાખામાં પર્સનલ લોકર ખોલાવી તેમાં કરિયાવરમાં આવેલા દાગીના કિંમત રૂ. પાંચ લાખ મુકી ગયાં હતાં. આ સમયે તેમના પતિ કુલદીપસિંહ મહિડા પણ હાજર હતાં. જોકે, નવેક માસ પહેલા પતિ – પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં કુલદીપસિંહે મારઝુડ કરતાં નીમીષાબહેન પિયર જતાં રહ્યાં હતાં. બાદમાં 3જી જાન્યુઆરી,2024ના રોજ નીમીષાબહેનના કુટુંબમાં લગ્ન પ્રસંગ હોવાથી તેઓ દાગીના લેવા માટે બેંક ઓફ બરોડા શાખામાં ગયાં હતાં. આ સમયે તેમની સાથે તેમના પિતા પણ હતાં. તેઓએ રજીસ્ટર જોતા તેમાં 28મી માર્ચ,2022ના રોજ લોકર ખોલેલાની અને તેમાં નીમીષાબહેનના નામની ખોટી સહી કરેલી હતી. જેથી મેનેજરને લોકર ખોલેલ ન હોય લોકર કોણે ખોલ્યું છે ? તેમ પુછતાં તેમણે સીસીટીવી જોવા પડશે. તેમ જણાવ્યું હતું. સીસીટીવી જોતા 28મી એપ્રિલ,23ના રોજ નીમીષાબહેનનો પતિ કુલદીપસિંહ બેંકમાં આવી લોકર ખોલેલાની હકિકત જણાઇ હતી. આમ, પતિએ જ બેંકનું લોકર ખોલી તેમાંથી દાગીના લઇ લીધાં હતાં. આ અંગે વધુ તપાસ કરતાં કુલદીપસિંહ મહિડાએ તેની પત્ની નિમિષાબહેનની જાણ બહાર જ લોકર ખોલી તેમના નામની ખોટી સહી કરી સોના – ચાંદીના દાગીના લઇ લીધાં હતાં. તેમજ બેંકના લોકરના જવાબદાર કર્મચારી ડી. સુરેન્દ્ર તેની ફરજમાં નિષ્કાળજી દાખવી હોવાની હકિકત જણાઇ આવી હતી. આ અંગે નિમિષાબહેનએ વાસદ પોલીસ મથકે કુલદીપસિંહ ભીમસિંહ મહિડા અને અડાસ બેંકના જવાબદાર કર્મચારી સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top