મંગલ પાંડે રોડ પર અગોરા ગ્રુપની અવળચંડાઈ સામે પાલિકા ફરી નતમસ્તક, સામી દિવાળીએ ગરીબોના લારી ગલ્લાના દબાણો દૂર કરાવતા પાલિકા કમિશનરમાં આ દબાણ દૂર કરવાની હિંમત છે?!
ખુલ્લા ડ્રેનેજ, ક્લબ હાઉસ બાદ અગોરા ગ્રુપની વધુ એક મનમાની હરકત
વડોદરા : શહેરના મંગલ પાંડે રોડ પર વિશ્વામિત્રી નદી નજીક આવેલા અગોરા સિટી સેન્ટરે એકવાર ફરી પાલિકાની કામગીરી અને નિયમોને અવગણતા ખુલ્લેઆમ દબાણ શરૂ કર્યું છે. તાજેતરમાં અગોરા સિટી સેન્ટરના પ્રવેશદ્વાર માટેનો રેમ્પ સીધો પાલિકાના રોડ પર બનાવી દેવાયો છે. જેના કારણે રોજ સાંજે અહીં વાહનવ્યવહાર મુશ્કેલ બની જાય છે. અગોરા સિટી સેન્ટર તરફ આવતા વાહનો રેમ્પ પરથી સીધા રોડ પર ચઢે છે અને પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી મોટાભાગની ગાડીઓ રસ્તા પર જ ખડકી દેવામાં આવે છે. જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ ઉભી થાય છે. છતાં પાલિકા તંત્ર આ બાબતે કોઈ કાર્યવાહી કરી રહ્યું નથી. સામાન્ય ગરીબ લોકોના લારી ગલ્લાના દબાણો દૂર કરાવતા પાલિકા કમિશનર આ દબાણો દૂર કરવા હિંમત બતાવશે કે કેમ એ મોટો સવાલ છે.
અગાઉ પણ અગોરા ગ્રુપ દ્વારા વિશ્વામિત્રી નદીના કાંઠે ગેરકાયદે ક્લબ હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તે સમયે પૂરની અસર બાદ પાલિકાએ કાર્યવાહી કરીને તે ક્લબ હાઉસ તોડી પાડ્યું હતું. છતાં હવે એ જ પ્રકારની બેદરકારી ફરી જોવા મળી રહી છે.
તાજેતરમાં જ અગોરા સિટી સેન્ટરે ડ્રેનેજ સીધી વિશ્વામિત્રી તરફ ખોલી રાખી છે, જેના કારણે નદી પ્રદૂષિત થવાની સંભાવના વધી છે. સાથે જ હવે રોડ પર રેમ્પ બનાવી પાલિકાની મિલકતમાં દબાણ કરાયું છે. આ સ્પષ્ટ રીતે નિયમોની અવગણના જણાય છે. સ્થાનિક નાગરિકોએ માંગ કરી છે કે પાલિકાએ તાત્કાલિક સ્થળ પર માપણી કરીને ગેરકાયદેસર રેમ્પ તોડી પાડવો જોઈએ અને રોડ પર દબાણ દૂર કરવું જોઈએ. અન્યથા આવી ઘટનાઓથી શહેરમાં ગેરકાયદે બાંધકામોને પ્રોત્સાહન મળશે. મહત્વનું છે કે, નાની નાની દુકાનો સામે કાર્યવાહી કરનારી પાલિકા અગોરા સિટી સેન્ટર સામે નિષ્ક્રિય રહી છે. અગાઉ પણ પૂરની પરિસ્થિતિ બાદ અગોરા સિટી સેન્ટર દ્વારા બનાવાયેલી એક દીવાલનો પણ વિવાદ સામે આવ્યો હતો. જો કે, દિવાલ મામલે પણ હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી.
વિવાદોથી ઘેરાયેલા અગોરા સિટી સેન્ટરથી ઇન્વેસ્ટરોમાં અવિશ્વાસનો માહોલ
છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહેલા અગોરા સિટી સેન્ટરના વિવાદો શમી નથી રહ્યા. છેલ્લા ઘણા સમયથી બે ચાર દુકાનો બાદ કરતા ખંડેર હાલતમાં પડી રહેલા અગોરા સિટી સેન્ટરને ઊભું કરવા બિલ્ડરો પ્રયત્નો કરી રહ્યા છે. જોકે, સતત વિવાદોના વર્તુળમાં રહેલા અગોરા સિટી સેન્ટરમાં હવે વડોદરાના નાગરિકો અને ઇન્વેસ્ટરો ઇન્વેસ્ટ કરતા ખચકાઈ રહ્યા છે. કેમકે અહીં તંત્ર કોઈ મોટી કાર્યવાહી કરે તો રોકાણ સામે જોખમ ઉભુ થઈ શકે તેમ છે.