રણબીર, રણવીર, કાર્તિક, શાહીદ વગેરેને જવા દો, બાકી જેને મોટા સ્ટાર્સ માની રહ્યા છે તે બધા જ 50-55ના થઇ ચુકેલા છે અને તેઓ બોક્સ ઓફિસ પર ચમત્કાર કરે તેની આશા રખાય છે. શાહરૂખ પાસે એવો ચમત્કાર પઠાણી રીતે કરાવાયો. હવે આવતા અઠવાડિયે સની દેઓલ અને અક્ષય કુમાર ચમત્કાર કરવાની આશાએ આવી રહ્યા છે. અક્ષય ખૂબ સક્સેસફુલ ગણાતો હતો પણ છેલ્લી 4-5 ફિલ્મમાં તેણે પ્રેક્ષકોને નિરાશ કર્યા છે અને પોતે પણ નિરાશામાં છે. હવે ‘ઓહ માય ગોડ-2’ માં શિવ બનીને શું અધિકમાસને ફળદાયી બનાવશે.
આ એવી ફિલ્મ છે જે ઉમેશ શુક્લના દિગ્દર્શનમાં બનેલી ત્યારે ખૂબ સફળ રહેલી. તેમાં અક્ષય અને પરેશ રાવલ નિર્માતા હતા. આ વખતે અક્ષયે બીજા નિર્માતા, બીજા દિગ્દર્શકને શોધી લીધા અને તો પણ તેને ચેન નથી વળતું. વિત્યા એકાદ વર્ષથી ફિલ્મ તૈયાર હોવા છતાં તે રજૂ કરવાથી ડરતો હતો. હવે રજૂ થવા તૈયાર થયો તો સેન્સર બોર્ડે 20 કટ્સ સૂચવ્યા. આસ્થા અને ધર્મ આધારીત ફિલ્મ છે અને હમણાં આવી ફિલ્મો વિવાદમાં લપેટાતી રહે છે. સેન્સર બોર્ડ તો આ ફિલ્મને ‘A’ સર્ટિફેકટ આપવા માંગતી હતી. જો આમ થાય તો પ્રેક્ષક મર્યાદિત થઇ જાય.
અક્ષય કહે છે કે આ ફિલ્મ ફકત ધર્મ અને આસ્થા આધારીત જ નથી બલ્કે સેક્સ એજયુકેશન તેનો મૂળ વિષય છે. ધર્મ અને સેક્સ ભેગા થવાથી સેન્સર બોર્ડ ભડકેલું છે. હમણાં ‘આદિપુરુષ’ના વિવાદ પછી ફિલ્મ રજૂ થાય તે પહેલાં સેન્સર બોર્ડ બહુ તકેદારી રાખી રહ્યું છે. અત્યારે 11 તારીખ નક્કી છે પણ અક્ષયને ‘ગદર-2’ સામે ટકરાવાનો ય ડર છે એટલે છેલ્લી ઘડીએ ફિલ્મની રજૂઆત લંબાવાય તે પણ શકય છે. મૂળ વાત એ કે અક્ષય નિષ્ફળતાના અંધારા કુવામાંથી બહાર નીકળવા માંગે છે પણ બહાર નીકળવા બે ડગલા ઉપર ચડે ને ત્રણ ડગલા પછડાય છે.
‘OMG-2’માં અક્ષય શિવ બન્યો છે ને તેના ભકત તરીકે પંકજ ત્રિપાઠી છે. ધાર્મિક ગણાતી ફિલ્મને એડલ્ટ ગણવી પડે તો કેવો પ્રોબ્લેમ કહેવાય તે તમે સમજી શકો. અલબત્ત, અક્ષયની કારકિર્દી આ જ ફિલ્મ પર અટકી પડી છે એવું તો નથી પણ નિષ્ફળતામાંથી બહાર નીકળવા માટે આ ફિલ્મની સફળતા બહુ જરૂરી છે. તેની પાછળ 15-16 ફિલ્મો છે જેમાં અક્ષય પૂરી મહેનત સાથે આગળ વધી રહ્યો છે. એમાંની એકનું નામ તો ‘ધ ગ્રેટ ઇન્ડિયન રેસ્ક્યુ’ છે પણ તેની ‘બડે મિયાં છોટે મિયાં’ પણ લાંબો સમયથી અટવાયેલી છે.
તે હમણાં સિંગલ હીરો ફિલ્મો ઓછી લે છે જેથી નિષ્ફળતા મળે તો વહેંચાય જાય ને સફળતા મળે તો પોતાના નામે ચડે. ‘ગોરખા’માં તે સિંગલ હીરો છે, ‘ક્રેક’ કે જે નીરજ પાંડેની છે તેમાંય સિંગલ હીરો છે પણ ‘પુષ્પા: ધ રુલ’માં તો અલ્લુ અર્જુન, મોહનલાલ સાથે અક્ષય છે. ‘સિંઘમ અગેઇન’માં પણ અજય, રણવીર, ટાઇગર છે. અક્ષય આ બધી ફિલ્મોની સફળતા વિશે આશ્વસ્ત છે છતાં તે સફળ થયા પછી જ કહી શકાય. ‘OMG-2’ માટે તે વધારે સાવધ છે કારણ કે તેનો એક નિર્માતા પોતે પણ છે અને નિર્માતા તરીકે તેની આ 20મી ફિલ્મ છે. અક્ષયકુમારની મુખ્ય વાત એ છે કે તે ખૂબ મહેનતુ છે. તેની મહેનત અત્યાર સુધી સફળતામાં ફેરવાઇ છે. તેણે પોતાના સ્ટારડમથી નાની ફિલ્મોને પણ મોટી બનાવી છે. પણ હમણાં તે મોટી ગણાતી ફિલ્મોને નાની બનાવી રહ્યા છે. લોકો ટ્રેક રેકોર્ડ નથી જોતાં, સામે જે છે તેને જુએ છે. એટલે સફળતાના દુકાળમાં ‘OMG-2’ અધિકમાસ પૂરવાર ન થાય તો સારું! •