વડોદરા–હાલોલ રોડ પર કુમેઠા નજીક ભયાનક અકસ્માત
ટ્રક–બોલેરો અથડામણમાં એકનું મોત, બે ઘાયલ
વાઘોડિયા:
વડોદરા–હાલોલ રોડ પર કુમેઠા ગામ નજીક મંગળવાર સવારે સર્જાયેલા ભયાનક અકસ્માતે માત્ર એક નિર્દોષનો જીવ લીધો નથી, પરંતુ જરોદ પોલીસની કામગીરી પર પણ ગંભીર પ્રશ્નચિહ્ન ઊભા કરી દીધા છે. ટ્રક અને બોલેરો (પિકઅપ) વચ્ચે થયેલા અકસ્માત બાદ પિકઅપ વાનમાંથી ફાયર સેફ્ટી સિલિન્ડર અને પીપળાંમાં ભરાયેલો પોણા ચાર લાખથી વધુનો વિદેશી દારૂ બહાર આવતા દારૂ હેરાફેરીની મોટી પોલ ખુલી ગઈ હતી.
અકસ્માત બાદ રોડ પર તૂટેલી બોટલોમાંથી દારૂની તીવ્ર દુર્ગંધ અને રેલમછેલથી આસપાસના લોકો તરત સમજી ગયા હતા કે આ સામાન્ય અકસ્માત નથી. છતાં આશ્ચર્યજનક રીતે, સવારે બનેલી ઘટના અંગે સાંજે 7 વાગ્યા સુધી મીડિયા સુધી માહિતી પહોંચાડવામાં જરોદ પોલીસ દ્વારા જાણબૂઝી ગલ્લા-તલ્લા કરવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રોડ પર દારૂ વહી રહ્યો હતો, લોકો ભેગા થઈ રહ્યા હતા, છતાં પોલીસ પેટ્રોલિંગ અને કાર્યવાહી ક્યાં હતી? તેવો સવાલ હવે ઉઠી રહ્યો છે.
આ ગમખ્વાર અકસ્માતમાં બોલેરોનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જેમાં ચાલક કરશનભાઈ ઉર્ફે ઉંગો ધનાભાઈ મકવાણાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે ભાવનગર જિલ્લાના વિનોદભાઈ મનજીભાઈ મકવાણા અને છત્રપાલસિંહ ધનુભાઈ ગોહીલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ભરેલો જથ્થો ભાવનગર તરફ લઈ જવાઈ રહ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, કુમેઠા પાટિયા નજીક અકસ્માતની જાણ થતાં જરોદ પોલીસ મથકના પી.આઈ. જે.યુ. ગોહિલ અને એએસઆઈ રામસિંહ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તપાસ દરમિયાન પિકઅપમાં છુપાવવામાં આવેલા ફાયર એક્સ્ટિંગ્વિશર સિલિન્ડરો અને પીપળાંમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર મળી આવ્યા હતા. કુલ 2233 બોટલ – અંદાજે રૂ.3.73 લાખનો દારૂ-બિયર જથ્થો, તેમજ વાહન અને સાધનો મળીને રૂ.6.61 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
પરંતુ મોટો પ્રશ્ન એ છે કે, આટલો મોટો દારૂનો જથ્થો હાઈવે પર બિનધાસ્ત રીતે કેવી રીતે પસાર થયો?
ક્યાં હતી નાકાબંધી? ક્યાં હતી રાત્રિ પેટ્રોલિંગ? અને આ દારૂ કયા પોલીસ વિસ્તારોથી પસાર થયો?
અકસ્માતે દારૂની હેરાફેરી બહાર ન આવી હોત, તો શું આ જથ્થો આરામથી ગંતવ્યે પહોંચી ગયો હોત? આવા ગંભીર સવાલો સાથે હવે જરોદ પોલીસની ભૂમિકા શંકાના ઘેરામાં આવી છે. માત્ર ગુનો નોંધવાથી કામ ચાલશે કે દારૂ માફિયાઓને મળતા આશ્રય અને પોલીસની બેદરકારીની પણ ઊંડાણપૂર્વક તપાસ થશે – તે જોવાનું રહ્યું.
રિપોર્ટર: બજરંગ શર્મા