Kids

ભૂત

રમેશભાઈ એક ઈમાનદાર અને ભલા ખેડૂત. ક્યારે પણ કોઈને હેરાન કરે નહીં. હંમેશાં બધાની મદદ કરવામાં આગળ રહે. ગામમાં બધા સાથે હળીમળીને કામ કરે. રમેશભાઈને 20 વિંઘા જમીન. તેમાં 2 ઋતુમાં પાક લેવાનો અને ઉનાળામાં ધરતીમાતાને પણ આરામ આપે. એક સમયની વાત છે. ઉનાળાનો સમય હતો. રમેશભાઈ તેમના ખેતરમાં હળ ચલાવતા હતા. તે સમયે એક નાનકડો છોકરો તેમની પાસે આવ્યો. તેણે હળ પર બેસવાની જીદ કરી. રમેશભાઈ તો દિલના સાવ ભોળા. તેમણે તે છોકરાને હળ પર બેસાડ્યો. તે છોકરો બધા છોકરા કરતાં કંઈક વિચિત્ર હતો અને તે રમેશભાઈના ગામનો પણ ન હતો.

રમેશભાઈએ તેમને પૂછ્યું કે તું ક્યાં રહે છે તો તે છોકરાએ રમેશભાઈને જવાબ આપતા કહ્યું કે હું અહીંથી થોડે દૂર એક ઝૂંપડપટ્ટી છે ત્યાં રહું છું. થોડા સમય પછી તે છોકરો ત્યાંથી જતો રહ્યો. બીજા દિવસે ફરી તે આવ્યો અને ફરી રમેશભાઈએ તેને હળ પર બેસાડ્યો. રમેશભાઈ હળ ચલાવતા જાય અને તેમની સાથે વાતો કરતા જાય. સમય કઈ રીતે પસાર થાય તે કાંઇ જ ખબર ન પડે. હવે તો રમેશભાઈ હળ ચલાવીને ઘરે ન જાય ત્યાં સુધી તે તેમની સાથે રહે અને જેવા રમેશભાઈ ઘરે જાય એટલે તે પણ દૂર એક વડના વૃક્ષની પાછળથી તેમના ઘરે જતો રહે. રમેશભાઈ તેને ભોલો કહીને બોલાવતા. સમય પસાર થવા લાગ્યો રમેશભાઈને તેમની સાથે દોસ્તી થઈ ગઈ. એક દિવસની વાત છે. બપોરનો સમય હતો સૂરજદાદા પણ માથે આવી ગયા હતા.

રમેશભાઈ અને ભોલો બંને હળને છોડાવીને પોતાના ઘર તરફ જતા હતા. રમેશભાઈને રસ્તામાં થયું કે આજે તો ભોલાને ઘરે લઈ જઈને ઠંડી છાશ પીવડાવું. રમેશભાઈ ભોલાને બોલાવવા તે વડના વૃક્ષ પાસે આવ્યા પરંતુ ભોલો ત્યાં ન હતો અને દૂર – દૂર કોઈ પણ  દેખાતું નહોતું. રમેશભાઈને નવાઈ લાગી થોડી વારમાં આ ભોલો વાયુવેગે ક્યાં અદ્રશ્ય થઈ ગયો? ઘર સુધી રમેશભાઈના મનમાં આ વાત ચાલતી હતી. રમેશભાઈને હવે તો ભોલા પર શંકા થવા લાગી. બીજા દિવસે દરરોજની જેમ ભોલો આવી ગયો અને રમેશભાઈએ તેને હળ પર બેસાડ્યો. હવે બપોર થવાનો સમય હતો. રમેશભાઈએ ભોલાને કહ્યું કે આજે મારે ઘરે મહેમાન આવ્યા છે, તો મારે આજે વહેલા ઘરે જવું પડશે તો તું બળદને નીરણ-પુરો કરતો જાજે. ભોલો રમેશભાઈની વાત સાથે સહમત થયો.

રમેશભાઈ ઘરે જવાની જગ્યાએ પેલા વડના વૃક્ષથી થોડે દૂર એક જાળીમાં છુપાઈ ગયા. ભોલો બળદને નીરણ – પુરો કરી તે વડના વૃક્ષની પાસે આવ્યો. વૃક્ષ પાસે આવી અચાનક તે અદ્રશ્ય થઈ ગયો. આ જોઈને રમેશભાઈની આંખો ખૂલી ને ખૂલી રહી ગઈ. રમેશભાઈ ગભરાતા ગભરાતા ઘરે આવ્યા અને જમ્યા વગર સૂઈ ગયા. સાંજના 5 વાગ્યા તો પણ તે ઊઠ્યા નહિ એટલે તેમના ધર્મપત્ની લીલાબેનને ચિંતા થવા લાગી. લીલાબેને બધી જ વાત તેમના સાસુને કહી કે જ્યારથી તે ખેતરથી આવ્યા છે, ત્યારથી તેમનો સ્વભાવ કંઇક અલગ છે. રમેશભાઈના બા તેમની પાસે ગયા અને તેમને પૂછ્યું કે શું થયું બેટા? રમેશભાઈએ બધી જ વાત તેમના બાને કહી. બાએ રમેશભાઈને કહ્યું કે કાલે હું તારી સાથે ખેતર આવીશ. બીજા દિવસે રમેશભાઈ અને બા ખેતરે ગયા. દરરોજની જેમ ભોલો પણ સમયસર આવી ગયો. રમેશભાઈએ તેમના બાનો પરિચય ભોલાને કરાવ્યો.

ભોલો બાને પગે લાગવા ગયો ત્યારે બાએ ઝડપથી તેમના વાળની ચોટલી કાપી લીધી. જેવી બાએ ચોટલી કાપી તેની સાથે ભોલાનું માથું દુખવા લાગ્યું અને તે જમીન પર પડી ગયો. આ જોઈને રમેશભાઈએ બાને પૂછ્યું કે શું થયું બા? બાએ તેમને સમજાવતા કહ્યું કે ભોલો કોઈ મનુષ્ય નથી તે એક ભૂત છે. ભૂતનું નામ સાંભળતા રમેશભાઈ ગભરાઈ ગયા. બાએ તેમને કહ્યું કે રમેશ હવે આપણે ગભરાવાની કોઈ જરૂર નથી કારણે કે હવે તેની ચોટલી આપણી પાસે છે. રમેશભાઈને કંઈ સમજાયું નહીં એટલે બાએ તેમને સમજાવ્યું કે જો ભૂતની ચોટલી કાપી લેવામાં આવે તો બધું ભૂલીને આપણો ગુલામ થઈ જાય છે.

રમેશભાઈને બધું સમજાઈ ગયું. થોડો સમય પછી ભોલો ઊભો થયો અને બાએ જેમ કહ્યું હતું તેમ જ થયું. તે બધું જ ભૂલી ગયો હતો. રમેશભાઈ ભોલાને તેમની સાથે ઘરે લઈ ગયા. રમેશભાઈને કોઈ સંતાન ન હતું એટલે તે ભોલાને તેમના દીકરાની જેમ સાચવતા. સમય વિતવા લાગ્યો. મહિના પછી વર્ષો વિતવા લાગ્યા. ભોલો પણ દિવસે દિવસે મોટો થવા લાગ્યો. હવે તો ખેતરના બધા કામ ભોલો એકલો કરી લેતો અને રમેશભાઈને ખેતર જવું પણ ન પડતું. થોડા વર્ષો પછી ભોલાના લગ્ન એક સુંદર અને સંસ્કારી કન્યા સાથે કરી દીધા. ભોલો અને તેમની ધર્મપત્ની રમેશભાઈ અને લીલાબેનની ખૂબ સેવા કરતા. હવે તો રમેશભાઈ રામના નામ લેતાં ક્યારેક ક્યારેક ખેતર જાય.

થોડા વર્ષોમાં લીલાબેન રમેશભાઈને છોડીને દેવને પામી ગયા. આ પ્રસંગ રમેશભાઈના દિલ અને દિમાગને ખાવા લાગ્યો અને તે પણ હવે ધીમે ધીમે દુઃખ અને એકલું જીવન પસાર કરતા હતા. થોડા દિવસમાં તેમને એટેક આવ્યો અને જિંદગી 4 ખાટલાના પાયે આવી ગઈ, પરંતુ આજે પણ ભોલો અને તેની ધર્મપત્ની દિવસ – રાત તેમની સેવા કરતા. એક દિવસની વાત છે. ભોલો સવારે વહેલા ઊઠીને ખેતર જતો રહ્યો. જેવો ખેતર આવ્યો તેવો ભોલોનો દીકરો તેમને બોલાવવા આવ્યો કે તમને દાદાજી બોલાવે છે. ભોલો પણ વિચારમાં પડી ગયો, ક્યારે નહીં અને આજે ખેતરથી તેમને પાછો બોલાવ્યો. ભોલો ઘરે આવ્યો અને રમેશભાઈ પાસે ગયો. ‘ભોલા આજે મારે તને એક વાત કહેવી છે કે જે મેં તારાથી છુપાવી છે.’

‘કઈ વાત તમે છુપાવી છે બાપા?’
રમેશભાઈએ તેને જવાબ આપતાં કહ્યું કે ‘તારા જીવનનું રહસ્ય.’ ભોલાએ નવાઈ સાથે તેમને પૂછ્યું કે ‘ક્યા રહસ્યની વાત કરો છો બાપા?’ પહેલા તો આપણા કોઠાર રૂમમાં જઈને જ્યાં ઘઉંના કટા જે જગ્યાએ છે તે જગ્યાએ એક ફૂટ ખાડો ખોદ.’ ભોલાએ રમેશભાઈએ જેમ કહ્યું હતું તેમ ખાડો ખોદ્યો તો ત્યાંથી એક જૂનો ડબરો મળ્યો. તે ડબરો લઈને તે આવ્યો. રમેશભાઈએ તે ડબરો હાથમાં લઈને, ‘મને માફ કરી દે બેટા!’ રડતાં રડતાં  ભોલાને કહ્યું. ‘પરંતુ શું થયું બાપા?’ ‘બેટા, તું મારો દીકરો નથી.’ આ સાંભળીને ભોલાની આંખોમાં પાણી આવી ગયું અને તેણે કહ્યું, ‘કેમ બાપા આવી વાતો કરો છો?’ ‘બેટા તું એક ભૂત છો અને વરસો પહેલાં હું હળ ચલાવતો હતો ત્યારે તું હળ પર બેસવા આવતો.

પરંતુ એક દિવસ અમે તારી ચોટલી કાપીને તને ગુલામ બનાવી દીધો. પરંતુ સમય જતા અમારે કોઈ સંતાન ન થવાથી અમે તને જ અમારું સંતાન સમજવા લાગ્યા. ઘણા વખત મને થયું કે હું તને સાચી હકીકત કહી દઉં પરંતુ મને ડર લાગતો હતો કે તું મને છોડીને જતો રહીશ તો?’ ભોલો રડતાં રડતાં બોલ્યો, ‘બસ બાપુજી બસ! હવે આગળ મારાથી નહીં સંભળાય.’ રમેશભાઈએ ડબરો ભોલાને આપતાં કહ્યું, ‘બેટા આ ડબરામાં તારી ચોટલી છે, જે તારા હાથમાં લઈ લે એટલે તું આ ગુલામીમાંથી મુકત થઈ જઈશ.’ ‘ના બાપા આ ડબરો મારે ક્યારેય નથી ખોલવો!’

Most Popular

To Top