બ્રુનેઇનો ધનવાન સુલતાન – Gujaratmitra Daily Newspaper

Kids

બ્રુનેઇનો ધનવાન સુલતાન

ળમિત્રો, વિશ્વ એટલું વિશાળ અને અદભુત જાણકારીઓથી ભરેલું છે કે જાણી- સમજીને આપણે દંગ રહી જઇએ. નાના-મોટો દેશોથી બનેલા આ વિશ્વમાં કેટલાક દેશ તો ખરેખર ખૂબ જ વિસ્મયકારક છે. એશિયાખંડમાં આવેલ જમ્બુદ્વિપ સ્થિત બ્રુનેઇ દેશ ઇન્ડોનેશિયાની બાજુમાં આવેલ છે. માંડ પોણા પાંચ લાખની વસ્તી ધરાવતો આ દેશ ગુજરાતના નાના શહેરો કરતાંય નાનો છે પણ તેલ અને ગેસની અધધધ આવકને કારણે આ બ્રુનેઇ ખૂબ સમૃધ્ધ છે. 1980 સુધી તો અહીંના સુલતાન વિશ્વના સૌથી ધનિક ગણાતા પછી પણ દેશની આવક તો બેસુમાર છે.

અહીં રાજાશાહી છે. બ્રિટનની, જાપાનની આ દેશ પર હકૂમત હતી. છેલ્લે પાછું બ્રિટને જાપાન પાસેથી આ દેશને આંચકી લીધેલ અને 1981થી આ દેશ સંપૂર્ણપણે સ્વતંત્ર છે. અહીંના હાલના સમ્રાટ હસનલ બોલ્કિયા દુનિયાના બીજા નંબરના અમીર સુલતાન છે. એક અહેવાલ મુજબ 14,700 કરોડની સંપત્તિ ધરાવનાર આ સુલતાન દોલતને સંગ્રહીને ભેગી કરવાના બદલે છૂટથી વાપરી અસલ રોયલ લાઇફ એન્જોય કરે છે. તેની પાસે જુદી-જુદી કંપનીઓની લકઝુરિયસ એવી 7000 જેટલી કારનો કાફલો છે. તેમાંથી ઘણી બધી તો સોનાથી મઢેલી છે.

બ્રુનેઇમાં બોલ્કિયા પેઢી 600 વર્ષથી રાજ કરે છે. હાલના સમ્રાટ હસનલ બોલ્કિયા માત્ર 21 વર્ષથી વયે રાજગાદી પર બેઠા હતા. થોડા વર્ષો પહેલાં તેની પુત્રીના લગ્નનો જલ્સો 7 દિવસ સુધી વિશ્વના અનેક મહાનુભાવોએ મહેમાન બની માણ્યો હતો. બ્રુનેઇના સમ્રાટનો 20 લાખ Sq. ft.માં ફેલાયેલો રોયલ પેલેસ 2550 કરોડના ખર્ચે બનેલો છે. જેમાં 1700 જેટલા તો રૂમ છે. 257 જેટલા બાથરૂમ અને 5 સ્વીમીંગ પુલ છે. મહેલના ગુંબજ 22 કેરેટ સોનાથી મઢેલ છે તો સમ્રાટના પ્રાઇવેટ જેટ વિમાનોમાંથી એક પર સોનાની પરત ચઢાવેલી છે. જેમાં એ દુનિયાના દેશોની સફર કરે છે.

Most Popular

To Top