ડભોઇ: અખંડ સૌભાગ્ય આપનાર વડસાવિત્રીના વ્રતના મહિમા મુજબ જેઠ સુદ પૂર્ણિમાના રોજ ડભોઇ પંથકની પરિણિત બહેનોએ પોતાના સૌભાગ્ય કાજે વ્રતની દબદબાભેર ઉજવણી કરી હતી. સોળે શણગાર સજી હાથમાં પૂજાની થાળી લઈને જ્યાં વટવૃક્ષ ત્યાં પરિણિતાઓ નજરે પડતી હતી.જેમ સત્યવાન- સાવિત્રીને વ્રત ફળ્યું તેમ તેઓને પણ ફળે એવી શ્રદ્ધાપૂર્વક આકાંક્ષાઓ જોવા મળતી હતી.
આપણી સંસ્કૃતિના વેદો પુરાણોના ધાર્મિક પુસ્તકો દર્શાવ્યા પ્રમાણે કઈ કેટલીય સતી પતિવ્રતા મહિલાઓએ પોતાના જપ- તપ અને વ્રતના પ્રતાપે કઈ કેટલુંય સુખ મેળવી સંસ્કૃતિમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તે પૈકીની એક દંતકથા સત્યવાન અને સાવિત્રીની પણ છે. હિન્દુ ધર્મમાં સતી કદી બીજો પતિ કરતી નથી.
ભારતીય મહિલાઓ પોતાના સૌભાગ્ય ખાતર ત્રણ દિવસ સુધી ઉપવાસ કરી, વૃક્ષોમાં સૌથી વધુ આયુષ્ય ધરાવતા વટવૃક્ષની પૂજા કરી, તેને સૂતરના તાંતણે બંધનથી બાંધી પોતાના પતિનું આયુષ્ય પણ વટ વૃક્ષ જેવું લાંબુ થાય એવી શ્રદ્ધાપૂર્વકની પૂજા કરે છે. એવી જ દંતકથાને અનુસરીને ડભોઇ પંથકની હજારો મહિલાઓએ પોતાના સૌભાગ્યના દીર્ઘાયુષ્ય માટે આ વ્રતની આજરોજ દબદબાભેર ઉજવણી કરી હતી. વટસાવિત્રીની વ્રતની આજરોજ દબદબાભેર ઉજવણી નગરની મહિલાઓએ કરી સૌભાગ્યના દીર્ઘાયુષ્યની માગણી કરી હતી.
સઈદ મનસુરી ડભોઇ (ફોટો)
