Comments

જિંદગી એક સફર હૈ સુહાના…!

હવામાન ગમે એટલું રોચક હોય, પણ  મદાર પાચનતંત્ર ઉપર છે. મગજમાંથી જ લાવા નીકળતો હોય તો, વાસંતી હવા પણ લ્હાય જેવી લાગે. વાંદરું મગજને control કરી શકતું નથી એમ, આપણા મગજના આપણે જ Controller..! માથે બરફની હેલ્મેટ ચઢાવી હોય તો પણ, ક્યારેક  એવો ચક્રાવાત કરી નાંખે  કે, ‘તેલ લેવા જાય જિંદગી ‘ કહીને છેડો પણ ફાડી નાંખે..! એક વાર છટકે એટલે ખલ્લાસ..! એમાં એવું છે ને કે, વાંદરી જો  વાંદરાને ગલીપચી કરે તો, No problem,  બાકી આપણે જો છેડખાની કરવા જઈએ, તો થાપટ  કોને કહેવાય એ વાંદરું  શીખવી જાય..! બધા જ જાણીએ છીએ કે, માણસ વાંદરામાંથી ઊતરી આવેલી પ્રજાતિ છે. આટલાં વર્ષોનો ખાત્મો બોલાવ્યા પછી, આજે માણસ પાસે ભલે સ્ટોકમાં પૂંછડું બચ્યું ના હોય, તો પણ, ઘણાના ચાળા ને ચેનચાળામાં વાંદરાવાળી ડીઝાઈન જોવા મળે..! કારણ કે, માણસ એ વાંદરમાંથી ઊતરી આવેલી ઔલાદ છે..!

અફલાતુન જિંદગી જીવવાનો  સંકલ્પ માણસ  કરે તો ખરો, પણ ગાડું ગઢેરમાંથી ક્યારે બહાર નીકળી જાય એનો ભરોસો નહિ. મગજનું ભૂત ધૂણવા લાગ્યું તો ખલ્લાસ, હાસ્ય લેખ હોરર પણ બની જાય. પેટછૂટી વાત કરું તો, આજે મને  જ્યોતીન્દ્ર દવે સાહેબ ઉપર લેખ લખવાની ખુજલી ઉપડેલી, પણ એના કપાળમાં કાંદા ફોડું, વિચાર જ્હોની વોકરના આવવા માંડ્યા અને ચઢી ગયો જિંદગીના રવાડે..! જિંદગી ઉપર લખવા માટે બે-ચાર જિંદગી જોઈએ એવો ડર તો લાગ્યો, પણ હિંમતે મર્દા, તો મદદે મંગલ મસ્તી..! કોઈ શાયરની પંક્તિ પડખે આવી કે,

‘જિંદગી જીનેકી ચીજ હૈ, હમે જીના નહિ આતા,

નશા તો હર ચીજમેં હૈ હમે પીના નહિ આતા..!’         

જન્મે  ત્યારથી જિંદગી પીછો છોડતી નથી. ધૂળમાં ગુલાંટિયું ખાતો ત્યારથી વિચારતો આવ્યો છું કે, બેનમૂન જિંદગી જીવીને  બંદાએ નામના બનાવવી છે. થાય એવું કે, ગાંધી બનવાનું વિચારું તો ગોડસેનો ફણગો ફૂટે, ને ઓબામા બનવાનું વિચારું તો, ઓસામા બિન લાદેન ઊભો થાય..! કંઈ કેટલા કલાકાર, કથાકાર, લેખકો ને નિબંધકારોના પડછાયામાં હું ચાલ્યો, પણ મદ્રાસી શીખવા  ટ્યુશન રાખ્યું હોય, ને તે આપણું ગુજરાતી શીખી જાય પણ  બંદો  મદ્રાસીમાં અલ્લાયો રહે  એવું થયું. પોતાની જ જિંદગી Rosy..Rosy ને બદલે, ફાટેલા ધંતુરા જેવી હોય, તો જોર પણ કેટલું કાઢે..?   ફિલોસોફીનું વધારે ફીણ કાઢીને મારે તમને હાસ-પરિહાસના ખાડામાં નાંખવા નથી. પણ આ તો એક અનુમાન કે, જિંદગી વિષે લોકોએ એટલાં પીપૂડાં વગાડ્યાં કે..? તમામ લખાણ જો પૃથ્વીના પટ ઉપર પાથરવામાં આવે તો, આખી પૃથ્વી ઢંકાઈ જાય! ઘરની છત પણ જિંદગી વિશેના ચોપડાથી ઢંકાઈ જાય! સલાહ-સૂચનોના કોરડા તો બહુ ખાધા, પણ કાદવ ઉપર લીંપણ! રેતીની માફક હાથમાંથી જિંદગી ક્યારે સરી જાય, એની જીવનારને જ ખબર નહિ પડે. સીધી વાત છે કે, ‘કેટલું ખાઓ  એ મહત્ત્વનું નથી, પણ કેટલું પચે એ મહત્ત્વનું છે, એમ કેટલું જીવ્યો એ મહત્ત્વનું નથી, પણ કેટલું વિતાડી ગયો એ મહત્ત્વનું!’ સારું જીવ્યો તો લોકહૃદયમાં વસી જાય, નહિ તો સુખડનો એક હાર લપટાવ્યો ને ઓમ શાંતિ બોલ્યા, એટલે વાર્તા પૂરી! કાંઠે પહોંચ્યા પછી પાકા ઘડે કાંઠા થોડા ચઢે?  કાંઠો પણ ભાંગે, ને માટલું પણ! હાથમાં બંને નહિ આવે! તંઈઈઈઈઈ..?

જો લમ્હા સાથ હૈ ઉસે જી ભર કે જી લો            

યે કમબખ્ત જિંદગી ભરોસેકે કાબિલ નહિ હૈ

જિંદગી એ જિંદગી છે બોસ! છંછેડો તો નાગણ ને પંપાળો તો પોપટ જેવી. પૃથ્વી ઉપર મફતના ભાવે વિઝા વગર આવી તો જવાય, પણ જિંદગી બનાવવા માટે તો ઝઝૂમવું પડે. જેની જેવી સારંગી વાગે તેવી જિંદગી બને.  જિંદગીનો બહુ ભરોસો નહિ કરાય,  સામા વહેણે તરવું પણ પડે! ઉનાળાનું અનાજ નથી કે, દાણા બજારમાંથી દશ-બાર બાચકા ખરીદી લાવીએ એટલે ખટખટ પૂરી થઇ જાય.

જિંદગીના બાચકા તો આંચકા ખાતાં ખાતાં જાતે જ ભરવાના આવે! જિંદગી એ કોઈ રેડીમેઈડ ફુડ નથી કે, સુપર માર્કેટનો આંટો લીધો કે, હાથમાં આવી જાય. જાતે ઘડવી પડે. જિંદગી પણ કુલ્ફી જેવી છે. ટેસ્ટી પણ ખરી, ને ‘બેસ્ટી’ પણ..! ટેસ્ટ કરીએ તો પણ પીગળે, ને ‘વેસ્ટ’ કરીએ તો પણ પીગળે..! પીગળવું એની ખાસિયત છે. ‘જિંદગી બનાવવા જાવ ત્યારે ખબર પડે કે, કીડીએ રક્તદાન કરવા જેટલું અઘરું છે સાલું! મધમાખીએ બાંધેલા મધ જેવી જિંદગી પામવી હોય તો,  પ્રેમ, દોસ્તી, લાગણી, સાથ, સહકાર અને હાસ્યનું મોરવણ જોઈએ. જીવનમાં હાસ્યની આવશ્યકતા  નવોઢાની માંગના સિંદુર જેવી છે.  આજે સૌની દોડ પૈસા પાછળ છે, હસવા પાછળ નથી.

ઢગલાબંધ શ્વાસો ખર્ચીને એ હસવાનું ભૂલવા માંડ્યો. ભૌતિક સુખ માટે શ્વાસ સિવાય બધું જ ખર્ચી રહ્યો છે. પેટમાં બળતરા ઊભી કરે એવા ચટાકેદાર અને તમતમતા ભોજન વિના માણસને હવે તૃપ્તિ થતી નથી. રેડીમેડ કપડાંથી વૉર્ડરોબ ભરેલો છે, તોયે કપડાથી સંતોષ નથી. જ્યાં જન્મ્યો ને  મોટો થયો, એ મકાન ‘વોશરૂમ’  જેવું  હવે નાનું લાગે છે. મસમોટા બંગલા અને ફાર્મહાઉસની એને તમન્ના  છે. ખ્વાઈશ ઊંચી જ હોવી જોઈએ, પણ માત્ર સ્માર્ટ ફોન રાખવાથી, સ્માર્ટ થવાતું નથી. જિંદગી બનાવવી હોય તો, પરસેવા અને પર-સેવામાં પલળવું પણ પડે. જીવનમાં હૂંફ-સહયોગ-પ્રેમ-સદ્ભાવ અને લાગણીના આવરણ જોઈએ. તો જિંદગી  ગ્રીન સમોસા જેવી ટેસ્ટી બને!  

એક વડીલ દર્દીએ તો પોતાની પત્નીને હોસ્પીટલમાં સાથે રાખવા ડોક્ટરને આજીજી કરી. ડોકટરે કહ્યું, ‘ અમે દર્દી સાથે કોઈને રાખતા નથી. તમારું સંપૂર્ણ ધ્યાન અમે જ રાખીશું. ચિંતા કરવાની જરૂર નથી. તોયે વડીલે કહ્યું, ‘વાત ચિંતાની નથી  સાહેબ, બીમારીની પણ નથી, વાત સંગાથની છે. હૂંફની  લાગણી અને સંવેદનાની છે.  હું જલદી સાજો થાઉં એવું જો તમે ઈચ્છતા હો તો મારી પત્નીનો સંગાથ પણ મારી સારવારનો એક ભાગ છે. તમે મારી વાઇફને મારી પાસે રહેવા દો. વાત કરવાવાળું ને સાંભળવાવાળું કોઈ હોય તો, દર્દ હળવું બનશે સાહેબ!’

જીવન અને જિંદગી વચ્ચે જિરાફ અને ઝરખ જેટલો ડીફરન્સ છે. જીવન એક એવું પુસ્તક છે, કે જેના પહેલા પાના ઉપર જનમની  તારીખ સાથે ભગવાનની સહી છે, જ્યારે છેલ્લા પાનાં ઉપર સહી છે પણ ક્યારે ઉંચકાવાનું છે, એની તારીખ નથી. વચ્ચેનાં બધાં જ પાનાં કોરાં છે,  જેવાં કર્મો કરે એ પ્રમાણે એ પાનાં ભરાય! એનું નામ જિંદગી! ગાંધી બનવું કે, ગોડસે, કંસ બનવું  કે કૃષ્ણ,   ઓબામા બનવું કે, ઓસામા બિન લાદેન, એનો આધાર કર્મો ઉપર છે.  કર્મોના ઉપાડ ઉપર જિંદગીનું બંધારણ ઘડાતું જાય. બાકી, ઈચ્છાઓ પાસે ક્યાં લગામ હોય છે?

વિચારો પાસે ક્યાં ચોક્કસ દિશાનું જ્ઞાન હોય છે? પવનના જેવા ઝપાટા આવે એમ જિંદગીનો નકશો ઘડાતો જાય! દરેક પાસે પોતાની એક જિંદગી છે. જિંદગી દેખાતી નથી, પણ દેખાડી ઘણું બધું જાય! ન સંભળાતું હોય તો, કાનમાં મશીન મૂકી શકાય, પણ હસવા માટે હોઠને તસ્દી તો પોતે જ આપવી પડે.  ખરાબ સમયમાં પણ હસતા રહેવું, હસવાથી સમય થંભી જતો નથી. હાસ્યમાં એવી જડીબુટ્ટી છે કે, માનસિક તણાવના કારણે થતા ગંભીર રોગોમાં હાસ્ય સંજીવની બની શકે. ત્રસ્ત-વ્યસ્ત-ભ્રષ્ટના માહોલમાં જિંદગી નષ્ટ થઇ જાય તે પહેલાં, જિંદગીને  મસ્ત બનાવવાનું બ્રહ્માસ્ત્ર હોય તો એ હાસ્ય છે.

લાસ્ટ બોલ
ચમનિયો મને કહે, ‘રમેશિયા! કાળા માથાનો માનવી ધારે તે કરી શકે, એ ભ્રમ છે.
તને કેમ એવું લાગ્યું?
એટલા માટે કે, એ હાથીને ખોળામાં બેસાડી શકતો નથી. જીરાફના ગળે વળગી શકતો નથી. કીડીને ઝાંઝર પહેરાવી શકતો નથી. મચ્છરને માલિશ કરી શકતો નથી અને નેતાઓને બોલતાં અટકાવી શકતો નથી!
તારા કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top