ઝિમ્બાબ્વેના પ્રવાસે ગયેલી પાકિસ્તાની ક્રિકેટ ટીમે અહીં રમાયેલી અંતિમ નિર્ણાયક ટી-20માં યજમાન ટીમને 24 રને હરાવીને ત્રણ મેચની સીરિઝ 2-1થી જીતી લીધી હતી. પાકિસ્તાને પ્રથમ દાવ લઇને 3 વિકેટે 165 રન બનાવ્યા હતા, જેની સામે ઝિમ્બાબ્વે 7 વિકેટે 141 રન સુધી જ પહોંચી શક્યું હતું. મેચમાં 4 ઓવરમાં 18 રન આપીને 4 વિકેટ લેનાર હસન અલીને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો, જયારે સીરિઝમાં 186 રન બનાવનારા મહંમદ રિઝવાનને મેન ઓફ ધ સીરિઝ જાહેર કરાયો હતો.
પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યા પછી ઓપનર શર્જીલ ખાન 18 રન કરીને આઉટ થયો હતો. તે પછી રિઝવાન અને બાબર આઝમ વચ્ચે 124 રનની ભાગીદારી થઇ હતી. બાબરે 46 બોલમાં 52 રન કરીને આઉટ થયો હતો. રિઝવાન 60 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 91 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. ઝિમ્બાબ્વે વતી વેસ્લી મેઘેવેરે 47 બોલમાં 59 અને તદિવનાશે મરુમાનીએ 26 બોલમાં 35 રનની ઇનિંગ રમી હતી. જો કે મરુમાની આઉટ થયા પછી તેમની બાજી બગડી હતી અને અંતે તેઓ 7 વિકેટે 141 રન સુધી જ પહોંચ્યા હતા.
બાબર આઝમે ટી-20 ઇન્ટરનેશનલમાં સૌથી ઝડપી 2000 રન પુરા કરવાનો રેકોર્ડ કર્યો
રવિવારે અહીં રમાયેલી સીરિઝની ત્રીજી ટી-20 મેચમાં ઝિમ્બાબ્વે સામે પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમે ટી-20 ઇન્ટરનેશનલમાં સૌથી ઝડપી 2000 રન પુરા કરવાનો ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનો રેકોર્ડ તોડીને પોતાના નામે કર્યો હતો. ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં તે આ આંકડે પહોંચનારો કુલ 11નો બેટ્સમેન બન્યો હતો. બાબરે પોતાની 54મી મેચની 52મી ઇનિંગમાં આ મુકામ મેળવ્યો હતો. જ્યારે વિરાટ કોહલીએ 56 ઇનિંગમાં 2000 રન પુરા કર્યા હતા. ત્રીજા ક્રમે એરોન ફિન્ચ છે, જેણે 62 ઇનિંગમાં આ આંકડો અંકે કર્યો હતો.
ટી-20 ઇન્ટરનેશનલમાં સૌથી ઝડપી 2000 રન
ખેલાડી દેશ ઇનિંગ
બાબર આઝમ પાકિસ્તાન 52
વિરાટ કોહલી ભારત 56
એરોન ફિન્ચ ઓસ્ટ્રેલિયા 62
બ્રેન્ડન મેકુલમ ન્યુઝીલેન્ડ 66
માર્ટિન ગપ્તિલ ન્યુઝીલેન્ડ 68