ઝેન વિચારધારા એ બૌધ્ધ ધર્મનું સૌથી ઉમદા કહી શકાય તેવુ પ્રદાન છે. 5મી સદીના અંત ભાગમાં બૌધ્ધ ધર્મ દ્વારા ઝેન વિચાર ચીનમાં પ્રસર્યો. 12મી સદીમાં ઝેન પંથ ચીનમાંથી જાપાનમાં ફેલાયો. આજે જાપાનમાં લગભગ 90 લાખની ઉપર ઝેન અનુયાયીઓ છે. ઝેન સાધકો ભીક્ષા માંગે છે. બને તેટલું ઓછું ખાય છે અને ધ્યાનમય જીવન જીવે છે. (ઝેન – ધ્યાન). ઝેન પંથ એટલે જીવનમય અને ધ્યાનમય બનીને અંત:સ્ફુરણાને આધારે સત્યની શોધ માટેની સાધના. ઝેન એટલે આપણી ભીતર જે પડેલું છે, તેના સીધા પરિચયમાં આવવાની પ્રક્રિયા. ઝેન એ કોઇ ફિલોસોફી નથી પણ એ તો વ્યકિતગત અનુભૂતિનો અને અંત:સ્ફુરણાનો માર્ગ છે. એક વખત યુનિવર્સિટિનો એક પ્રોફેસર નાબ ઇન નામના ઝેન ગુરુ પાસે ગયો. એણે ઝેન વિશે કશુંક કહેવાની વિનંતી કરી. ગુરુએ ચા બનાવી અને કપમાં રેડવા માંડી. કપ ઉભરાઇ ગયો તો પણ ગુરુ કપમાં ચા રેડતાં જ રહ્યા. પ્રોફેસરે કહ્યું કે કપ ભરાઇ ગયો છે.
હવે એમાં વધારે ચા સમાય એમ નથી. ગુરુએ તુરંત કહ્યું કે આ કપની માફક તારું મન અભિપ્રાયો, અટકળો અને ધારણાઓથી ભરેલું છે. તું એ મનને ઠાલવી ન કાઢે, ત્યાં સુધી હું ઝેન એટલે શું તે શી રીતે સમજાવું? એક ઝેન ગુરુને કોઇએ પૂછયું કે સત્યપ્રાપ્તિ માટે તમે શું પ્રયત્ન કરો છો? ગુરુએ હા પાડી. તરત તે વ્યકિતએ પૂછયું કે તમે શા પ્રયત્ન કરો છો? ગુરુએ કહ્યું કે ભૂખ લાગે ત્યારે ખાઉં છું અને ઉંઘ આવે ત્યારે ઊંઘી જાઉં છું. પ્રશ્ન પૂછનારે કહ્યું કે આવું તો બધા જ કરે છે. ઝેન ગુરુએ કહ્યું કે બીજા લોકો ખાતી વખતે માત્ર ખાતા નથી પણ સાથે બીજા વિચારો પણ કરે છે. વળી ભૂખ લાગે ત્યારે જ તેઓ ખાતા નથી. ઊંઘતી વખતે પણ તેઓનું મન તો દોડતું જ રહે છે. જ્યારે હું તો ઊંઘતી વખતે બસ ઊંઘી જ જાવું છું. આટલો ફેર મારા અને બીજાઓ વચ્ચે છે. સુફી વિચારધારા મુજબ જીવન એ બંધન છે, જ્યારે મૃત્યુ એ મુકિત છે. ઓશો રજનીશ કહે છે કે જન્મ એ ઉત્સવ છે, તો મૃત્યુ એ મહોત્સવ છે.
– ડો. કિરીટ એન. ડુમસિયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.