નવી દિલ્હી: ઉસ્તાદ ના ઉપનામથી વિશ્વભરમાં ખ્યાતિ મેળવનાર મશહૂર તબલા વાદક ઝાકીર હુસૈનનું નિધન થયું છે. ફેંફસાની ગંભીર બિમારીથી પીડાતા હૂસૈને અમેરિકામાં અંતિમ શ્વાસ લીધા છે. શાસ્ત્રીય સંગીતના ચાહકો આ સમાચારથી ઘેરા શોકમાં ડૂબી ગયા છે. દેશવિદેશમાં ભારતીય શાસ્ત્રીય સંગીત અને તબલા વાદનને ખ્યાતિ અપાવી લોકચાહના મેળવનાર ઝાકીર હૂસૈનને એક સમયે તેમનો જ પરિવાર મનહૂસ માનતો હતો. ચાલો જાણીએ તેમની અનકહી કહાની…
કલ્પના કરો કે જે માણસ દરેક ઘરમાં આટલો પ્રખ્યાત થઈ ગયો હતો, તે તેના જન્મથી જ પોતાના ઘરમાં અપ્રિય હતો. એમ કહેવું કે તેને અવગણવામાં આવ્યો હતો તો તે ખોટું નહીં હશે. તેના પરિવારના સભ્યો તેમને કમનસીબ માનતા હતા. ઉસ્તાદ સાહેબે પોતે લેખિકા નસરીન મુન્ની કબીરના પુસ્તક ‘ઝાકિર હુસૈન – અ મ્યુઝિકલ લાઈફ’માં તેમના જીવન વિશે આ હકીકત શેર કરી હતી. પુસ્તકમાં હુસૈન કહે છે કે મારા જન્મના સમયથી મારા પિતા હૃદયની બિમારીથી પીડાતા હતા અને તેમની તબિયત ઘણીવાર ખરાબ રહેતી હતી.
બીજી તરફ આ સમય દરમિયાન અમારા ઘરમાં થોડો ખરાબ સમય પણ શરૂ થઈ ગયો હતો. અમ્માને ખૂબ જ ચિંતા થવા લાગી હતી અને આવી સ્થિતિમાં કોઈએ તેમના કાનમાં કહ્યું કે આ બાળક કમનસીબ છે. અમ્માએ પણ આ વાત માની લીધી હતી અને મને દૂધ પીવડાવ્યું નહીં. મારા પરિવારના એક નજીકના મિત્રએ પણ મારા ઉછેરની જવાબદારી લીધી. તે મારા માટે સરોગેટ માતા જેવી હતી.
એક દિવસ અચાનક એક જ્ઞાની બાબા તેમના ઘરે આવ્યા હતા. ત્યાર બાદ તેમનું જીવન બદલાયું. ઝાકિર હુસૈન કહે છે કે જ્ઞાની બાબા અચાનક આવ્યા અને અમ્માને કહ્યું કે આ બાળક માટે 4 વર્ષ મુસીબતોથી ભરેલા છે. તેની ખૂબ કાળજી લો. આ તમારા પતિને બચાવશે અને તેનું નામ ઝાકિર હુસૈન રાખજો.
મને ખબર નથી કે જ્ઞાની બાબાના શબ્દોમાં એવો શું જાદુ હતો કે અમ્માએ મારી સંભાળ લેવાનું શરૂ કર્યું, પરંતુ મારી અસલી મુસીબતો તો શરૂ થઈ ગઈ હતી. હું હંમેશા બીમાર પડી જતો. ક્યારેક મને ટાઈફોઈડ થઈ જતો, ક્યારેક મારા શરીર પર ફોલ્લા પડી જતા, એક વાર મેં ભૂલથી કેરોસીન પી લીધું. આવી સમસ્યાઓ આવતી રહી.
રસપ્રદ વાત એ છે કે હું જેટલો બીમાર થતો ગયો તેટલો જ મારા પિતાની સ્થિતિમાં સુધારો થતો ગયો. પછી ચાર વર્ષ પછી જેમ કે જ્ઞાની બાબાએ કહ્યું હતું હું અને મારા પિતા બંને સાજા થઈ ગયા. ત્યાર બાદ મારું નામ બદલીને ઝાકિર હુસૈન રાખવામાં આવ્યું. હકીકતમાં, પરિવારના નામ મુજબ તે કુરેશી હોવું જોઈએ.
આ બધી બાળપણના અંગત જીવનની વાતો હતી. ત્યાર બાદ જ્યારે ઉસ્તાદ સાહેબ તબલાની દુનિયામાં મગ્ન થયા ત્યારે તેમણે પાછું વળીને જોયું નથી. બલ્કે તેમની ખાસ વાત એ છે કે તેમણે તબલાને તેના પરંપરાગત શાસ્ત્રોમાંથી બહાર કાઢીને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ અપાવી હતી. ભારતીય તબલા અને અમેરિકન જાઝને જોડીને તેમણે કરેલો પ્રયોગ સંગીત અને પર્ક્યુસનની દુનિયામાં ખૂબ જ આદરણીય છે એટલું જ નહીં, અનોખો પણ માનવામાં આવે છે.
પિતાએ બાળક ઝાકીરના કાનમાં તબલાની તાલ કહી
ઝાકીર હૂસૈનનો નજ્મ 9 માર્ચ 1951ના રોજ ઉસ્તાદ અલ્લાહ રખા કુરેશીના ત્યાં થયો હતો. નવા જન્મેલા બાળકને પિતા ઉસ્તાદ અલ્લાહ રખાના ખોળામાં આપવામાં આવ્યું હતું. રિવાજ અનુસાર પિતાએ બાળકના કાનમાં આર્શીવાદના શબ્દો બોલવાના હોય જેમ કે ખૂબ નામ કમાઓ.. સ્વસ્થ રહો.. વિગેરે પણ ઉસ્તાદ સાહેબે બાળક ઝાકીરના કાનમાં તીન્તાલ કહી હતી.
તેમણે બાળકના કાનમાં ધાતી ધાગે નાધા તિર્કિત ધાતી ધાગે ધીના જીના, તાતી તકે નાતા તિર્કી ધાતી ધાગે ધીના જીના… કહ્યું હતું. ઉસ્તાદ અલ્લાહ રખાએ આ શબ્દો બોલ્યા બાદ કહ્યું હતું કે હું તબલાની પૂજા કરું છુંં અને આ જ મારા આશીર્વાદ છે. દોઢ દિવસના ઝાકીરના કાનમાં પિતાએ તબલાની તાલનો જે મંત્ર ફૂક્યો હતો જ તેમના જીવનની ઓળખ બન્યો હતો.
90ના દાયકામાં ઝાકીર હૂસૈન મશહૂર થયા
90ના દાયકામાં જન્મેલા લોકોના મનમાં દૂરદર્શનની જે યાદો હજુ પણ જીવંત છે , તેમાં બે બાબતો ખાસ છે. પ્રથમ અમર ગીત ‘મિલે સુર મેરા તુમ્હારા’ અને બીજું ઘણી યાદગાર જાહેરાતો. તે દિવસોમાં એક ચાની જાહેરાત ખૂબ જ પ્રખ્યાત હતી. યમુના નદીનો કિનારો, તાજમહેલની પૃષ્ઠભૂમિ અને ‘મોહબ્બત કી નિશાની’ની સામે બેઠેલો એક યુવક જેની આંગળીઓ ઢોલ પર નાચતી હતી. તેના વાળ પણ એ જ ગતિએ લહેરાતા હતા. પવન સાથે વાત કરી રહ્યા હતા, કેવું અદ્ભુત હતું.
આ જાહેરાત ભલે ચાની હોય પરંતુ ઉસ્તાદ ઝાકિર હુસૈન સાહેબ તેના દ્વારા દરેક ઘરમાં પ્રખ્યાત થઈ ગયા. જો કે વૈશ્વિક મંચ પર તેઓ પહેલેથી જ એક અલગ આભા બનાવી ચૂક્યા હતા પરંતુ સામાન્ય મધ્યમ વર્ગના પરિવારોમાં આ એક કલાકારની સ્વીકૃતિ હતી. લાંબા વાળવાળા બાળકો વાસણો વગાડીને અને ખૂબ નાચતા ઉસ્તાદ સાહેબની નકલ કરતા.