ઝઘડિયા તાલુકા પંચાયતના સદસ્યોની સામાન્ય સભા ઝઘડિયા ખાતે મળી હતી. આ બેઠકમાં તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ તરીકે રિતેશભાઈ વસાવા તેમજ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે જયેન્દ્રભાઈ વસાવાની સર્વાનુમતે વરણી કરાઈ હતી. બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખ રીનાબેન વસાવા, ઉપપ્રમુખ પ્રકાશભાઇ દેસાઈ અને તાલુકા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ગત તાલુકા પંચાયતની ચૂંટણીમાં તાલુકાની કુલ ૨૨ પૈકી ૧૯ બેઠક ઉપર ભાજપાના ઉમેદવારો વિજયી થયા હતા.
તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી આ પહેલા થઈ ગઈ હતી. જ્યારે કારોબારી અને સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષની વરણી આજની સામાન્ય સભામાં સર્વાનુમતે કરવામાં આવી હતી. તાલુકા પંચાયતના નવનિયુક્ત હોદ્દેદારોએ પાર્ટીએ તેમનામાં મુકેલ વિશ્વાસ બદલ આભારની લાગણી વ્યક્ત કરીને તેઓ તેમને સોંપવામાં આવેલ જવાબદારી સારી રીતે નિભાવશે એવી કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.