ઝઘડિયા જીઆઇડીસીમાં ફાર્મસન ફાર્માસ્યુટિકલ્સ ગુજરાત પ્રાઈવેટ લિમિટેડ યુનિટ-૩ કંપનીમાં 40 જેટલા કોન્ટ્રક્ટબેઇઝ કામદારો પડતર પ્રશ્ને છેલ્લા બે દિવસથી હડતાળ પર ઊતર્યા છે. કંપનીના મુખ્ય ગેટ પર કામદારો તેમના પ્રશ્નોનો કોઈ ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ફાર્મસન ફાર્માસ્યુટિકલ્સ ગુજરાત પ્રાઈવેટ લિમિટેડ યુનિટ-3 કંપની સામે કોન્ટ્રાક્ટબેઇઝ કામદારોએ બાંયો ચઢાવી છે. કામદારોએ આપવીતીમાં જણાવ્યું હતું કે, કેટલાક સમયથી તેમને ઓવરટાઇમ કામનો પગાર ચૂકવાતો નથી.
કામદારો માટે સરકારના નીતિ-નિયમોનું છડેચોક ઉલ્લંઘન થઇ રહ્યું છે. કંપની મેનેજમેન્ટ દ્વારા કંપની સંકુલમાં કામદારો માટે પાણીની કોઇ સુવિધા અપાતી નથી. આ કંપનીમાં કામદારો દ્વારા ઓછામાં ઓછા 12 કલાક ઓવરટાઇમ સાથે 18થી 24 કલાક કરે છે. તેમ છતાં કંપની મેનેજમેન્ટ કેન્ટીનની સુવિધા પણ આપતું નથી. કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટનું કામ કોન્ટ્રાક્ટરને અપાય છે.
કોન્ટ્રાક્ટર દ્વારા કામદારોનું શોષણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કર્યો હતો. કામદારોની માંગણીઓ જો કંપની મેનેજમેન્ટ દ્વારા સ્વીકારવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ઝઘડિયા મામલતદાર તેમજ ભરૂચ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરશે. કામદારો હડતાળ પર હોવાથી માનવ અધિકાર પંચે મુલાકાત લઈ તેમની આપવીતી સાંભળી હતી. કામદારોનો રૂખ જાણીને કંપનીએ ચાર દિવસનો સમય માંગ્યો હતો. જો કે, કોન્ટ્રાક્ટબેઇઝ પર કામ કરતા કામદારો તેમની પડતર માંગણી નહીં સંતોષાય તો હડતાળ યથાવત ચાલુ રાખશે.