નવી દિલ્હી: દિલ્હીની (Delhi) યમુના નદી (Yumna River) શાંત થતાં હવે ગંગા નદીએ (Ganga River) જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગંગાના જળસ્તર વધવાને લઈને ઘણાં જિલ્લાઓમાં એલર્ટ (Alert) પણ જારી કરવામાં આવ્યું છે. હરિદ્વારના ભીમગોડા બેરેજનો એક દરવાજો ગઈકાલે એટલે કે 16 જુલાઈની સાંજે અચાનક તૂટી ગયો હતો જેના કારણે હરિદ્વારમાં વિવિધ સ્થળો પાણીમાં ગરકાવ થયા હતા. આ સિવાય મેરઠમાં પણ સ્થિતિ ચિંતાજનક બની છે. હસ્તિનાપુરના 15 ગામોમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
સોમવારે ઉત્તરાખંડના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. આ રાજ્યના તમામ 13 જિલ્લાઓમાં રવિવાર અને સોમવારે વરસાદ માટે ‘ઓરેન્જ એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે, જ્યારે ઉધમ સિંહ નગર, નૈનીતાલ, ચંપાવત, અલ્મોડા, બાગેશ્વર અને કુમાઉ પ્રદેશના પિથોરાગઢ જિલ્લાઓમાં 18 જુલાઈએ પણ વરસાદ માટે ‘ઓરેન્જ એલર્ટ’ રાખવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશના કુલ્લુના કાયાસ ગામમાં સોમવારે સવારે વાદળ ફાટ્યું હતું. જેમાં એકનું મોત અને 3 ઘાયલ થયા હતા. 9 વાહનો પાણીમાં વહી ગયાં હતાં.
હરિદ્વારમાં બેરેજનો દરવાજો તૂટવાને કારણે મુશ્કેલી
હરિદ્વારમાં ગંગા નદી પર બનેલા બેરેજનો ગેટ નંબર 10 રવિવારે સાંજ તૂટી ગયો હતો. આ ઘટના અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે શ્રીનગરથી પાણી છોડવાને કારણે બેરેજનો ગેટ તૂટી ગયો હતો. બીજી તરફ ગંગાના જળસ્તરમાં એકાએક વધારો થતાં લોકોમાં તણાવનો માહોલ સર્જાયો છે. રવિવારે હરિદ્વારમાં ગંગાનું જળસ્તર 293.15 મીટર નોંધાયું હતું, જ્યારે ખતરાના નિશાન 294 મીટર છે.
દેવપ્રયાગ ખાતે ગંગા નદી 20 મીટર અને હૃષિકેશ પહોંચતા સુધીમાં 10 સેમી વધી હતી. વારાણસી અને પ્રયાગરાજમાં ઘાટ ડૂબવા લાગ્યા છે. કેટલાંક નાનાં મંદિરોમાં પાણી ભરાઈ ગયાં છે.
મેરઠમાં પૂર જેવી સ્થિતિ
મેરઠમાં ગંગાના જળ સ્તરે મોટી સમસ્યા સર્જી છે. હસ્તિનાપુરના 15 ગામોમાં પાણી ઘૂસી ગયા છે જેના કારણે લોકોનું જનજીવન ખોરવાયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હસ્તિનાપુરમાં ગંગા નદીનું પાણી ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયું છે જેના કારણે આ સમસ્યા સર્જાઈ છે.
ઉત્તરાખંડમાં ખરાબ સ્થિતિ
ઉત્તરાખંડમાં છેલ્લાં ઘણાં દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે ગંગાના જળસ્તરમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં ઉત્તરાખંડના અનેક જિલ્લાઓમાં પણ પૂરની સંભાવના છે. ગંગાના જળસ્તરમાં વઘારો થતાં ઋષિકેશમાં પણ ચિંતાજનક સ્થિત સર્જાઈ છે.