Charchapatra

યુ”ટ્યુબર” કે યુ”ટ્યુમર”?

આજ-કાલ પેલો યૂટ્યુબર – “રણવીર અલ્લાહબાદીયા” ખાસ્સી એવી ચર્ચામાં છે. પોતાને “મોટીવેટર ”, “શિક્ષણવિદ્” અને “ઉદ્યોગ સાહસિક” તરીકે એનો પરિચય આપે છે. એણે ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યું છે તથા તેનાં માતા – પિતા જાણીતાં ડૉક્ટર છે.  હવે સવાલ એ થાય કે આટલો બધો સુશિક્ષિત પરિવાર હોવા છતાં એ ભાઈએ બીજાનાં માતા-પિતા ઉપર અભદ્ર ટિપ્પણી કરવાનું દુ:સાહસ કેમ કરી નાખ્યું? વિડિયો જોતાં તમને એવું થશે કે બાકીના જજોએ તથા પ્રેક્ષકો તેને વખોડવાની જગ્યાએ “અભિનંદન” આપી રહ્યા છે! પેલો માઇક લઈને ઊભેલો ઉમેદવાર પણ પોતાનાં મા-બાપ વિષેની ગાળ સાંભળી હસી રહ્યો છે!

આવી તે કેવી “નમાલી” પેઢી આકાર લઈ રહી છે? પોતાને “પ્રેરણાત્મક” ગણાવતા આવા કેન્સર સમાન યુ”ટ્યુમર” સમાજને  શું પ્રેરણા આપશે? કહેવાય છે કે સાચું શિક્ષણ સારા સંસ્કાર લાવે અને સારા સંસ્કારથી સવિનય થવાય, સવિનય થવાય તો સમાજ ઉપયોગી બનાય અને એક સારી પેઢી નિર્માણ પામે, દેશમાં સુશાસન લાવે અને દેશ મહાન બને. આ કિસ્સા ઉપરથી એવું લાગે કે આટલી નામાંકિત ઇન્ટરનેશનલ શાળામાં શિક્ષણ લેવા છતાં સંસ્કાર અને શિક્ષણને કોઈ લેવા-દેવા જ નથી. આવા યુ”ટ્યુમરોથી પ્રેરાય ને અનેક જાતના સામાજિક ટ્યુમરો જેવા કે  એફ”ટ્યુમર”, ઇંસ્ટા”ટ્યુમર”, એક્સ”ટ્યુમર” આકાર લઈ રહ્યા હશે. આ તો છીંડે પકડાયો તે ચોર. આવા દેશ માટે કેન્સર સમાન “ટ્યુમરો” છેલ્લા સ્ટેજ સુધી પહોંચે એ પહેલાં જ શું “ઓપરેશન” કરી એનો “નિકાલ” ન કરવો જોઈએ?
સુરત     – ભાવિન મિસ્ત્રી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સર્વશ્રેઠ માનવયુગ
સંસારચક્રમાં સતયુગ, ત્રેતાયુગ ,દ્વાપરયુગ  અને કળિયુગ એ જાણીએ છીએ. ભૂતકાળની પરંપરામાં જે કાંઈ બનાવો બની ગયા કે ભવિષ્યમાં બનશે એ કોઈ પણ પ્રકારની આગાહી ‘યુગ’ ના આધારે કરી શકાય નહીં. ખરેખર તો કુદરતી વસ્તુ સિવાય માનવ જ બધું ઉત્પન્ન કરે છે. હવે ઘણાં લોકો માને કે કળિયુગમાં તો ન થવાનું થાય એવું કંઇ નથી. જે કંઈ માનવી દ્વારા કોઈ પણ પ્રકારનાં કામ કરવાં હોય તો તે માનવીના મનની ઉપજ છે. જો કોઈ પણ પ્રકારના યુગથી માનવી ડરતો હોય તો હાલમાં માનવીય ભેદભાવ પ્રવર્તે છે.

અત્યાચાર, અન્યાય વગેરે કરવામાં આવે છે તે ન થવા જોઇએ, તેમ બનતું નથી પણ ‘યુગ’ના નામે બનતું હોવાનું માની લેવામાં આવે છે. વાસ્તવમાં તો દરેક માનવીને કાયદાનો ડર હોવો જોઇએ કેમ કે બંધારણ થકી ઘડવામાં આવેલ કાયદા દ્વારા જ સમ્રગ શાસન ચાલે છે. માટે સર્વ શ્રેઠ યુગ એટલે માનવ યુગને જ વફાદાર રહીને જીવન પસાર કરવું જોઈએ એવું નથી લાગતું?
સુરત     – ચંદ્રકાન્ત રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top