સુરત: સુરત રેલવે સ્ટેશન (Surat Railway Station) પર ટ્રેન (Train) અને પ્લેટફોર્મ (Platform) વચ્ચે ફસાયેલા મુસાફરને (Passenger) ખેંચી RPFના કોન્સ્ટેબલે બચાવ્યો હોવાની ઘટનાના લાઈવ સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે. ચાલતી ટ્રેનમાં ચઢવા જવાના પ્રયાસમાં યુવક પગથિયું ચૂક્યો હતો અને પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચેના ગેપમાં સરકી ગયો હતો. દૂરથી યુવકને પડતાં જોઈ આરપીએફનો કોન્સ્ટેબલ તરત દોડી ગયો હતો. પ્લેટફોર્મ પર ઉભેલા અન્ય લોકો પણ આ દ્રશ્ય જોઈ ગભરાઈ ગયા હતા. ડરેલા લોકોએ બૂમાબૂમ કરી મુકી હતી. દરમિયાન ચપળતા દાખવીને આરપીએફના કોન્સ્ટેબલે યુવકને બહાર ખેંચી તેનો જીવ બચાવ્યો હતો. 10 સેકન્ડમાં જ મુસાફરનો જીવ બચાવાયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ રેલવે દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.
- જયપુર સુવિધા એક્સપ્રેસ ટ્રેનમાં ચઢતી વખતે મુસાફરનો પગ લપસ્યો
- ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ગેપમાં પેસેન્જર ફસાયો
- RPFના કોન્સ્ટેબલ સંદીપ યાદવે બહાર ખેંચી મુસાફરનો જીવ બચાવ્યો
રેલવે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના ગઈ તા. 23 ડિસેમ્બર શુક્રવારના રોજ બપોરે 3 કલાકે બની હતી. સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 01 પરથી ટ્રેન નંબર 82653 યશવંતપુર-જયપુર સુવિધા એક્સપ્રેસ ઉપડી હતી. ટ્રેન ગતિ પકડી રહી હતી ત્યારે એક પેસેન્જર ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે તેનો પગ લપસ્યો હતો અને તે એક પગથિયું ચૂકી ગયો હતો, જેના લીધે તે સરકીને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ગેપમાં નીચે પડી ગયો હતો. પેસેન્જર પોતાને બચાવવા માટે કંઈક પકડવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે પ્લેટફોર્મ નંબર 1 પર ફરજ બજાવતા RPFના કોન્સ્ટેબલ સંદીપ યાદવની તેની પર નજર પડી હતી.
વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો
તાત્કાલિક જ સંદીપ યાદવ પેસેન્જર તરફ દોડયા હતા. બંને વ્ચચે 100 મીટરથી વધુનું અંતર હતું. ચિત્તાની ઝડપે દોડી સંદીપ યાદવ ગેપમાં ફસાયેલા પેસેન્જર સુધી પહોંચી ગયા હતા અને તેનો હાથ ખેંચી ગેપમાંથા બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો. દરમિયાન ટ્રેન પણ રોકી દેવામાં આવી હતી. આ ઘટનાના પગલે રેલવે પ્લેટફોર્મ પર અફરાતફરી મચી ગઈ હતી. પેસેન્જરો ગભરાયા હતા. લોકો દોડી ગયા હતા. જોકે, કોન્સ્ટેબલ સંદીપ યાદવના લીધે પેસેન્જરનો જીવ બચી ગયો હોય લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પેસેન્જરે કોન્સ્ટેબલ સંદીપ યાદવનો આભાર માન્યો હતો.