નડિયાદ: કઠલાલ તાલુકાના ભાટેરાના એક યુવકે ક્રિપ્ટો કરન્સી ટ્રેડીંગની વેબસાઈટ પર રૂ.1,29,362 ના ભાવમાં ઓનલાઈન ખરીદેલાં ડોલરને 1,40,246 ના ભાવે વેચવા મુક્યાં હતાં. દરમિયાન એક ગઠિયાએ રૂ.1,40,246 ટ્રાન્સફર કર્યાની બનાવટી સ્લીપ યુવકને મોકલી તેની પાસેથી ડોલર પડાવી લઈ, છેતરપીંડી આચરી હતી. કઠલાલના ભાટેરા ગામમાં આવેલ મોટી ખડકીમાં રહેતાં 27 વર્ષીય નિત્યાનંદ દક્ષેશભાઈ પટેલ છેલ્લાં દોઢેક વર્ષથી ક્રિપ્ટો કરન્સી ટ્રેડીંગનો ઓનલાઈન વેપાર કરે છે. તેઓએ ગત તારીખ 11 અને 12 માર્ચના રોજ એક વેબસાઈટ પરથી બે તબક્કામાં થઈ કુલ 1,29,362 રૂપિયામાં, 1563.50 ડોલર ઓનલાઈન ખરીદ્યાં હતાં અને રૂ.1,40,246 ના ભાવે વેચાણ માટે ઓનલાઈન મુક્યાં હતાં. જેના થોડાક જ કલાકો બાદ રફીકુલ ઈસલામ નામના ઈસમે આ ડોલર ખરીદવા માટે એપ્લાય કરી, નિત્યાનંદ સાથે ચેટ ઉપર વાતચીત કરી હતી અને ઓર્ડર મુજબના રૂ.1,40,246 તમારા ખાતામાં જમા કરાવી દીધાં હોવાનું જણાવ્યું હતું અને તેની સ્લીપ પણ મોકલી હતી.
નિત્યાનંદે આ સ્લીપ જોયાં બાદ ડોલર રીલીઝ કરી, રફીકુલ ઈસલામને મોકલી આપ્યાં હતાં. જે બાદ નિત્યાનંદે પોતાનું એકાઉન્ટ ચેક કરતાં તેમાં આવી કોઈ રકમ જમા થયેલ ન હતી. વાત કરતાં રફીકુલે 24 કલાકમાં રૂપિયા જમા થઈ જશે તેમ જણાવ્યું હતું. પરંતુ, બીજા દિવસે પણ રૂપિયા જમા થયાં ન હોવાથી નિત્યાનંદે પુનઃ રફીકુલ સાથે વાત કરતા રીપ્લાય આપવાનો બંધ કરી દીધો હતો. જેથી આ કિસ્સામાં પોતાની સાથે રૂ.1,40,246 ની ઠગાઈ થઈ હોવાનું નિત્યાનંદ પટેલને લાગ્યું હતું. જેથી તેઓએ આ મામલે કઠલાલ પોલીસમથકમાં ફરીયાદ આપી છે. જેના આધારે પોલીસે રફીકુલ ઈસલામ નામના શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.