વડોદરા : વડોદરા શહેર નજીક આવેલા ચાપડ ગામમાં રહેતા 21 વર્ષના યુવકએ દેશી દારૂની ચાર પોટલી એક સાથે ગટગટાવી જતા આંખ ગુમાવવાનો વારો આવ્યો છે તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ અધુરી સારવાર આપી તેને રજા આપી દેવામાં આવતા મામલો ગરમાયો હતો અને લઠ્ઠા કાંડ જેવી પરિસ્થિતિ સર્જાશે તેવી ભીતિ પણ ઊભી થઈ હતી. બોટાદ લઠ્ઠાકાંડ બાદ વડોદરાના ચાપડ ગામે રહેતા 21 વર્ષીય ભૌતિક પરમાર નામના યુવકે પોતાના જ ગામમાંથી દેશી શરાબની એક બે નહીં પરંતુ ચાર પોટલી ગટગટાવી હતી.
ભૌતિક પરમારે શરાબ પીધા બાદ અચાનક તેની તબિયત લથડી અને આંખોની રોશની ગુમાવી જેથી તેને ગામના સરપંચ દ્વારા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ પોલીસ કાર્યવાહીના ડરે ભૌતિક અધૂરી સારવાર છોડી પોતાના ઘરે પરત ફર્યો હતો. ભૌતિક સાથે બનેલી આ ઘટના એ તેના પરિવારના સભ્યોને સ્તબ્ધ કરી દીધા છે. ભૌતિકની માતા એ શહેર પોલીસને દેશી દારૂનું દૂષણ દૂર કરી ઠેરઠેર ચાલતી દેશી દારૂની હાટડીઓ બંધ કરાવવા અપીલ કરી હતી. ચાપડ ગામના યુવા સરપંચ અને ડેપ્યુટી સરપંચ દ્વારા પણ પોલીસને અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી.પોલીસ દ્વારા હજી પણ આ ઘટના અંગે ગુનો નોંધાયો નથી.