ખેડા: ગુજરાતમાં (Gujarat) રખડતા ઢોરના કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે. દિવસેને દિવસે ઢોરનો (Cattel) ત્રાસ વધતા પ્રજા પણ હેરાન થઈ રહી છે. ઢોરના કારણે કેટલાક લોકોને હોસ્પિટલ જવું પડ્યું છે તો કેટલાક લોકો મોતને (Death) ભેટ્યા છે. ગુજરાત સરકારે રખડતા ઢોરને નિયંત્રણ કાયદો પણ બહાર પાડ્યો છે. જો કે રખડતા ઢોરના કારણે મૃત્યુ થાય કે હોસ્પિટલ જવું પડે તો જવાબદાર કોણ ગણાય? લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે અમારે કોની સામે ફરિયાદ કરવી. ત્યારે ફરી એકવાર રખડતા ઢોરના કારણે એક યુવકે જીવ ગૂમાવ્યો હતો. યુવકના ભાઈને આ વાતનું ઘણું દુ:ખ થયું હતું કારણ કે અકસ્માત વખતે તે તેના ભાઈ જોડે હતો.
ખેડા જિલ્લાના એક ગામમાં એક યુવકે પોતાના પર જ એફઆઈઆર કરી હતી. પોલીસે પણ સમગ્ર ઘટનાની તપાસ કરી હતી. મળતી માહિતી મુજબ ખેડા જિલ્લાના એક ગામમાં રાહુલ વણઝારા પિતરાઈ ભાઈ હસમુખનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું. રાહુલ વણઝારા એમના ફોઈના દીકરા હસમુખ સાથે મળીને બાંધકામ સાઈટ પર રેતી અને કપચી પહોંચાડવાનું મજૂરીકામ કરતા હતા. રાહુલે જણાવ્યુ હતું કે હું અને હસમુખ રોજ સવારે ઘરેથી ટિફિન લઇને કામ કરવા નીકળી પડતા હતા. ઑર્ડર પ્રમાણે ખેડાની જુદી જુદી બાંધકામ સાઈટ પર રેતી અને કપચી પહોંચાડતા હતા અને દિવસના 500-700 રૂપિયા કમાઈ લેતા હતા.
અકસ્માતના દિવસે પણ તેઓ સવારે આઠ વાગ્યે એક ગ્રાહક માટે બાઇક લઇને નજીકમાં ચા લેવા ગયા હતા. રાહુલે કહ્યું કે કોઈ કામ નહોતું એટલે હસમુખ પણ મારી સાથે આવ્યો. ચા ઠંડી ન થઈ જાય એટલે બાઇક ઝડપથી ચલાવી રહ્યા હતા. ત્યારે રેતીના ઢગલા નજીકના એક વળાંક પર અચાનક એક ગાય દોડતી આવી અને બાઇક સાથે અથડાઈ હતી. ત્યારે રાહુલે કહ્યું કે બાઇક પરથી કાબૂ ગુમાવી દીધો અને બાઇક સ્લીપ થયું હું ઘસડાઈને રોડની નીચે ઝાડીમાં જઈ પડ્યો હતો. હસમુખ રોડની બીજી બાજુ પર પડ્યો એમના માથાના ભાગે ઈજા થતા સ્થળ પર જ મૃત્યુ થયું હતું.
મળતી માહિતી અનુસાર રાહુલે કહ્યું કે અમે મામા ફોઈના દીકરા હતા, પરંતુ સગાં ભાઈથી પણ વિશેષ હતા. મને સતત લાગ્યા કરતું હતું કે મારા ભાઈના મોત માટે હું જવાબદાર છું, એટલે મેં મારી જાત વિરુદ્ધ પોલીસમાં અકસ્માતનો ગુનો નોંધાવ્યો છે. ગુજરાત સરકાર સામે રખડતા ઢોર અંગે ગુજરાત હાઈ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, પ્રાથમિક સુનાવણીમાં રખડતા ઢોર અથડાવાને કારણે કોઈનું અવસાન થાય તો સરકાર બે લાખ રૂપિયા વળતર આપે છે.