પલસાણા: સુરત શહેરમાં આવેલા ભીમ નગર આવાસમાં રહેતો એક યુવક બાઇક પર તેના મિત્રને લઇ ચલથાણથી ડીંડોલી તરફ જતી નહેર પરના સર્વિસ રોડ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે બાઇકનાં સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઇક સાથે બન્ને નહેરના પાણીમાં પડ્યાં હતા. આ અકસ્માતમાં બાઈકની પાછળ બેસેલા મિત્રનો બચાવ થયો હતો જ્યારે બાઇક ચાલકનું મોત નિપજ્યુ હતું.
મળતી માહિતી અનુસાર ભીમનગર આવાસ સુરત ખાતે રહેતા અને મુળ મહારાષ્ટ્રના દીપક રવીન્દ્રભાઇ પારણે ગઈ તા. ૬ ફેબ્રુઆરીના રોજ તેમના સંબંધીનુ બાઇક નંબર જીજે-૦૫-એસઆ૨-૫૪૬૦ ને લઇ તેની સાથે તેનો મિત્ર અભિજીત ઉર્ફે અન્ના સાથે બાઇક પર જઇ રહ્યા હતા. ત્યારે પલસાણા તાલુકાના ચલથાણ થી ડીડોલી તરફ જતા નહેર ૫રના રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે અચાનક દીપકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઇક સાથે બન્ને યુવકો નહેરના પાણીમાં પડ્યા હતા.
પાણીનો પ્રવાહ વધુ હોવાથી બન્ને જણા તણાયા હતા. જોકે, અભિજીતના હાથમાં લોખંડની જાળી આવી જતા. તે નહેરના પાણીમાંથી બહાર નીકળી ગયો હતો. અને ત્યાંથી કોઇને પણ કહ્યા વગર સીધો તેના ઘરે પહોચી ગયો હતો. તો બીજી તરફ દીપક ઘરે ના પહોચતા તેના પરીવાર પણ દીપકની શોધખોળ કરતા કરતા અભિજીતના ઘરે જઇ પુછપરછ કરી હતી.
ત્યારે અભિજીતે દીપકના પરીવારને જણાવ્યું હતું કે દીપક ચલથાણ ખાતે મને ઉતારી બાઇક પર તે પોતાના ઘરે જવા નીકળ્યો હતો તેમ કહી તેનો બચાવ કર્યો હતો. તેના બે દીવસ બાદ અભિજીત તેની માતા સાથે કડોદરા પોલીસ મથકે આવી હકીકત જણાવી હતી કે નહેરના પાણીમાં અમે બન્ને પડ્યા હતા. પરંતુ હુ બહાર નીકળી ગયો હતો. અને તે સમયે ગભરાય ગયો હોવાથી મે કોઇને જાણ કરી નહોતી.
પોલીસે અભિજીતના નિવેદન અનુસાર નહેરના પાણીમાં તપાસ કરતા બાઇક મળી આવી હતી. પરંતુ દીપકની કોઇ ભાળ મળી નહોતી. ત્યારબાદ ૨૪ ફેબ્રુઆરીના રોજ બોણંદ ગામની નહેરમાંથી તેની લાશ મળી આવી હતી. સુરત સિવીલ ખાતે તેનુ ફોરેન્સીક પીએમ કરાવતા જણવા મળ્યુ હતું કે દીપકને માથાના ભાગે તથા પગના ભાગે ઇજા થઇ હોવાથી તેનું મોત નિપજ્યુ હતુ. ત્યારે આ અંગે દીપકની માતાએ કડોદરા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે
Sent from my