SURAT

મોટા વરાછામાં રોડ ક્રોસ કરી રહેલા યુવકને ફૂલસ્પીડમાં દોડતી લક્ઝરી બસે ટક્કર મારી, રસ્તા પર જ દમ તોડ્યો

શહેરના મોટા વરાછા વિસ્તારમાં ગોઝારો અકસ્માત થયો છે. અહીં પૂરપાટ ઝડપે દોડતી ખાનગી લક્ઝરી બસે ટક્કર મારતા રોડ ક્રોસ કરી રહેલાં 42 વર્ષીય યુવકનું મોત નિપજ્યું છે. આ ઘટના મોટા વરાછાના રામચોક નજીકના મણકી મા ચોક ખાતે બની છે. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને ડ્રાઇવરને પણ ઝડપી પાડ્યો હતો. હાલ આ મામલે ઉત્રાણ પોલીસ વધુ તપાસ કરી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર 42 વર્ષીય પ્રકાશ પ્રભાતભાઈ ઔડ મોટા વરાછા વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. ઘર નજીક આવેલા રામચોકની પાસેના મણકી મા ચોક ખાતે પગપાળા પસાર થઈ રહ્યો હતો. દરમિયાન પ્રકાશને રોડ ક્રોસ કરતાં સમય પૂરપાટ ઝડપે દોડી રહેલી શ્રીરામ નામની ખાનગી લક્ઝરી બસના ચાલકે પ્રકાશને અડફેટે લઈને કચડી નાંખ્યો હતો. પ્રકાશનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

ખાનગી બસના ચાલક દ્વારા અકસ્માતના પગલે આસપાસથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. ઘટના અંગેની જાણ થતા ઉત્રાણ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અકસ્માતના પગલે ટ્રાફિક જામના દૃશ્યો પણ સર્જાયા હતા. આ સાથે લોકોમાં અકસ્માત કરનાર બસચાલક વિરુદ્ધ રોષ પણ જોવા મળી રહ્યો હતો. ઉત્રાણ પોલીસ દ્વારા સ્થિતિ કાબુમાં લઈને ટ્રાફિક હળવો કરવાની સાથે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો.

અકસ્માત કરનાર ખાનગી બસના ચાલક સિધ્ધરાજસિંહ સરવૈયાને ઝડપી લેવામાં આવ્યો છે. ઉત્રાણ પોલીસ દ્વારા બસનાં ચાલકે સિધ્ધરાજ સિંહ વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મૃતક યુવકના પરિવારને જાણ કરવામાં આવતા તે પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

Most Popular

To Top