SURAT

કોંગ્રેસી કાર્યકર પોલીસ વેન પર ચઢી ગયો, સુરત પાલિકા બહાર ભારે તમાશો થયો, શું છે મામલો…

સુરતઃ ગયા અઠવાડિયે શહેરમાં ખાડી પૂરના લીધે હજારો લાખો કફોડી સ્થિતિમાં મુકાયા હતા. ખાડી પૂરના પાણી લોકોના ઘરોમાં ઘુસી ગયા હતા. દુકાનોમાં માલ સામાનને બરબાદ કર્યો હતો. સૌથી આશ્ચર્યની વાત એ છે કે અનેક સોસાયટીમાં ખાડી પૂરના પાણી ચાર ચાર દિવસ સુધી ઉતર્યા નહોતા.

સુરત પાલિકાનું તંત્ર અને ભાજપના શાસકો ખાડી પૂરના પાણીને અટકાવવામાં નિષ્ફળ રહ્યાં હતાં, જેના પગલે શહેરની પ્રજામાં વિરોધનો સૂર ઉઠ્યો છે, ત્યારે આજે સોમવારે તા. 30 જૂનના રોજ સુરત મહાનગર પાલિકાની બહાર યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખાડીપૂર મામલે શાસક પક્ષને ઘેરવાના હેતુથી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓને અટકાયતમાં લીધા હતા.

તંત્રની નિષ્ફળતાને મામલે યુથ કોંગ્રેસ વિરોધના મૂડમાં જોવા મળી રહ્યું છે. મનપાની પ્રી-મોન્સૂન કામગીરીની નિષ્ફળતા અને ખાડીપૂરના મુદ્દે આજે યુથ કોંગ્રેસે આક્રમક વિરોધ પ્રદર્શન કર્યું હતું. “ભાજપવાળા ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો’ના સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. ”ખાડી પૂરનું પાણી રોકી શકતા નથી અને સિંધુ નદીનું પાણી રોકવા નીકળ્યા” તેવા મ્હેણાં માર્યા હતા. એક કાર્યકર પોલીસ વાન પર બેનર સાથે ચડી ગયો હતો.

ચોક બજાર પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. ટીંગાટોળી કરીને તેમને પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા હતા, જેમાં એક કોંગ્રેસી કાર્યકર્તાને બેસાડવા માટે સાતથી આઠ પોલીસવાળાને મહેનત કરવી પડી હતી.

કોંગ્રેસના કાર્યકર્તા ફૈઝલ રંગુનીએ કહ્યું કે, સુરત શહેરમાં ભાજપ છેલ્લા 30-32 વર્ષથી શાસન કરી રહ્યું છે, છતાં પૂર અટકાવવામાં નિષ્ફળ રહ્યું છે. તેનો વિરોધ અમે કરી રહ્યા છીએ. પરંતુ અમને વિરોધ પણ કરવા દેવાતો નથી. અમે આવીએ તે પહેલા જ પોલીસને તૈનાત કરી દેવામાં આવી હતી.

Most Popular

To Top