એક તરફ પોલીસ લુખ્ખાં, અસામાજિક તત્વોના વરઘોડા કાઢીને ધાક બેસાડવાના પ્રયાસ કરી રહી છે બીજી તરફ લુખ્ખાંઓ બેફામ બન્યા છે. સુરત શહેરમાં અસામાજિક તત્વોને કોઈનો ડર રહ્યો નહીં હોય તેવું ચિત્ર ઉભું થયું છે. સામાન્ય વાતમાં પણ આ ગુંડા તત્ત્વો સામાન્ય નિર્દોષ લોકોને બેરહેમીથી માર મારે છે. આવી જ એક ઘટના શહેરના અડાજણ વિસ્તારમાં બની છે. અહીં મોપેડ ચાલક યુવકે મોપેડ પર જતા ત્રણ યુવકોને બસ એટલું જ કહ્યું કે, જરા જોઈને ચલાવો. એટલી વાતમાં લુખ્ખાં ટપોરી યુવકો ગુસ્સે ભરાયા હતા અને મોપેડ ઉભી રાખી યુવકને મોંઢા પર ફેંટ મારી દીધી હતી.
આ ઘટના એન્જનિયર વ્રજકુમાર પટેલ સાથે બની હતી. તે હાલ ચેન્નાઈમાં નોકરી કરે છે. ગઈ તા. 3 જૂનના રોજ તે વતન સુરત રાંદેર ખાતે આવ્યા હતા. 7 જૂનની રાત્રિના આશરે પોણા નવેક વાગ્યાના સુમારે તે પોતાની મોપેડ લઈ મોનાર્ક સર્કલ પાસે મામાના દીકરા જય પટેલને મળવા ગયા હતા. ત્યારે ગોગા ચોક સર્કલ પાસેથી પસાર થતી વખતે ત્રણ અજાણ્યા ઈસમોએ વ્રજકુમાર પટેલની ગાડીને કટ મારીને ઓવરટેક કરી હતી.
તેથી વ્રજકુમારે એટલું જ કહ્યું હતું કે, ભાઈ ગાડી જોઈને ચલાવો. બસ આટલું કહેલાત આરોપી ઈસમો ઉશ્કેરાઈ ગયા હતા અને વ્રજકુમારને ગાળો દઈ ગાડી ઉભી રખાવી હતી અને બાદમાં ફેંટ મારી દીધી હતી. જેના લીધે વ્રજકુમાર પટેલની આંખ પાસે ગંભીર ઈજા થઈ હતી.
આ ભયાવહ હુમલા બાદ તેને લાતો મારી વ્રજને નીચે પછાડી દીધો હતો. વ્રજકુમાર જમીન પર પડ્યા પછી પણ તે ઈસમ અને તેની સાથેના અન્ય બે ઈસમોએ માથાના ભાગે તેમજ પીઠના ભાગે લાતો અને હાથ વડે ઢિકા મુક્કીનો નિર્મમ માર માર્યો હતો. આ દરમિયાન તેઓ ગાળાગાળી કરતા હતા અને ધમકી આપતા હતા કે, “આજે તો તને જવા દઈએ છીએ અને આજ પછી ક્યારેય નજરે પડીશ તો જાનથી મારી નાખીશું.”
આ હુમલામાં વ્રજકુમારની આંખમાં ગંભીર ઈજા થઈ હતી, જેના લીધે ઓપરેશન કરવું પડ્યું હતું. તેની આંખના સ્કલેરા અને કોર્નિયાના ભાગે 20 ટાંકા આવ્યા હતા. તબીબોએ કહ્યું કે, આ હુમલાના લીધે દર્દીની જમણી આંખની જોવાની દ્રષ્ટિ સાવ ઓછી થઈ ગઈ છે. તેમની સારવાર ચાલુ છે. દરમિયાન વ્રજકુમારે આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
CCTVની મદદથી પોલીસે તપાસ શરૂ કરી
આ સમગ્ર ઘટના નજીકના વેપારીઓના CCTV કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ છે. પોલીસ ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરી રહી છે. પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટના ફરી એકવાર શહેરમાં જાહેરમાં થતા ગુનાઓ અને લોકોની સુરક્ષા અંગે અનેક પ્રશ્નો ઉભા કરે છે. એક સામાન્ય રોડ રેજની ઘટના જમણી આંખ ગુમાવવી પડે તેટલી ગંભીર બનવી, શહેરના કાયદો વ્યવસ્થાની સ્થિતિ ઉપર પણ સંકેત આપે છે.