સોસાયટીમાં સી.સી.ટી.વી. કેમેરા મૂકાવવાની મીટીંગ હતી. બધાએ નક્કી કર્યું કે લોબીમાં ,ગાર્ડનમાં, લીફ્ટમાં , ગેટ પાસે ,કમ્પાઉન્ડમાં બધે જ કેમેરા મુકાવી દઈએ અને પંદર દિવસમાં કેમેરા લાગી ગયા.આવતા જતા બધા જ કોણ ક્યારે કયાં ગયું બધું જ કેમેરામાં દેખાવા લાગ્યું.આઠ કેમેરા અને તેનું લાઈવ ટ્રાન્સમિશન સિક્યુરીટી ગાર્ડ સામે ટી.વી.પર દેખાતું. એક દિવસ નીચે ગાર્ડનમાં બેસીને બધા વાતો કરતા હતા ત્યાં હો હા મચી ગઈ અને ગાર્ડનમાં ક્રિકેટ રમતા કોઈની બારીનો કાચ ફૂટ્યો અને ઝઘડો થયો. બધા કહેવા લાગ્યા, સી.સી.ટી.વી. કેમેરા જુઓ, કોનો વાંક છે.
કેમેરામાં જોઇને ક્રિકેટ રમનાર ફટકો મારનાર બેટ્સમેનને પૈસા ભરવાનું કહેવામાં આવ્યું.તેણે વાંધો ઉઠાવ્યો. બધા રમતા હતા. હું એકલો પૈસા શું કામ ભરું? વાત વધી ગઈ.છેવટે ત્યાં બેઠેલાં વડીલોએ બધાને શાંત કર્યાં અને બધાએ થોડા થોડા પૈસા કાઢી, પૈસા ભર્યા. ઝઘડો પૂરો થયો, પણ સી.સી.ટી.વી. કેમેરાની વાતો ચાલુ રહી. એક વડીલે બહુ સરસ વાત કરી કે ‘આજે તો જ્યાં જઈએ ત્યાં લખેલું હોય છે કે ‘આ એરિયા સી.સી.ટી.વી. કેમેરા સર્વેલિયન્સ હેઠળ છે’ કે તમે ‘કેમેરાની નજરમાં છો.’ આ સૂચના વાંચીને કે પછી માત્ર કેમેરાને જોઇને આપણે બધા સજાગ થઇ જઈએ છીએ…સારું વર્તન કરીએ છીએ…હોશિયારીપૂર્વક કેમેરાની નજરમાં આવીએ એ રીતે કોઈ ખોટું કામ કરતા નથી.બરાબર’ બધાએ કહ્યું, ‘હા બરાબર’ બીજા ભાઈ બોલ્યા, ‘અરે કેમેરાની નજરથી કઈ છૂપતું નથી.
ખોટું કામ કરીએ તો ઝડપાઈ જ જઈએ એટલે ધ્યાન તો રાખવું જ પડે ને.’ પેલા વડીલ બોલ્યા, ‘બધાને આ ખબર છે કે કેમેરા હોય તો હોશિયાર થઈ જવું અને સારું જ વર્તન કરવું….આ સારી વાત છે.પણ હવે આપણે બધા જ પોતાને હોશિયાર સમજીએ છીએ પણ કેવા મહામૂર્ખ છીએ તેની વાત કરું.’ બધાને નવાઈ લાગી કે હમણાં હોશિયારીની વાત હતી હવે મૂર્ખતાની વાત… વડીલ બોલ્યા, ‘હા , આપણે બધા મહામૂર્ખ છીએ.આ માણસે બનાવેલા એક ઉપકરણ કેમેરાને જોઇને હોશિયાર થઈ જઈએ છીએ પણ આરામથી હંમેશા ભૂલી જઈએ છીએ કે આપણને જેણે બનાવ્યા છે તે ઈશ્વરની નજરમાં આપણે હંમેશા છીએ…અને ઘણાં ન કરવાનાં કામ અને વર્તન કરીએ છીએ. ઈશ્વરની નજર નથી ખરાબ થતી કે નથી બંધ થતી કે ન કોઈના નિયંત્રણમાં હોય છે અને ઈશ્વરની નજર હંમેશા બધેજ હોય છે અને તેમાંથી બચવાનો કોઈ રસ્તો કે કોઈ બ્લાઈન્ડ સ્પોટ હોતો નથી.ઈશ્વર હંમેશા હર સમય બધું જ જુએ છે માટે હંમેશા ધ્યાન રાખો કે તમે ઈશ્વરની નજરમાં છો અને પછી નક્કી કરો કે તમારે કેવું વર્તન કરવું છે.’ વડીલે સી.સી.ટી.વી. કેમેરાની વાતને જીવનની સાથે જોડીને એક સરસ વાત સુંદર ઉદાહરણ સાથે સમજાવી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે