Comments

ઇતિહાસમાં આપનું નામ સાદર દર્જ છે

૨૦૨૪ના વર્ષે વિદાય લેતાં લેતાં દેશના કેટલાક અદકેરા મહાનુભાવોએ પણ દુનિયામાંથી વિદાય લીધી. ઝાકીર હુસેન, શ્યામ બેનેગલ, ઓમ પ્રકાશ ચૌટાલા અને છેલ્લે ડૉ. મનમોહનસિંહ. નવા વર્ષની શરૂઆતે સૌ મહાનુભાવોને સાદર અંજલિ અર્પી. અહીં વિશેષ વાત ડૉ. મનમોહનસિંહની કરવી છે. ૧૯૯૧નું વર્ષ ઐતિહાસિક હતું. ઊંચો ફુગાવાનો દર અને ઊંડી નાણાંકીય ખાધને કારણે દેશ એક અભૂતપૂર્વ કટોકટીનો સામનો કરી રહ્યો હતો. વૈશ્વિક સ્તરે પણ નબળા પડી રહેલા સામ્યવાદને કારણે ભારતના સમાજવાદી સિદ્ધાંતો સામે પ્રશ્ન ઊભા  થયા.

આમ તો ૧૯૮૦ના દાયકાથી જ રાજીવ ગાંધીના નેતૃત્વમાં જ ઉદારીકરણની ધીમી શરૂઆત થઈ ચૂકી હતી. પણ, ભારતે જો પોતાના સાર્વભૌમત્વ સામે ખતરો ઊભો થતો લાગ્યો ત્યારે આર્થિક નીતિઓમાં વૈચારિક સ્પષ્ટતા સાથે ધરખમ સુધારા કરવાની જરૂર જણાઈ, જેનું નેતૃત્વ મનમોહનસિંહને નાણામંત્રી તરીકે સોંપવામાં આવ્યું. ત્યારથી ગરીબી અને નીચા વૃદ્ધિ દર સામે સંઘર્ષ કરી રહેલા આઝાદ ભારતનો આર્થિક વૃદ્ધિદર વધવાનો શરૂ થયો. ખાનગી મૂડીરોકાણ વધ્યું, માળખાકીય સુવિધાઓ વધી અને લોકોના હાથમાં આવક આવતાં જીવનધોરણ સુધર્યું.  ભારતે વિકસિત દેશ બનવાની દિશામાં સડસડાટ દોડ માંડી.

આર્થિક સુધારાનો  સૌથી વધુ ફાયદો મધ્યમ વર્ગને થયો. વિદેશી રોકાણ વધ્યું, આયાત – નિકાસ સરળ બની, આઇ. ટી. અને સર્વિસ સેક્ટરમાં વિકાસ થયો જેણે નવી નોકરીઓ ઊભી કરી. ઉદ્યોગ સાહસિકોનો નવો વર્ગ ઊભો થયો. ભારતના ઉદ્યોગો હવે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવા સજ્જ હતા. જી. ડી.પી. નો વૃદ્ધિ દર આઠ ટકાને આંબી ગયો. આવક વધી, ટેક્સ ઘટ્યો, ચીજ વસ્તુઓ મળતી થઈ, પરિણામે ઘેર ઘેર ચાર પૈંડા, દરેક રજાઓમાં દેશ વિદેશના પ્રવાસો, લગ્ન પ્રસંગે  છૂટથી થતાં ખર્ચ, બે માંગો ત્યાં ચાર જોડી મળતાં કપડાં જેવી જીવનશૈલી મધ્યમ વર્ગ માટે પણ શક્ય બની. મધ્યમ વર્ગ માટે મનમોહનસિંહ આદરણીય બની રહ્યા. કોંગ્રેસના રાજકારણ સાથે ગમે તે વિખવાદ હોય પણ મધ્યમ વર્ગમાં ડૉ સિંહ પ્રત્યેનો આદર અકબંધ હતો. વળી, ઓક્સફર્ડમાં ભણેલા અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા અર્થશાસ્ત્રી દેશના વડા પ્રધાન બને એનું પણ મહત્ત્વ હતું. યુ.પી.એ. ની બીજી ટર્મ દરમ્યાન ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે ડૉ. સિંહની ટીકા એમના મૌનને લઈને થઈ પણ એમના ચરિત્રને લઈને કયારેય કોઈ સવાલ ઊઠ્યા નથી.

ડૉ. સિંહને આપણે ઉદારીકરણના પ્રણેતા તરીકે જાણીએ છીએ. એ સાથે એમના નેતૃત્વમાં લોકોના હકને સુનિશ્ચિત કરતા કાયદા પણ ઘડાયા. સમગ્ર વિશ્વમાં ૮૦ અને ૯૦ના દાયકામાં શરૂ થયેલ ઉદારીકરણની નીતિથી આર્થિક વૃદ્ધિ તો થઈ રહી હતી પણ આ વિકાસનાં ફળ સામાન્ય લોકો સુધી પહોંચી રહ્યાં ન હતાં. કદાચ એમ કહીએ કે અર્થતંત્રના છેવાડે રહેલા માણસે આર્થિક સંસાધનો પરનું નિયંત્રણ ગુમાવી ખાનગીકરણ અને ઉદારીકરણની નીતિને સફળ બનાવવા કિંમત ચૂકવી તો એ અતિશયોકિત નહિ ગણાય. અત્યારે જે વકરેલી આર્થિક અસમાનતા આપણે જોઈએ છીએ એની ઝડપ  આ અરસામાં જ વધી. વિકાસના નિર્દયી ચહેરાને પારખી યુ.એન. એ પણ ‘development with human face’ વાળી વાત કરી. આ ચિંતા ત્યારની ભારત સરકારની નીતિમાં પણ દેખાઈ. હવે ડૉ. સિંહ માત્ર નાણાં ખાતું સંભાળતાં ન હતાં પણ હવે તેઓ વડા પ્રધાન હોવાના નાતે દેશના દરેક નાગરિકની ચિંતા તેમના માથે હતી.

ડૉ. સિંહના  નેતૃત્વવાળી સરકારનાં પહેલાં પાંચ વર્ષમાં મહત્ત્વના કાયદા ઘડાયા.ગ્રામીણ રોજગારનો અધિકાર (૨૦૦૫),માહિતીનો અધિકાર (૨૦૦૫),નેશનલ રૂરલ હેલ્થ મિશન (૨૦૦૫), શિક્ષણનો અધિકાર (૨૦૦૯), અન્ન સુરક્ષા કાયદો (૨૦૧૩), જમીન સંપાદન કાયદામાં યોગ્ય વળતરનો અધિકાર (૨૦૧૩) જેવા કાયદા અમલમાં આવ્યા. આ ઉપરાંત લગભગ ૯૦ ટકા રોજગાર પૂરું પાડતાં અસંગઠિત ક્ષેત્રને કાયદાના રક્ષણમાં લાવવા ૨૦૦૪માં કમિશનની રચના થઈ તેમજ ૨૦૦૫માં મુસ્લિમ લઘુમતીની આર્થિક, સામાજિક અને શૈક્ષણિક પરિસ્થિતિ સમજવા સચર કમિટીની રચના થઈ. આ બંને કમિટીનું કામ દેશનું માળખું વધુ સર્વ સમાવિષ્ટ બને એ માટે યોગ્ય ભલામણ કરવાનું હતું. અત્રે નોંધવું રહ્યું કે આ કાયદા તેમજ ભલામણ લોકોને અધિકાર આપતા કાયદા છે, એમાં ‘રેવડી’ વહેંચવાની વાત નથી.

લોકોના બંધારણીય હકને સુનિશ્ચિત કરવા કાયદાકીય માળખું દૃઢ કરવાની વાત છે. આ કાયદાનો અમલ કેટલો અસરકારક રહ્યો એ અંગેનું સરવૈયું અને એ પાછળનાં કારણો અંગે અલગ ચર્ચા હોઈ શકે. આ જ સુધારાઓને આર્થિક વૃધ્ધિના દોડતા રથમાં વિઘ્ન તરીકે જોવામાં આવ્યા. ખાસ કરીને ઉદ્યોગપતિઓ તરફથી ટીકા ઊભી થઈ. વડા પ્રધાન તરીકેની બીજી ટર્મ દરમ્યાન ડૉ. સિંહની ઘણી સાચી અને ખોટી ટીકા થઈ. પણ, ૧૯૯૧થી શરૂ થયેલ આર્થિક નીતિએ દેશના આર્થિક વિકાસનો ચહેરો બદલી નાખ્યો એ માટેની એમની ભૂમિકા કોઈ નકારી શકે એમ નથી. આ ચહેરો કેટલો ગુડ, બેડ કે અગ્લી બન્યો છે એની વાત અત્રે અપ્રસ્તુત છે. પ્રસ્તુત છે તો ભારતને આર્થિક પાવર હાઉસ તરીકે ઓળખ અપાવનાર ડૉ સિંહનું યોગદાન.  ઇતિહાસ એની આદર સાથે નોંધ લેશે એ વાત ચોક્કસ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top