જીગ્નાનાં લગ્ન થયાં ત્યારથી તેને જાતને ભૂલીને સાસરા પક્ષની જવાબદારી નિભાવી ..સાસુનો પડ્યો બોલ ઝીલ્યો ..પતિની ઈચ્છા પ્રમાણે જીવી, બાળકો મોટાં કર્યાં, નણંદ અને દેરાણીનાં બાળકોનું પણ ધ્યાન રાખ્યું.સતત તેનું જીવન અને શરીર ઘર પાછળ વૈતરું કરવામાં જ ઘસાતું ચાલ્યું.પોતાનાં સપનાંઓ તો કયાં પાછળ છૂટી ગયાં અને પોતાની પસંદ શું છે તે તો તે ભૂલી જ ગઈ. વર્ષો બાદ તેની એક લેખિકા બહેનપણી તેને મળી.જીજ્ઞા પહેલાં તો તેને મળીને બહુ ખુશ થઇ ગઈ.લેખિકા દોસ્ત તેને હાથ પકડીને ખેંચીને આગ્રહ કરીને ઘરે લઇ ગઈ.
પહેલાં જીજ્ઞા ના પાડતી હતી પણ ઘરે જઈને બંને વાતોએ વળગ્યાં, મનનો ભાર ખાલી કરતાં તે તેની પાસે પોતાના જીવનની પરિસ્થિતિની વાત કરતાં રડવા લાગી. બોલી, ‘આમ તો જીવનમાં બધું જ છે ઘર ,વર ,બાળકો પણ છતાં મનનો આનંદ નથી અને દિલનો સંતોષ નથી.મન ભરીને મરજી મુજબ જીવાતું નથી અને એટલે કયારેય ખુશીનો અનુભવ થતો નથી.’ લેખિકા મિત્રે તેને શાંત પાડી, તેના માટે કોફી બનાવી અને પછી તેનો હાથ હાથમાં લઈને બોલી, ‘મારી દોસ્ત, તેં જીવનમાં તારી બધી જ ફરજ નિભાવી છે તે કાબિલેતારીફ છે.પણ દોસ્ત તારી એક જ ભૂલ થઈ છે!!!’ જીજ્ઞાએ પૂછ્યું, ‘મારી શું ભૂલ થઇ છે?’ લેખિકા દોસ્તે કહ્યું, ‘તારી ભૂલ એ થઇ છે કે તારા જીવનમાં સૌથી વધુ કિંમતી છે તેને ભૂલીને તેં બીજા બધાને જ મહત્ત્વ આપ્યું છે.’
જીજ્ઞા બોલી, ‘શું વાત કરે છે, જીવનમાં સૌથી મહત્ત્વનું ઘર, પરિવાર, પતિ અને બાળકો હોય અને મેં તેમને જ મહત્ત્વ આપ્યું છે.ડબલ ડીગ્રી જેટલું ભણેલી હોવા છતાં કયારેય કેરિયર પર ધ્યાન નથી આપ્યું અને તું કહે છે મેં ધ્યાન નથી આપ્યું ,ભૂલ કરી છે.આમ કેમ કહે છે?’ લેખિકા મિત્રે કહ્યું, ‘મારી દોસ્ત, શાંત થા.મેં કહ્યું તે સૌથી વધુ કિંમતી વસ્તુ પર ધ્યાન નથી આપ્યું અને યાદ રાખજે કે તારા માટે સૌથી વધુ કિંમતી તારી પોતાની જાત છે.તારો ઘર ,પરિવાર ,પતિ, બાળકો, કેરિયર, બધું જ પછી આવે છે.તારે સૌથી પહેલાં પોતાના પર ધ્યાન આપવાની અને ઇન્વેસ્ટ કરવાની જરૂર છે.
આટલાં વર્ષોમાં તું પોતાની જાતને તો સાવ ભૂલી જ ગઈ છે.તેં પોતાની ઇચ્છાઓ ,શોખ ,નવું શીખવું વગેરે જે તને ખુશી આપે તેવી કોઈ બાબત પર ધ્યાન આપ્યું જ નથી.તું તારી જાતનું મહત્ત્વ સમજ ..તેની પર ધ્યાન આપ ..તારી પસંદને મહત્ત્વ આપ ..તારા શોખને જીવંત કર …તો તું ખુશ રહીશ અને જો તું ખુશ રહીશ તો આપોઆપ તારી સાથે જોડાયેલાં બધાને ખુશ રાખી શકીશ.આજથી ભૂલતી નહિ કે તારા માટે સૌથી કિંમતી મિલકત તું પોતે છે.’ લેખિકા મિત્રે દોસ્તને સાચો રાહ દેખાડ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.