એક ‘લાઈફ લિવિંગ સ્ટાઇલ’ત્રણ દિવસના સેમિનારનો છેલ્લો દિવસ હતો. છેલ્લા દિવસે છેલ્લા સ્પીકર ઊભા થયા. તેઓ કયા વિષય પર વાત કરશે તે જાહેર કરવામાં આવ્યું જ ન હતું. સ્પીકરે બોલવાનું શરૂ કર્યું ત્યારે તેમણે પણ શરૂઆત કરી પણ વિષય વિષે કંઈ કહ્યું નહિ. તેમણે કહ્યું, ‘આ ‘લાઈફ લિવિંગ સ્ટાઇલ’સેમીનારમાં છેલ્લા ત્રણ દિવસથી તમે લાઈફ સ્ટાઈલ અને લાઈફ વિષે ઘણું જાણ્યું, ઘણું સમજ્યા, ઘણું નવું જોયું. હવે તમારે હું જે પ્રશ્ન પૂછીશ તેનો તરત જ મનમાં આવે તે જવાબ એક જ શબ્દમાં આ સામે પડેલી પિંક ચિટ પર લખવાનો છે પછી આગળ વાત કરીશું. ચાલો,શરૂ કરીએ.’ બધા પિંક પેપર ચિટ અને પેન લઈને સવાલ સાંભળવા તૈયાર થઈ ગયા.
સ્પીકરે સવાલ પૂછ્યો, ‘તમને મનગમતું શું?’ આટલો નાનો પ્રશ્ન! સાંભળીને નવાઈ લાગી પણ વિચારવાનો સમય જ કયાં હતો, તરત જે મનમાં આવે તે જવાબ લખવાનો હતો. બધાએ તરત એક શબ્દ પિંક ચિટમાં લખ્યો અને બધી ચિટ કલેક્ટ કરી સ્પીકરને આપવામાં આવી. સ્પીકર બોલ્યા, ‘આ બાઉલમાં દરેક ચિટ્ઠીમાં મારા સવાલનો તમે બધાએ લખેલો જવાબ છે. મને ખબર નથી, કોણે કયો જવાબ લખ્યો છે પણ તમને ખબર છે તમે શું લખ્યું છે.’આટલું કહીને સ્પીકરે એક પછી એક ચિઠ્ઠી ખોલી જવાબ વાંચવા માંડ્યા.
તમને મનગમતું શું? સવાલના જવાબ જૂદા જૂદા હતા.સ્માઈલ, મિત્રો, મમ્મી, નાની બહેન, ઊંઘવું, હસવું, કિસ, પ્રેમ, ક્રિકેટ, આઈસ્ક્રીમ, બુક્સ, પેન્ટિંગ, યાદો, પહેલી પેન, મસ્તી, ગરમ ચા, ચાલવું, જાદુની ઝપ્પી, ક્લીનિંગ, કુકિંગ, કાર, દરિયાકિનારો, ફૂલ, વરસાદ, મારું ઘર, મારો હીંચકો વગેરે વગેરે. સ્પીકરે ધીરજ સાથે બધાના જ જવાબ વાંચ્યા પછી બોલ્યા, ‘તમે બધાએ મારા સવાલનો એક જવાબ લખ્યો અને મેં તે સવાલના તમારા બધાના જવાબ વાંચ્યા અને તમે સાંભળ્યા.
કોઈ જવાબ સાચો કે ખોટો નથી. હવે જો તમે ધ્યાનથી સાંભળ્યા હશે તો બહુ ઓછા જવાબમાં કોઈ ડાઈમન્ડ, કાર, બંગલો, ઘરેણાં જેવી બહુ મોંઘી વસ્તુ છે. મોટા ભાગના જવાબમાં મનની લાગણી જેની સાથે જોડાયેલી હોય તેવી વસ્તુ કે વ્યક્તિ છે કે પછી જે કરવામાં બહુ આનંદ આવતો હોય તેવી પ્રવૃત્તિ છે અને આ તમારા જવાબોમાં જ જીવન જીવવાની રીત છુપાયેલી છે કે પૈસા અને પૈસાથી મેળવાતી મોંઘી વસ્તુઓ પાછળ ન દોડો અને તમને જે ગમતું હોય તે પ્રવૃત્તિઓ કરો. જેમની સાથે લાગણીઓ જોડાયેલી હોય તેમની સાથે વધારે સમય ગુજારો. આ જ સાચી જીવન જીવવાની રીત છે. તાળીઓ સાથે બધાએ સ્પીકરની વાત વધાવી લીધી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.