સુરત (Surat): સુરતમાં ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે. અહીં નાના ભાઈએ ઝઘડામાં મોટા ભાઈને તમાચો મારતા મોટા ભાઈનું (Younger Brother Slap Elder Brother) મોત (Murder) થયું છે. પોલીસે નાના ભાઈ સામે મનુષ્ય વધનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ ઘટના સુરતના લિંબાયત વિસ્તારની છે. અહીં મૂળ તેલંગાણાનો પરિવાર રહે છે. અહીંના ગોડાદરા દેવદ ગામ ખાતે ઈડબ્લ્યુ આવાસમાં રહેતા લતાબેન શિવકુમાર સુદર્શન મેરુગુનીએ પોતાના દિયર વિજયકુમાર સામે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. લતાબેને પોલીસને ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, તેમના સસરાના નામે એકતાનગર પર્વત ગામ ખાતે એક મકાન આવેલું છે. આ મકાન તેમના દિયર વિજયકુમારે વેચી નાંખ્યું હતું અને રૂપિયા વાપરી નાંખ્યા હતા. આ ઉપરાંત દિયર વિજયકુમાર ગોકુલ નગરમાં આવેલું મકાન પણ વેચી નાંખવા માગતો હતો. જે અંગે લતાબેનના પતિ અને વિજયકુમારના મોટા ભાઈ શિવકુમારને ખબર પડી હતી.
આથી શિવકુમાર ગઈ તા. 3જી ડિસેમ્બરની રાત્રિના 8.30 કલાકે નાના ભાઈ વિજયકુમારને મળવા ગયો હતો. અહીં બંને વચ્ચે મકાન વેચવા બાબતે ઝઘડો થયો હતો. ત્યારે ગુસ્સે ભરાયેલા વિજયુકમારે મોટા ભાઈ શિવકુમારને તમાચો માર્યો હતો. જેના લીધે શિવકુમાર રસ્તા પર મુકેલી દાણાચણાની લારી સાથે ભટકાયો હતો. લારી સાથે શિવકુમારનું માથું અથડાયું હતું, જેના લીધે તેને ગંભીર ઈજા થઈ હતી. શિવકુમારનું આ ઈજાના લીધે મોત નિપજ્યું હતું. આ ઘટના બન્યા બાદ શિવકુમારની પત્ની લતાબેને દિયર વિજયકુમાર વિરુદ્ધ હત્યાની ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે
પલસાણા ખાતે ટેમ્પો અકસ્માતમાં વિદ્યાર્થીનીનું મોત
સુરત: પલસાણા તાલુકાના હલધરુ ગામમાં રહેતી દીક્ષાકુમારી ચકોરભાઈ દેશપાંડે (ઉં.વ. 19)નું શુક્રવારે સાંજે પલસાણા ખાતે ટેમ્પો અકસ્માતમાં મોત નિપજ્યું છે. ઉકા તરસાડિયા યુનિવર્સિટીમાં બી.કોમનો અભ્યાસ કરતી દીક્ષા શુક્રવારે સાંજે 4 વાગ્યાના સુમારે પોતાના મોપેડ પર ઘરે પરત આવતી હતી ત્યારે હલધરું પાટિયા પાસે મેઈન રોડ પર મહિન્દ્રા પીકઅપ ટેમ્પો (જીજે-21-ટી-3527)ના ચાલકે ટક્કર મારતા દીક્ષાને માથાના ભાગે ગંભીર ઈજા થઈહતી. 108માં તેને હોસ્પિટલ લઈ જવાય તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું. ટેમ્પોચાલક ટેમ્પો મુકી ભાગી ગયો હતો.
.