શહેરના પાંડેસરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં આશાપુરી ખાડી બ્રિજ પાસેથી એક યુવકનો લટકતો મૃતદેહ મળ્યો છે. યુવકની કોઈએ હત્યા કરી કે તેણે આત્મહત્યા કરી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ મોકલાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાંડેસરામાં પરિવાર સાથે રહેતા સંતોષ રાવની ડેડબોડી આશાપુરી ખાડી બ્રિજ પર લટકતી હાલતમાં મળી છે. મૃતદેહ જોઈ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહ બહાર કાઢવા ફાયર બ્રિગેડને બોલાવી હતી.
મજૂરા ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર કાંતિભાઈએ જણાવ્યું હતું કે કંટ્રોલ રૂમ તરફથી કોલ મળતા ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢી પાંડેસરા પોલીસને સોંપ્યો હતો. મૃતદેહ જે દોરી સાથે લટકી રહ્યો હતો એ દોરીથી જ બહાર કાઢવામાં આવ્યો છે.
મૃતદેહ બહાર કાઢ્યા બાદ પોલીસે તે પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ મોકલ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે મૃતકનું નામ સંતોષ રાવ હતું. તેના પરિવારમાં પત્ની અને સાત દીકરી છે. સંતોષ ગેસ કંપનીમાં સિલિન્ડર લેવા-મુકવાનું કામ કરતો હતો.
પત્ની સાથે ઝઘડો થયો હતો
મૃતક સંતોષના સંબંધી મુન્નાના જણાવ્યા મુજબ સંતોષને તેના મિત્રોએ દારૂ પીવડાવી તેની પાસેના રૂપિયા લઈ લીધા હતા. તેથી તે રસ્તા પર આવી ગયો હતો. પાંચ દિવસથી પત્ની સાથે તેને ઝઘડો થઈ રહ્યો હતો. પગારના રૂપિયા મામલે પત્ની સાથે ઝઘડો થયો હતો.
હાલ મૃત્યુનું કારણ સ્પષ્ટ નથી. આ હત્યા છે કે આત્મહત્યા એ અંગે રહસ્ય સર્જાયું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે. પાંડેસરા પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને તમામ પાસાંને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી રહી છે.