વડોદરા : આજવા રોડ પર રહેતા ત્રણ સંતાનોના પિતા કમાટીબાગ ખાતે મોર્નિંગવોક કર્યા બાદ ઘરે પરત ફરતી વેળાએ કોઠી ચાર રસ્તા પાસે તેમને અકસ્માત નડ્યો હતો. કારની અડફેટે સયાજી હોસ્પિટલના બિછાને ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.મૃતકના ભાઈની ફરિયાદને આધારે રાવપુરા પોલીસે કાર ચાલક જીઆઈડીસીની ખાનગી કંપનીના મેનેજરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. શહેરના આજવા રોડ પર આવેલ ધનાની પાર્ક,મેમણ કોલોનીમાં રહેતા 46 વર્ષીય ઈકબાલ યુસુફભાઈ મેમણ નિત્યક્રમ મુજબ કમાટીબાગ ખાતે મોર્નિંગવોક કરવા માટે ગયા હતા.જ્યાં મોર્નિંગવોક કર્યા બાદ પોતાની બાઈક પર પરત ઘરે જઈ રહ્યા હતા.દરમિયાન રાવપુરા કોઠી ચાર રસ્તા એક કારના ચાલકે તેઓને અડફેટે લેતા ઈકબાલભાઈ રોડ પર બાઈક ફંગોડાયા હતા.અકસ્માતને પગલે સ્થળે લોકટોળા એકત્ર થયા હતા.અને તુરત 108 એમ્બ્યુલયન્સ મારફતે સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા.ગંભીર ઈજા પહોંચતા ઈકબાલભાઈનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.
દરમિયાન બનાવની જાણ થતાં રાવપુરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી.પોલીસે તપાસ કરતા કાર ચાલક રહે,વેમાલી, જીઆઈડીસીની એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકેની ફરજ બજાવતો નિશાંત પટેલ હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. બીજી તરફ અકસ્માતમાં મોતને ભેટેલા ઈકબાલભાઈના પરિવારજનોને જાણ કરતા તેમના મોટાભાઈ સલીમભાઈ સાથે પરિવારના સભ્યો સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ઘેરા શોકમાં ગરકાવ બન્યા હતા. મૃતકના મોટાભાઈ સલીમભાઈએ જણાવ્યું હતું કે ઈકબાલ આજવા રોડ પર મોબાઈલ એસેસરીઝની દુકાન ધરાવે છે અને તેને સંતાનમાં ત્રણ બાળકો અને પત્નિ છે. મહિનામાં અમારા પરિવારમાં આ ત્રીજા મોતના બનાવથી સમગ્ર પરિવારમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે.