વડોદરા: શહેરમાં માતેલા સાંઢની જેમ વાહનો દોડે છે અને કેટલાય જીવલેણ અકસ્માતો થતા જોવા મળે છે.સ્કૂટર અને બાઈક ચાલક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત થયું હતું. પુત્ર અને પત્નીને મળવા જઈ રહેલા પિતાને કાળ ભરખી જતા પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં દીપિકા ગાર્ડન પાસે ખાનગી સ્કૂલના સફાઈ કામદારને સ્કૂટરચાલકે ટક્કર મારતાં તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.યુવક સમા ખાતેના આવેલા પોતાના ઘેરથી વારસિયા ખાતે સાસરીમાં પત્ની અને પુત્રને મળવા જઇ રહ્યા હતા.ત્યારે આ અકસ્માત થયો હતો. સમા વિસ્તારમાં જવાહર ફળિયામાં રહેતા નિલેશભાઈ રાજેશભાઈ સોલંકીની પત્નીએ એક મહિના પહેલાં જ પુત્રને જન્મ આપ્યો હતો.જેથી વારસિયામાં પિયરમાં ગયેલી પત્ની અને પુત્રની ખબર જોવા માટે નિલેશભાઈ બાઈક પર સમાથી વારસિયા જઈ રહ્યા હતા.સમયે સ્કૂટરચાલકે બાઇકને ટક્કર મારતાં યુવકને ગંભીર ઇજાઓ થઈ હતી અને તે લોહીલુહાણ થઈ ગયો હતો. જેથી ગંભીર હાલતમાં નિલેશ સોલંકીને સયાજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતા. તેઓ પ્રતાપનગરની ખાનગી સ્કૂલમાં સફાઈ કામદાર હતા, તેવું પોલીસની તપાસમાં આવ્યું છે. કારેલીબાગ પોલીસે અકસ્માતને લઈને તપાસ હાથ ધરી છે. પોલીસે સ્કૂટરચાલકની પણ શોધખોળ શરૂ કરી છે.