બીલીમોરા : બીલીમોરાના યુવકે યુવતી સાથે મિત્રતા કેળવી તેની પાસે શીપમાં નોકરી કરવા જવાનું હોવાથી પૈસાની જરૂર હોય તેને ભોળવી રૂપિયા 3.40 લાખ લીધા હતાં. જે રૂપિયા યુવતીએ પરત માંગતા યુવકે પૈસા માંગશે તો તેના અંગત ફોટો વાઇરલ કરી દેવાની ધમકી આપી બદનામ કરવાની ધમકી આપતા યુવતીએ બીલીમોરા પોલીસમાં ફરિયાદ કરી છે.
- મિત્રતામાં આપેલા ઉછીના નાણા પરત માંગતા અંગત ફોટો વાઇરલ કરી દેવાની યુવતીને ધમકી
- બીલીમોરાના યુવકે મરી જવાની ધમકી આપી યુવતીના અંગત ફોટો વીડિયો મંગાવી ખેલ કર્યો
- યુવતીએ ટુકડે ટુકડે અન્ય લોકો પાસેથી માંગી માંગીને રૂપિયા 3.48 લાખ આપ્યા હતા
- ફોટા બીજાને બતાવી દઈ સમાજમા બદનામ કરવાની ધમકી આપનાર યુવાન સામે ફરિયાદ
પ્રાપ્ત વિગતો અનુસાર બીલીમોરાની યુવતીને સોશિયલ મીડિયા દ્વારા જીત અશોકભાઈ મિસ્ત્રી (રહે.બીલીમોરા) સાથે મિત્રતા થઈ હતી. જે બાદ તેઓ બંને સોશિયલ મીડિયા મારફત અવારનવાર વીડિઓ કોલ અને મેસેજ પર વાતચીત કરતાં બંને વચ્ચે ગાઢ મિત્રતા થઈ હતી. વાતચીત દરમિયાન જીતે યુવતીના અંગત ફોટો માંગતા યુવતીએ ના પાડતા જીતે યુવતીને મરી જવાની ધમકી આપતા યુવતીએ વાતોમાં આવી જઈ તેના અંગત ફોટો વીડિયો જીતને મોકલ્યા હતાં.
જોકે બાદમાં તેણે ડીલીટ કરી દેવાનો ડોળ કર્યો હતો. જીતે યુવતીને શીપમાં નોકરી માટે જવાનુ છે જે માટે તેને પૈસાની જરૂર હોય યુવતીએ પાછા આપવાની શરતે ટુકડે ટુકડે જીતને અન્ય લોકો પાસેથી માંગી માંગીને રૂપિયા 3.48 લાખ આપ્યા હતા. થોડા સમય બાદ યુવતીએ રૂપિયા પરત માંગ્યા હતા. પરંતુ જીત યેનકેન પ્રકારે રૂપિયા આપવાનું ટાળી રહ્યો હતો. આ બાબતની જાણ યુવતીના પરિવારને થતાં તેમણે પણ જીતના પરિવાર પાસે પૈસાની માંગણી કરી હતી. પરંતુ તેમણે પણ જીત શુ કરે છે તે અમને ખબર ન હોવાનું જણાવ્યું હતું.
વારંવાર પૈસાની માંગણી કરતાં જીતે આ યુવતીએ તેને મોકલેલા અંગત ફોટા બીજાને બતાવી દેવાની અને યુવતીને સમાજમાં બદનામ કરવાની ધમકી આપતા યુવતીએ બીલીમોરા પોલીસમાં જીત મિસ્ત્રી સામે રૂપિયા 3.48 લાખ લઇ જઇ ફોટા બીજાને બતાવી દઈ સમાજમા બદનામ કરવાની ધમકી આપી થાય તે કરી લેવાની ધમકી આપવાની ફરિયાદ કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.