ભારતમાં વેશ્યા ગૃહો કે સ્પા પર દરોડા પાડવામાં આવે ત્યારે ઘણી વખત સમાચાર આવે છે કે તેમાંથી રશિયન મહિલાઓ પકડાઈ હતી, જેઓ ભારતનાં ઘણાં શહેરોમાં રહીને વેશ્યા વ્યવસાય કરતી નજરે પડે છે. જાણકારો કહે છે કે મોટા ભાગના કિસ્સાઓમાં આ મહિલાઓ રશિયાની નથી હોતી પણ ઉઝબેકિસ્તાનની હોય છે. ઉઝબેકિસ્તાન ૧૯૯૧ પહેલાં રશિયાના શાસન હેઠળ હતું. ઉઝબેકિસ્તાન ગરીબી સામે ઝઝૂમી રહ્યું છે. તેને એશિયાનો સૌથી સસ્તો દેશ કહેવામાં આવે છે. અહીંથી છોકરીઓ સારા ભવિષ્ય અને સારી નોકરીની લાલચમાં ભારત આવે છે.
મોટા ભાગની છોકરીઓને દુબઈ કે દિલ્હીમાં નોકરી અપાવવાના બહાને બોલાવવામાં આવે છે. પછી અહીં તેમને વારંવાર દલાલોને વેચવામાં આવે છે. તેમને વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવામાં આવે છે. વેશ્યાવૃત્તિમાં ધકેલી દીધા પછી આ છોકરીઓને રશિયન દેખાવ અપનાવવાનું દબાણ કરવામાં આવે છે, જેથી તેઓ વધુ ગ્રાહકો મેળવી શકે અને વધુ પૈસા કમાઈ શકે. એટલું જ નહીં, ઉઝબેકિસ્તાનની છોકરીઓને સર્જરી પણ કરાવવામાં આવે છે. સર્જરી દ્વારા તેમને રશિયન દેખાવ આપવામાં આવે છે. રશિયન દેખાવ ધરાવતી છોકરીઓને ભારતમાં ચાર ગણા પૈસા મળે છે.
દર વર્ષે માનવ તસ્કરો નોકરીનું વચન આપીને મધ્ય એશિયાથી સેંકડો છોકરીઓને નેપાળ થઈને ભારતમાં લાવે છે અને તેમને દેહવ્યાપારમાં ધકેલી દે છે. આ છોકરીઓ બિહારથી વિઝા વિના પ્રવેશ કરે છે અને દિલ્હી પહોંચે છે. આ પછી તેમને દિલ્હી અને અન્ય મોટા શહેરોમાં સેક્સ વર્ક કરવા માટે મજબૂર કરવામાં આવે છે. ઘણી છોકરીઓને મેડિકલ વિઝા અને ટુરિસ્ટ વિઝા પર પણ લાવવામાં આવે છે.
મધ્ય એશિયાથી તસ્કરી કરાયેલી છોકરીઓ સામે એક મોટો પડકાર એ હોય છે કે તેઓ ન તો સ્થાનિક ભાષા જાણતી હોય છે અને ન તો તેઓ અહીં કોઈને ઓળખતી હોય છે. માનવ તસ્કરીનો ભોગ બનતી મોટા ભાગની છોકરીઓ ફોરેનર્સ એક્ટ હેઠળના કેસોમાં ફસાયેલી હોય છે. ટ્રાફિકિંગનો ભોગ બનતી છોકરીઓ તરીકે તેમને દેશ છોડવા પર પ્રતિબંધ નથી, પરંતુ ફોરેનર્સ એક્ટ હેઠળ આરોપી હોવાને કારણે તેઓ ટ્રાયલ પૂર્ણ થાય તે પહેલાં કાયદેસર રીતે ભારત છોડી શકતી નથી. માનવ તસ્કરી કરનારા તેમની મજબૂરીનો ફાયદો ઉઠાવતા હોય છે.
થોડા દિવસ પહેલાં પોલીસે લખનૌના સુશાંત ગોલ્ફ સિટી વિસ્તારમાં સ્થિત ન્યૂ હઝરતગંજ એપાર્ટમેન્ટના રૂમ નંબર ૫૨૭માંથી બે છોકરીઓને પકડી હતી. બંને છોકરીઓ ઉઝબેકિસ્તાનની હતી. તેમનાં નામ હોલિડા અને નિલોફર જણાવવામાં આવ્યાં હતાં. આ જગ્યા પર પ્લાસ્ટિક સર્જરી કરનારા ડૉક્ટર વિવેક ગુપ્તા દ્વારા ક્લિનિકલ સેન્ટર ચાલતું હતું. પૂછપરછ દરમિયાન બંને છોકરીઓએ ખુલાસો કર્યો કે તેઓ રશિયન દેખાવ મેળવવા માટે ડૉ. વિવેક ગુપ્તા પાસે આવી હતી.
તેમણે સર્જરી માટે પૈસા ચૂકવ્યા હતા. પછી ખબર પડી કે થોડા દિવસો પહેલાં થાઈલેન્ડમાં ડૉ. વિવેક ગુપ્તા લોલા કાયુમોવા નામની ઉઝબેક મહિલાને મળ્યા હતા. ત્યાર બાદ લોલા લખનૌ આવી હતી. બે વર્ષ પહેલાં લોલાએ જ હોલિડા અને નિલોફરને લખનૌ બોલાવ્યા હતા. બંને છોકરીઓએ જણાવ્યું કે તેમના પાસપોર્ટ અને વિઝા સંબંધિત દસ્તાવેજો ખોવાઈ ગયા છે. બંને છોકરીઓ નોકરીની લાલચમાં ઉઝબેકિસ્તાનથી ભારત આવી હતી અને અહીં વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવામાં આવી હતી.
પોતાની કરમકહાણી વર્ણવતા છોકરીએ કહ્યું કે ગર્ભવતી હોવા છતાં મને લુધિયાણાના એક ગ્રાહક પાસે મોકલવામાં આવી હતી. જ્યારે મને લોહી નીકળવા લાગ્યું, ત્યારે મને ગર્ભપાત કરાવવા માટે દબાણ કરવામાં આવ્યું. તપાસમાં જાણવા મળ્યું કે ઉઝબેકિસ્તાનની છોકરીઓને ભારતમાં લાવીને વેશ્યા બનાવનારી ગેંગની લીડર લોલા કાયુમોવા છે. તે હાલમાં ફરાર છે. મૂળ ઉઝબેકિસ્તાનમાં રહેતી લોલાએ પ્લાસ્ટિક સર્જરી દ્વારા પોતાનો દેખાવ પણ બદલ્યો છે. હવે તે બિલકુલ રશિયન મહિલા જેવી દેખાય છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેના નેટવર્કમાં ૫૦ થી વધુ ઉઝબેક છોકરીઓ છે. તેનો પાસપોર્ટ અને આધાર કાર્ડ પણ મળી આવ્યું છે.
હોલિડા અને નિલોફર જેવી જ કહાણી દિલ્હીમાં રહેતી અફરોઝા જેવી સંખ્યાબંધ યુવતીઓની પણ છે. મૂળ ઉઝબેકિસ્તાનના અંદિજાનની રહેવાસી અફરોઝા જાન્યુઆરી ૨૦૨૨માં અન્ય યુવતીઓ સાથે દિલ્હી પહોંચી હતી. માનવ તસ્કરો તેને દુબઈ-નેપાળ થઈને દિલ્હી લાવ્યા હતા. અહીં તેમને અલગ અલગ ફ્લેટ અને હોટેલમાં રાખવામાં આવ્યા હતા અને તેમને દેહવ્યાપાર કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. દિલ્હી પોલીસ અને એમ્પાવરિંગ હ્યુમેનિટી દ્વારા ચલાવવામાં આવેલા અભિયાન બાદ ઓગસ્ટ ૨૦૨૨ માં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.
ત્યારથી અફરોઝા એક NGO ની દેખરેખ હેઠળ રહે છે અને યુવતીઓને ઉઝબેકિસ્તાનથી દિલ્હી લાવનારા માનવ તસ્કરો સામે કાનૂની લડાઈ લડી રહી છે. અફરોઝા કહે છે કે ‘‘જ્યારે મને અહીં લાવવામાં આવી ત્યારે પાંચ છોકરીઓ પહેલેથી જ અહીં હતી. મને ઉઝબેકિસ્તાનથી દુબઈ, પછી ત્યાંથી નેપાળ અને પછી રોડ માર્ગે દિલ્હી લઈ જવામાં આવી હતી. મને ખરીદી માટે લઈ જવામાં આવી હતી અને ભેટ તરીકે ટૂંકાં કપડાં આપવામાં આવ્યાં હતાં. બે દિવસ પછી મને દેહવ્યાપાર કરવાની ફરજ પાડવામાં આવી હતી. જ્યારે મેં ના પાડી ત્યારે મને માર મારવામાં આવ્યો હતો.’’
કોર્ટ સમક્ષ આપેલાં નિવેદન મુજબ અફરોઝાનો સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેને દુબઈમાં નોકરીની ઓફર કરવામાં આવી હતી. માનવ તસ્કરો તેની બીમાર માતા અને પરિવારની નબળી આર્થિક સ્થિતિથી વાકેફ હતા. અફરોઝા કહે છે કે મેં દુબઈમાં નોકરીની ઓફર સ્વીકારી હતી. હું દિલ્હી પહોંચી ત્યાં સુધી મને ખબર નહોતી કે મને આ નોકરી માટે અહીં લાવવામાં આવી છે. જો મને સહેજ પણ ખ્યાલ હોત, તો હું ક્યારેય ન આવી હોત. ઓગસ્ટ ૨૦૨૨માં દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલા કડક કાર્યવાહી બાદ અફરોઝાને ભારત લાવનાર માનવ તસ્કર અઝીઝા શેર ભાગી ગઈ હતી.
લાંબી કાર્યવાહી બાદ દિલ્હી પોલીસે મૂળ તુર્કમેનિસ્તાનની રહેવાસી અઝીઝા શેર અને તેનાં અફઘાન મૂળના પતિ શેરગેટ અફઘાનની ગોવાથી ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં અઝીઝાનાં અન્ય ઘણાં નામો પર બનાવેલા ભારતીય ઓળખ કાર્ડ અને બેંક ખાતાંઓ પણ બહાર આવ્યા છે. ગેરકાયદેસર દેહવ્યાપારનો ધંધો કરતી અફરોઝા જેવી ઘણી મહિલાઓનું શોષણ દલાલો અને માનવ તસ્કરોના સંગઠિત નેટવર્ક દ્વારા ચલાવવામાં આવે છે. માનવ તસ્કરી સામે કામ કરતાં કાર્યકર હેમંત શર્મા પ્રશ્ન ઉઠાવે છે કે આ એક મોટો પ્રશ્ન છે કે ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા અને વિઝા સમાપ્ત થયા પછી પણ રહેવા છતાં તેઓ પોલીસ અને તપાસ એજન્સીઓની નજરથી કેવી રીતે દૂર રહે છે?
અફરોઝા અઝીઝાનો એકમાત્ર શિકાર નથી. તેનાં જેવી બીજી ઘણી છોકરીઓને અઝીઝાની ચુંગાલમાંથી છોડાવવામાં આવી હતી. તહમીના પણ તેમાંથી એક છે. ૨૦૨૦માં દિલ્હી આવેલી તેહમીનાને પણ નોકરીની લાલચ આપવામાં આવી હતી. પરંતુ અહીં પહોંચ્યા પછી તેને પણ દેહવ્યાપારમાં ધકેલી દેવામાં આવી હતી. તેહમીનાનો એક વીડિયો પણ દિલ્હી પોલીસની તપાસનો ભાગ છે. આ વીડિયોમાં તેહમીનાને ખરાબ રીતે મારવામાં આવી રહી છે. આ વીડિયો ઓગસ્ટ ૨૦૨૨ પહેલાંનો છે અને પોલીસ તપાસ દરમિયાન તે પ્રકાશમાં આવ્યો હતો. તેહમીના હાલમાં ગુરુગ્રામ કોર્ટમાં ફોરેનર્સ એક્ટ હેઠળ કેસનો સામનો કરી રહી છે. તેણીનો દાવો છે કે આ કેસ તેના દલાલ દ્વારા તેનાં પર દાખલ કરવામાં આવ્યો હતો જેથી તે ભારતમાં અટવાઈ રહે.
તહમીના અને અફરોઝા જેવી છોકરીઓને ઘણીવાર દિવસમાં ૬ થી ૯ ગ્રાહકો પાસે જવાની ફરજ પાડવામાં આવતી હતી. દાણચોરો અને દલાલોની ડાયરીઓનાં પાનાંમાં આ છોકરીઓ દ્વારા કરવામાં આવતાં કામ અને લાખોની દૈનિક કમાણીની વિગતો પણ છે. આ છોકરીઓ કહે છે કે તેમને આ કમાણીનો હિસ્સો મળતો નથી, બલ્કે દાણચોરો અને દલાલો તેમનાં પર નકલી લોન લાદતા રહે છે. આ દરમિયાન અફરોઝા અને તહમીના ઉઝબેકિસ્તાન પાછા ફરવાની રાહ જોઈ રહ્યાં છે. તહમીના કહે છે કે મારાં દેશમાં પહોંચતાની સાથે જ હું સૌથી પહેલું કામ મારાં દેશની માટીને ચુંબન કરવાનું કરીશ અને ક્યારેય મારો દેશ નહીં છોડવાના શપથ લઈશ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.