સુરતમાં શુક્રવારે સમી સાંજે એક આઘાતજનક ઘટના બની. 28 વર્ષની યુવાન ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરે સરથાણામાં નવમાં માળના કેફેમાંથી નીચે પડતું મુક્યું હતું. જમીન પર પટકાતાં વેંત જ યુવાન મહિલા તબીબનું પ્રાણપંખેરૂં ઉડી ગયું હતું. આ ઘટનાએ વરાછા, સરથાણામાં ચકચાર જગાવી છે. સૌ કોઈના મુખે એક જ સવાલ છે કે યુવાન મહિલા તબીબ પર આ રીતે છેલ્લું પગલું ભરવાની શું મજબૂરી આવી પડી હતી.
શુક્રવારે તા. 21 નવેમ્બરની સાંજે 7.15 કલાકે સરથાણાના શોપિંગ કોમ્પલેક્સમાં નવમાં માળે આવેલા ચાય પાર્ટનર કેફેમાંથી 28 વર્ષીય ફિઝિયોથેરાપી ડોક્ટર રાધિકાએ પડતું મુક્યું હતું. રાધિકાના બે મહિના બાદ લગ્ન થવાના હતા. કહેવાય છે કે આ કેફેમાં રાધિકા પોતાના મંગેતર સાથે અવારનવાર આવી હતી. શુક્રવારે તેણી એકલી આવી હતી. ચા પીધા બાદ અચાનક તેણે કૂદકો માર્યો હતો.
પોલીસ ચોપડે અકસ્માત મોત તરીકે નોંધાયેલી આ ઘટનાએ સમાજને હચમચાવી મુક્યો છે. તેની પાછળ એક કારણ એ પણ છે કે યુવાન તબીબના થોડા જ મહિનાઓમાં લગ્ન હતા. દીકરીના હાથ પર મહેંદી લગાડવાની તૈયારી કરતા માતા-પિતા દીકરીનું લોહીલુહાણ શરીર જોઈ અંદરથી તૂટી ગયા હતા.
રત્નકલાકાર પિતા ભાંગી પડ્યા
ડો. રાધિકાના પિતા જમનભાઈ કોટડીયા રત્નકલાકાર છે. ટૂંકી આવકમાં પિતાએ પેટે પાટું મારી દીકરીને ડોક્ટર બનાવી. રાધિકા સરથાણામાં જ પોતાનું ફિઝિયોથેરાપી ક્લિનિક ચલાવતી હતી. આ પરિવાર મૂળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી ભેગડી ગામનો છે. પરિવાર શ્યામધામ મંદિર પાસે વિશ્વા રેસિડેન્સીમાં રહે છે. રાધિકાને એક નાનો ભાઈ પણ છે.
વોટ્સએપ ચેટથી થયો ચોંકાવનારો ખુલાસો
રાધિકાની 6 મહિના પહેલાં સગાઈ થઈ હતી અને બે મહિના બાદ લગ્ન થવાના હતા. તે લગ્ન માટે ઉત્સુક હતી. તે ખુશ હતી. તેથી એકાએક આત્યાંતિક પગલું લેવાનું કોઈ કારણ જણાતું નહોતું. જોકે, તપાસ દરમિયાન રાધિકાના મોબાઈલમાં વોટ્સએપ ચેક કરતા એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થયા હતા.
રાધિકાએ પોતાના મંગેતરને વોટ્સએપ પર મેસેજમાં લખ્યું હતું કે, નાની..નાની બાબત વિશે પેરેન્ટ્સને ન કહેવાય.. આ ઉપરાંત બંને વચ્ચે અનેક મેસેજની આપ-લે થઈ હતી. જે મેસેજો પરથી એવું ચિત્ર ઉપસ્યું છે કે ડો. રાધિકા અને તેના મંગેતર વચ્ચે કેટલાંક સમયથી કશુંક બરાબર નહોતું. બંને વચ્ચે કોઈક વાતે તણાવ ચાલી રહ્યો હતો. જે કદાચ આ દુઃખદ ઘટનાનું મૂળ કારણ બન્યો હોઈ શકે છે. પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.