અઢી હજાર વર્ષ પહેલાની વાત છે. ગ્રીસના નગર રાજ્ય એથેન્સના ચોકમાં હજારો લોકો એકત્ર થયા છે. સરમુખત્યાર બનવાની દિશામાં પગલાં પાડતો હોવાનો જેની સામે આરોપ હતો, ક્રેટાટલ નામના અગ્રણી સામે લોકો મતદાન કરતા હતા. દરેકના હાથમાં એ ઓસ્ટ્રાકોન હતું. ઓસ્ટ્રાકોન એટસ્ટીમાના વાસણનો ટૂકડો. કાગળના મતપત્રક કોઇને પોષાય તેમ ન હતા. કાગળ જે છોડના રસમાંથી બનતો તે પેપીરસ ઇજિપ્તથી મંગાવવો પડતો અને તે ખૂબ મોંઘો મળતો તેથી લોકો કાગળના બદલામાં માટીના વાસણનો ટૂકડો વાપરી તેના પર પોતાનો મત અંકિત કરી ક્રેટારસ સામે જાણે ખટલો ચલાવતા હતા. નગરજનોનો આદેશ મળે તો દસ વર્ષ સુધી તેને નગરની બહાર હાંકી કાઢવામાં આવતો હતો. દર વર્ષે નગરજનોની વિધાનસભા મળતી અને તેમને પૂછવામાં આવતું. તમારે કોઇની સામે લોકશાહીના નામે વાંધો છે? રાજ્યના વહીવટ માટે વપરાતા દસ મહિનામાંથી છઠ્ઠો મહિનો (એટલે કે જાન્યુઆરી કે ફેબ્રુઆરી) આવે ત્યારે આ સભા મળતી.
ગ્રીક ઇતિહાસકાર કિલોકોરસ કહે છે તો પાંચ તબક્કામાં આખી પ્રક્રિયા વહેંચાયેલી હતી.

- તે બે તબક્કાની પ્રક્રિયા હતી. 2. એથેન્સના તમામ નાગરિકો માટે તે ખુલ્લી હતી. 3. બહારના અધિકારીઓ આખી પ્રક્રિયા પર નજર રાખતા હતા. 4. સભામાં ચોક્કસ સભાસદ સંખ્યા કોરમ થવી અનિવાર્ય હતી અને 5. દંડ-સજાના નિયમો હતા. જો કે ઓસ્ટ્રાકોનના ઉપયોગની પ્રથા ઓસ્ટ્રાઇસિઝમ કહેવાતી અને તેની શરૂઆત કરવા માટે નાગરિકોની બહુમતી અનિવાર્ય હતી. બહુમતીની સંમતિથી બે મહિના પછી પ્રક્રિયા હાથ ધરાતી. દરેક મતદાર ઠીકરાં પર લીટા પાડીને આરોપીનું નામ લખતા મોટા ભાગના મતદાર નિરક્ષર હતા! ઠીકરાં એકત્ર કરી ઊંધા પાડી મૂકવામાં આવતા. ગુપ્ત મતદાનની આ પદ્ધતિ હતી. એથેન્સવાસીઓ નિરક્ષર ભલે હતા પણ લોકશાહી મૂલ્યોને બરાબર સમજતા હતા. તેઓ સામૂહિક નિર્ણયશક્તિમાં અપાર વિશ્વાસ ધરાવતા હતા. એકત્ર કરેલા ઠીકરા-મતપત્રકની ગણતરી કરવા માટે પાંચ ન્યાયાધીશ અને અથવા અગ્રણી વહીવટદારો અને પાંચસો લોકોની મહાસમિતિ બેસતી અને જેના નામ ઠીકરા પર વધુ આવે તેને નગરની બહાર કાઢવાનો નિયમ હતો. સિવાય કે આવો નિર્ણય કરવા માટે જરૂરી સભ્ય સંખ્યા કોરમ ન થાય. પ્લુટાર્કે લખ્યું છે કે ઓછામાં ઓછા કુલ 6000 મત ભેગા થાય તો આ આદેશ અમલી બને. ફિલોકોરસ પણ આ જ આંકડો આપે છે.
જનાદેશનું નિશાન બનેલા લોકશાહીના ગુનેગારને નગર છોડવા માટે દસ દિવસનો સમય આપવામાં આવતો અને જો ગુનેગાર પાછો ફરવાની કોશિષ કરે તો મૃત્યુદંડ થતો. નગર નિકાસ થનારની મિલ્કત જપ્ત નહોતી થતી કે તેના સામાજિક દરજ્જામાં ફેરફાર નહોતો થતો. દસ વર્ષ પછી તે ચોખ્ખા નાગરિક તરીકે પરત આવી શકતો. મહાસભા સંયુક્ત નિર્ણય કરી આવા સજા પામેલા માણસની સજા વહેલી માફ કરી શકતી. ઇ.સ. પર્વે 479ના વર્ષમાં પસરિયા (ઇરબ)એ હુમલો કર્યો તે પહેલા નગર નિકાસ થયેલા પેરીકલીસના પિતા ઝેન્થીયસ અને એરિસ્ટાઇઝને માફી યોજના મારફતે પાછા બોલાવવામાં આવ્યા હોવાનું ઇતિહાસકારો નોંધે છે. ઇ.સ. પૂર્વે 461માં એથેન્સમાં કોઇ કટોકટી પેદા થઇ ત્યારે તે જ વર્ષે નગર નિકાલ થયેલા કિમોનને પાછો બોલાવવામાં આવ્યો હોવાનું ઇતિહાસ નોંધે છે.
એરિસ્ટોટલ લખે છે કે એથેન્સની લોકશાહીના મુખ્ય પુરસ્કર્તા કલીસ્થેનીસે આ પ્રથા ઇ.સ. પૂર્વે પાંચમી સદીમાં ચાલુ કરી હતી અને આ પ્રથા શરૂ થયા પછી વીસ વર્ષે સૌ પ્રથમ નગર નિકાલની સજા થઇ હતી પણ પછી 60 વર્ષમાં 12 ગુનેગાર આ સજાના અધિકારી બન્યા હતા. જેમાં એક સરમુખત્યાર પીસીસ્ટ્રેટોસના સગા કાર્મોસના પુત્ર હિમાર્કસ, હિમોક્રેટસ્ટના દીકરા મેગા કલીસ કલીસ્થેન્સના ભત્રીજા (બે વાર) વગેરે તે જમાનાના મુખ્ય નેતાઓનો સમાવેશ થતો હોવાનું ઇતિહાસકારો જણાવે છે. માટીના ટુકડાના અવશેષો મળી આવ્યા તેમાં મેગા કિલસ સામે 4647 લોકોએ મતદાન કર્યું હોવાનું જણાય છે. ઇ.સ. પૂર્વે 417માં છેલ્લે હાયપર બોલસ સામે આવો ખટલો ચાલ્યો હોવાનો અવશેષ મળે છે.
આ જનાદેશના ખટલા સામે કોઇ અન્ય આક્ષેપો કરવામાં આવતા ન હતા કે કોઇ તેની દલીલ કે બચાવ સાંભળવા તૈયાર ન હતા. પહેલા જ્યૂરીને પૂછવામાં આવતું. તમારે કોઇને અપરાધી ઠેરવવો છે? ગ્રીસની અન્ય એક પદ્ધતિ ફાર્મોકસમાં સમાજના તેમની વ્યાખ્યામાં આવા નબળા વર્ગને બચાવતી તક હતી. એથેન્સમાં નાગરિકોનો એક વકીલ ખટલો ચલાવવામાં મદદ કરતો. એથેન્સના કાયદા મુજબ જનતાના હિતના વિરોધમાં કામ કરતા દોષિત ઠરે તેને ભારે દંડ, મિલ્કત જપ્તી, કાયમી હદપારી અને મૃત્યુની સજા પણ થઇ શકતી. નાગરિકતા જાય તે સામાન્ય હતું. મોટે ભાગે સત્તા ભૂખ્યા જણાતા તવંગરો સામે આવા ખટલા ચાલતા. એક અક્ષરમાં ઘણા બધા મત લખાતા પણ મતમાં ઘાલમેલ થતી હોવાના આક્ષેપ નહોતા થતા. મતપત્રક અગાઉથી તૈયાર કરીને વેચાતા હોવાનું પણ અર્થઘટન ઇતિહાસકારો કરે છે. બે મહિનાનો ગાળો આને માટે જ હોવાનું તેઓ કહે છે. મેગારા, માઇલેટોસ, આર્ગેસ સિસિલી વગેરે નગર રાજયોમાંપણ આ પ્રથા અમલી હતી એમ ઇતિહાસકારો નોંધે છે.
આજે આપણે આપણા લોકશાહી દેશમાં લોકશાહીની છાતી પર કેટલાક બેશરમ તત્વોનો નાચ જોઇએ છીએ ત્યારે આ પ્રથા કેવી લાગે છે?